સુરત શહેરમાં કોરોનાની મહામારીને કારણે હવે ઓક્સિજનનો મોટો પ્રશ્ન ઊભો થયો છે ત્યારે ઓક્સિજનને લઈને જાણે યુદ્ધ છેડવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સતત ચોથા દિવસે શહેરમાં કુલ ૨૧૦ મેટ્રિક ટન ડિમાન્ડની સામે ખેંચતાણ કરીને તંત્ર 183 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય કરી શક્યું હતું.
શહેરમાં કોરોનાને કારણે ગંભીર દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. પરંતુ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો હવે ફુલ થઈ જતાં ગંભીર દર્દીઓને દાખલ કરવાનું પણ ટાળી રહ્યા છે. હોસ્પિટલોમાં હાલ જે દર્દી દાખલ છે તેમને પણ પૂરતો ઓક્સિજન સપ્લાય મળી રહ્યો નથી.
આવી ભયંકર પરિસ્થિતિમાં શહેરના અધિકારીઓ દ્વારા જોર જબરજસ્તીથી કંપનીઓ પાસેથી ઓક્સિજન મેળવવામાં આવી રહ્યો છે. આજે સતત ચોથા દિવસે શહેરમાં 210 મેટ્રિક ટન ઓક્સિજનની ડિમાન્ડ સામે માત્ર 183 મેટ્રિક ટન ઓક્સિજન મળી શક્યો છે.
ગઈકાલે શહેરમાં ખેંચતાણ કરીને 193 મેટ્રિક ટન ઓક્સિજન મેળવી શકાયો હતો. ઉલ્લેખનીય છે કે હજીરા ખાતે આવેલી આઈનોક્સ કંપની માંથી મધ્યપ્રદેશમાં મોટો ઓક્સીજનનો સપ્લાય આપવામાં આવી રહ્યો છે. જેને કારણે શહેરની સ્થિતિ વધારે વિકટ બની છે. સુરતને આઈનોક્સ કંપનીએ આજે 107 મેટ્રિકટન ઓક્સિજન આપ્યો હતો જ્યારે ગઈકાલે 100 મેટ્રિકટન ઓક્સિજન મળ્યો હતો.
મધ્યપ્રદેશના સપ્લાયમાં ઘટાડો કરાયો
આઈનોક્સ કંપની દ્વારા સૌથી વધારે ઉત્પાદન હજીરા ખાતે કરવામાં આવે છે. કોરોનાના સમયમાં આઈનોક્સ કંપની દ્વારા 170 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે. જેમાંથી મધ્યપ્રદેશમાં ગઈકાલે 65 મેટ્રિક ટન અને આજે ઘટાડીને 52 મેટ્રિકટન જથ્થો આપવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે 120 મેટ્રિક ટન મધ્યપ્રદેશને આપવા સૂચના આપી હતી. પરંતુ શહેરની પરિસ્થિતિ વધારે બગડતા તેમાં ઘટાડો કરાયો હોય તેવું જણાઈ આવે છે.