નવી દિલ્હી: જ્યારે રશ્મિકા મંદાનાના ડિપફેક વીડિયો વાયરલ (DeepfakeRashmikaMandana) થયા ત્યારે તેના પર ભારે હોબાળો થયો હતો. જો કે, ડિપફેક વીડિયો અને ફોટા દ્વારા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય ખૂણાઓમાં પણ લોકો છેતરાઈ રહ્યા છે. એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં કૌભાંડીઓએ એક કંપની સાથે અનોખી રીતે છેતરપિંડી કરી છે.
ડિપફેકનો ઉપયોગ માત્ર લોકોને બદનામ કરવા માટે નથી થતો. ઉલટાનું સામાન્ય લોકો અને કંપનીઓ પણ તેનાથી છેતરાઈ રહી છે. આવો જ એક નવો મામલો સામે આવ્યો છે, જે હોંગકોંગનો છે. આ ડિપફેક કૌભાંડમાં એક બહુરાષ્ટ્રીય કંપનીએ 25 મિલિયન ડોલર અંદાજે રૂ. 207.6 કરોડ ગુમાવ્યા છે (207CroreDeepfakeScamHongKongCompany).
ખરેખર બહુરાષ્ટ્રીય કંપનીની હોંગકોંગ બ્રાન્ચમાં વીડિયો કોલ મારફતે એક ઝૂમ મિટિંગ મળી હતી. આ મિટિંગમાં ભોગ બનનાર કર્મચારી સિવાય તમામ ઉચ્ચ અધિકારીઓના ડિપફેક અવતાર હતા. મતબલ કે બધા જ નકલી હતા. આ ઉચ્ચ અધિકારીઓએ ભોગ બનનાર કર્મચારીને કેટલાંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવાની સૂચના આપી હતી. આ પ્રકારનો આ પહેલો કિસ્સો છે, જેમાં કોઈ કંપનીના ઘણા કર્મચારીઓના ડીપફેક વીડિયો બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તે કંપનીના કર્મચારીઓને ટાર્ગેટ કરીને છેતરપિંડી કરવામાં આવી હતી.
મિટિંગના વીડિયોમાં દરેક વ્યક્તિ નકલી
આ કિસ્સામાં સ્કેમર્સે કંપનીની હોંગકોંગ શાખાના કર્મચારીને શિકાર બનાવવા માટે ડિપફેકનો ઉપયોગ કર્યો છે. આ માટે તેણે કંપનીના ચીફ ફાયનાન્સ ઓફિસર અને અન્ય ઘણા કર્મચારીઓના ડીપફેક વીડિયો બનાવ્યા. આ પછી કંપનીના કર્મચારીઓને વીડિયો કોન્ફરન્સમાં સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં તેને પૈસા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું હતું.
આ વીડિયો કોલમાં પીડિતા સિવાયના તમામ કર્મચારીઓ નકલી હતા. એટલે કે દરેકનો ડીપફેક અવતાર તેમાં હાજર હતો. આ માટે સ્કેમર્સે સાર્વજનિક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ વીડિયો અને અન્ય ફૂટેજનો ઉપયોગ કર્યો, જેથી મીટિંગમાં હાજર દરેક વ્યક્તિ વાસ્તવિક લાગે.
હોંગકોંગમાં આવો પહેલો કેસ, પોલીસે તપાસ શરૂ કરી
પોલીસના જણાવ્યા અનુસાર, કોલ દરમિયાન ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલી સૂચનાઓને કૌભાંડના ભોગ બનેલા કર્મચારીએ અનુસરી હતી. તેણે 5 અલગ-અલગ બેંક ખાતામાં 15 ટ્રાન્ઝેક્શન કરીને 200 મિલિયન હોંગકોંગ ડોલર ટ્રાન્સફર કર્યા હતા.
કર્મચારીએ કંપનીની મુખ્ય કચેરીનો સંપર્ક કર્યો ત્યારે હકીકત બહાર આવી કે તેઓ છેતરાયા છે. ત્યાર બાદ આ છેતરપિંડી અંગે કંપનીની હોંગકોંગ બ્રાન્ચના ફાયનાન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તેમનું કહેવું છે કે હોંગકોંગમાં આ પ્રકારનો આ પહેલો કેસ છે, જેમાં આટલું મોટું કૌભાંડ થયું છે. આ કેસમાં પોલીસે કંપની અને તેના કર્મચારી વિશે કોઈ માહિતી આપી નથી.