National

દિવાળીના દિવસે બિહારમાં લઠ્ઠાકાંડ: ઝેરી દારૂ પીવાના લીધે 21 લોકો મૃત્યુ પામ્યા અને 3 જણાએ આંખ ગુમાવી…

બિહારના(Bihar) બે જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 21 લોકોનાં મોત થયા છે અને 16ની હાલત ગંભીર છે. મૃત્યુ પામેલા લોકોમાં 13 ગોપાલગંજના રહેવાસી હતા. અહીં 7 લોકોની હાલત ગંભીર છે. જેમાંથી 3 લોકોએ આંખોની રોશની ગુમાવી છે. તેમજ બેતિયામાં 8 લોકોનાં મોત થયા છે. અહીં 9 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ તમામે ઝેરી દારૂ (Poison licour ) પીધો હોવાની આશંકા છે.

ગોપાલગંજમાં જે લોકોની ઝેરી દારૂ પીવાથી તબિયત બગડી છે, તેમની સારવાર મોતિહારીની હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. મૃત્યુ પામેલા તમામ લોકો મહમુદપુર પોલીસ સ્ટેશન હેઠળના કુશહર, મહમૂદપુર, મંગોલપુર, બુચેયા અને છપરાના મસરખ પોલીસ સ્ટેશનના રસૌલી ગામના રહેવાસી હતા. આ તમામે મંગળવારે ઝેરી દારૂ પીધો હતો. ત્યારબાદ તેમની તબિયત બગડવા લાગી હતી.

પોલીસનું કહેવું છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે

ગ્રામજનોએ જણાવ્યું કે, બુધવાર સાંજ સુધીમાં 8 લોકોનાં મોત થયા હતા. જ્યારે, ગુરુવારે સવાર સુધી મોતિહારી અને ગોપાલગંજની હોસ્પિટલમાં દાખલ વધુ પાંચ લોકોનાં મોત થયા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક વધીને 13 થઈ ગયો છે. જો કે, વહીવટીતંત્રએ ગુરુવાર સવાર સુધી મૃત્યુઆંકમાં કોઈ વધારો થવાનો ઇનકાર કર્યો હતો. ખાણકામ મંત્રી જનક રામ ગુરુવારે સાંજે અગાઉ મૃત્યુ પામેલા તમામ આઠ લોકોનાં ઘરે પહોંચ્યા હતા. તેમણે આ અંગે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

બેતિયાની ઘટનામાં પીડિતોના પરિજનોએ જણાવ્યું કે, બુધવારે સાંજે આ લોકોએ ગામમાં દેશી બનાવટનો ચુલ્હાઇ દારૂ પીધો હતો. ત્યારબાદ મોડી રાત્રે તેમની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. જ્યારે બીજી તરફ પોલીસનું કહેવું છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. ડીએમ કુંદન કુમારનું કહેવું છે કે, આ મામલો શંકાસ્પદ લાગે છે. જેથી મેડિકલ ટીમ મોકલીને તપાસ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top