શહેરના કતારગામ વિસ્તારમાં એક 21 વર્ષીય નેપાળી યુવકની હત્યાની ઘટના બની છે. ગોટાલાવાડીમાં મકાન માલિકના પુત્રએ યુવકની હત્યા કરી હોવોનો પરિવારજનોએ આક્ષેપ મૂક્યો છે. જોકે હજુ સુધી મોતનું સાચું કારણ સામે આવી શક્યું નથી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આજે જ્યારે શહેરનો પોલીસ કાફલો વડાપ્રધાનના બંદોબસ્તમાં વ્યસ્ત છે ત્યારે બીજી તરફ આજે શનિવારે તા. 8 માર્ચે નેપાળી યુવક સરોજ બહોરાનું ગળુ કાપી હત્યા કરી દેવામાં આવી છે. યુવક છેલ્લાં ત્રણ વર્ષથી સુરતમાં રહીને રત્નકલાકાર તરીકેનું કામ કરતો હતો.
મળતી માહિતી મુજબ યુવક શુક્રવારે રાત્રે પોતાની બેગ લઈને બહાર જતો હતો ત્યારે તેને કેટલાંક ઈસમોએ અટકાવ્યો. બાદમાં કોઈ કારણોસર તેમની વચ્ચે બોલાચાલી થઈ અને હુમલાખોરોએ તેનું ગળું કાપી તેની હત્યા કરી નાંખી.
યુવકની હત્યાની વાત પરિવારને થતાં પરિવાર હાલ શોકમાં છે. પરિવારે યુવક જે ઘરમાં ભાડે રહેતો તે મકાન માલિકના દીકરા પર હત્યાનો આરોપ લગાવ્યો છે. પરિવારે આરોપ લગાવ્યો કે જૂની અદાવતમાં સરોજની હત્યા કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી આ આરોપોની પુષ્ટિ થઈ શકી નથી. સમગ્ર મામલે પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હજુ સુધી યુવકની હત્યા કોણે અને કેમ કરી તે વિશે કોઈ જ માહિતી સામે આવી નથી. પોલીસે આ મામલે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે શંકાસ્પદોની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.
