આણંદ, નડિયાદ: ચરોતરમાં રવિવારની મોડી રાત્રે વાતાવરણ પલટાયું હતું અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ પડતાં અફડા તફડી મચી ગઈ હતી. આ વરસાદનું સૌથી વધુ નુકશાન ગ્રામ્ય વિસ્તારમાં થયું હતું. આણંદ જિલ્લાના 210 કાચા મકાનના પતરાં ઉડી ગયાં હતાં, તો ખેડૂતોનો ઉભા પાકનો સોથ વળી ગયો હતો. જેને કારણે મોંઢા સુધી આવેલો કોળિયો ખેડૂતોનો ઝુટવાઇ ગયો હતો. જ્યારે ખેડા જિલ્લામાં ઠેર-ઠેર વૃક્ષો, વીજપોલ, મકાનના પતરાં અને દિવાલો ધરાશયી થઈ હતી અને ખેતપાકને પણ ભારે નુકશાન પહોંચ્યું હતું.
આણંદ, ખેડા જિલ્લામાં રવિવારની સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધીમે ધીમે વાતાવરણ વાદળછાંયુ રહ્યું હતું. મોડી રાત સુધીમાં તેજ પવન સાથે વરસાદ તુટી પડ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. પરંતુ તેજ પવનને ઠેર ઠેર તારાજી સર્જી દીધી હતી. ચરોતરમાં કમોસમી વરસાદના કારણે કાપણી પર આવેલી બાજરી, ઘાસચાર જેવા પાકમાં ભારે નુકશાન થયું હતું. સાથેસાથે વાવાઝોડાના કારણે કેરી ખરી પડી હતી.જેના કારણે ખેડુતોને ભારે નુકશાનપણ થયું હતું.
આણંદના ડિઝાસ્ટર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં તેજ પવન સાથે પડેલા વરસાદના કારણે 210 મકાનને નુકશાન થયું હતું. જેમાં ખંભાતના વડગામના જ 122 મકાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તડા તળાવમાં 67, સોજિત્રાના સરદારપોળમાં એક સહિત 3 મકાન, બોરસદના ભાદરણીયામાં 11, ખટનાલમાં એક, બાજીપુરામાં એક, હરિયાણમાં એક, ખડામાં એક, જાફરગંજમાં 3 મકાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉમરેઠના પ્રતાપપુરા અને બોરસદના બામણગામમાં એક – એક પશુનું મોત નિપજ્યું હતું. જ્યારે ખટનાલના વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી.
ખેડા જિલ્લામાં કમોસમી વરસાદથી અનેક ગામ-શહેરોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. જિલ્લામાં સૌથી વધુ નડિયાદ તાલુકામાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. માત્ર સવા ઈંચ વરસાદમાં જ શહેરમાં વાણિયાવાડ, કપડવંજ રોડ, ડભાણ રોડ, પીજ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હતી. શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ જવાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બીજી બાજુ ભારે પવનને કારણે જિલ્લામાં અનેક ઠેકાણે વૃક્ષો, વીજપોલ, મકાનોનાં પતરાં તેમજ દિવાલો ધરાશયી થયાં હતાં. તદુપરાંત વિજળી પડવાથી પશુઓના મોત પણ નિપજ્યાં હતાં. જિલ્લાના દશ તાલુકા પૈકી ખેડા તાલુકાના ધરોડા, નાયકા અને રસીકપુરા ગામમાં તેમજ માતર તાલુકાના બરોડા, મહેલજ ગામમાં વ્યાપક નુકશાન થયું હતું. મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે ભારે વરસાદના કારણે થયેલાં નુકશાનના પગલે કેટલાક ગામોની મુલાકાત લીધી હતી.
ક્યાં કેટલો વરસાદ નોંધાયો ?
આણંદ જિલ્લામાં રાત્રિના બે કલાક દરમિયાન સરેરાશ 13 મિમી વરસાદ નોંધાયો હતો. જેમાં આણંદમાં 17 મિમી, બોરસદમાં 7 મિમી, આંકલાવમાં 3 મિમી, ઉમરેઠમાં 17 મિમી, તારાપુરમાં 17 મિમી, પેટલાદમાં 28 મિમી, સોજિત્રામાં 19 મિમીનો સમાવેશ થાય છે. જ્યારે ખેડા જિલ્લામાં નડિયાદમાં 30 મિમી, માતરમાં 23 મિમી, ખેડામાં 12 મિમી, મહેમદાવાદમાં 12 મિમી, કઠલાલમાં 12 મિમી, ઠાસરામાં 7 મિમી, ગળતેશ્વરમાં 5 મિમી, વસોમાં 4 મિમી, કપડવંજમાં 1 મિમી, મહુધામાં 1 મિમી વરસાદ પડ્યો હતો.
વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે સાયક્લોનીક સિસ્ટમ સર્જાઇ હતી
હવામાનવિભાગના જણાવ્યાનુસાર, વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર સાયક્લોનીક સીસ્ટર સર્જાઇ હતી. સાથેસાથે દક્ષિણ-પશ્ચીમ તરફથી અરબ સાગરમાંથી ભેજવાળા હવા અને ગરમીનું પ્રમાણ વધારે હોવાથી વરસાદી વાતાવરણ અને વરસાદ આવ્યો હતો. સોમવારના મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22.7 ડિગ્રી અને 8 પ્રતિકિલોમીટરની ઝડપે હવા ફુંકાઇ હતી. જોકે આવનાર બે ત્રણ દિવસોમાં તાપમાનમાં વધારો થતા ગરમીનું પ્રમાણ વધશે.વાદળ હટતા તાપમાનમાં વધારો જોવા મળશે.
ડાકોરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં ઃ ભારે પવનથી પોલીસના બેરીકેટ ધ્વસ્ત થયાં
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમા પણ રવિવારના રોજ મોડી સાંજના સમયે ભારે પવન ફુંકાયા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. દરમિયાન ભારે પવનને કારણે દુકાનો તેમજ લારી-ગલ્લાં ઉપર બાંધેલા શેડ ઉડવા લાગ્યાં હતાં. તદુપરાંત ગાંધીજી સ્ટેચ્યુથી શ્રી રણછોડરાયજી મંદિરના મુખ્ય માર્ગ પર ડિવાઈડરની જગ્યાએ મુકવામાં આવેલ પોલીસના બેરીકેટ રસ્તા ઉપર પડી ગયાં હતાં. જ્યારે, વરસાદને પગલે નગરના ગણેશ ટોકીઝ વિસ્તાર, ગોપાલપુરા વિસ્તાર, સ્ટેશન રોડ તેમજ વિશ્વકર્મા મંદિર સામેના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ ગયાં હતાં. જેને પગલે લોકોને અવરજવર કરવામાં હાલાકી પડી હતી.
સેવાલિયામાં વિજળી ડુલ થઈ જતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયાં
ગળતેશ્વર તાલુકાના વડામથક સેવાલિયા તેમજ આસપાસના વિસ્તારોમાં રવિવારના રોજ રાત્રીના 8:30 વાગ્યા પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવન ફુંકાયા બાદ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું. અમુક વિસ્તારમાં કરા પડ્યા હોવાની માહિતી પણ સામે આવી છે. ત્યારે, સેવાલિયામાં પવન ફુંકાવાની સાથે જ લાઈટો ડુલ થઈ ગઈ હતી. જેને પગલે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતાં. હાલ ઉનાળામાં આ રીતે પવન સાથે વરસાદ આવતા લાઈટનો કાપ કરવો પડતો હોય તો, ભર ચોમાસામાં શું હાલત થશે તેવાં પ્રશ્નો લોકમુખે ચર્ચાયા હતાં. છેલ્લા એક અઠવાડિયાથી સેવાલિયા તેમજ આસપાસમાં વીજળીના વોલ્ટેજનો વધઘટની સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે, ડેપ્યુટી એન્જિનિયર તેમજ તેમની ટીમો દ્વારા તાત્કાલિક ધોરણે ચોમાસું આવતા પહેલા વોલ્ટેજ વધઘટની સમસ્યાનો હલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ધરોડામાં ઘરની દિવાલ પડતાં વૃધ્ધનું મોત
ખેડા તાલુકાના ધરોડા ગામમાં રહેતાં 60 વર્ષીય મંગાભાઈ રામાભાઇ સોંલકીના મકાનના પતરાં ઉડી ગયાં હતાં. તેમજ મકાનની એક દિવાલ પણ ધ્વસ્ત થઈ હતી. આ દિવાલ નીચે દબાઈ જવાથી ગંભીર ઈજાગ્રસ્ત બનેલાં મંગાભાઈનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે તેમના સંબંધી સનાજી બેચરજી ગોહેલને પગમાં ઇજા પહોંચી હતી. આ ઉપરાંત ધરોડા ગામમાં રહેતાં જકશીભાઈ રઈજીભાઈ ભરવાડે રવિવારના રોજ રાત્રીના સમયે પોતાના ત્રણ પશુ ખેતરમાં બાંધી રાખી હતી. દરમિયાન રાત્રીના સમયે તે જગ્યાએ વીજળી પડવાથી તેમના ત્રણેય પશુના કરૂણ મોત નીપજ્યાં હતાં. જ્યારે ખેડા તાલુકાના રસિકપુરા ગામમાં રહેતાં મફતભાઈ પરમારના ઘરની દિવાલ પણ પડી હતી. આ દિવાલ નીચે દબાઈ જવાથી મફતભાઈને ગંભીર ઈજા પહોંચી હતી.
નાયકામાં 18 કાચા મકાનોના પતરાં ઉડી ગયાં
ખેડા તાલુકાના નાયકા ગામમાં એક વીજ પોલ પડી ગયો હતો. જ્યારે અન્ય કેટલાક વીજપોલ તેમજ મોબાઈલ ટાવરોને નુકશાન પહોંચ્યું હોવાનું જાણવા મળેલ છે. તદુપરાંત ગામમાં 18 જેટલાં કાચા મકાનોના પતરા ઉડી ગયા હતાં અને 1 મકાનની દીવાલ ઘસી પડી હતી. આ ઉપરાંત માતર તાલુકાના બરોડા ગામમાં વીજળી પડવાથી 30 થી વધુ ઘેટાં-બકરાના મોત નીપજ્યાં હતાં. જેના કારણે પશુપાલક પરિવાર માટે આભ તૂટી પડ્યું હોય તેવી લાગણી જોવા મળી હતી.
ખેડા-માતર રોડ પર 20 થી વધું વૃક્ષો ધરાશયી
ભારે વરસાદના કારણે ખેડા-માતર રોડ પર અંદાજીત 20 થી વધુ વૃક્ષો ધરાશયી થયા હતાં. જેને પગલે થોડા સમય માટે રસ્તો બંધ થઈ ગયો હતો. જોકે, વરસાદે વિરામ લેતાંની સાથે જ ખેડા આર.એન્ડ.બી અને માતર ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા ધરાશયી થયેલાં વૃક્ષને જેસીબીની મદદથી હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. રાત્રીના ત્રણ વાગ્યા સુધી 3 જેસીબી અને 1 હાઇડ્રોની મદદથી ધરાશયી થયેલાં વૃક્ષો હટાવીને રોડ ખુલ્લાં કર્યા હતાં.