ઇંગ્લેન્ડ સામેની પાંચ ટી-20 મેચની સીરિઝની પહેલી મેચ ગુમાવ્યા પછી બીજી મેચમાં આક્રમકતા સાથે જોરદાર વાપસી કરીને મેચ જીતી લીધા પછી આત્મવિશ્વાસ સભર ટીમ ઇન્ડિયા આક્રમક અને બેખોફ બેટિંગની નવી ફોર્મ્યુલાને મંગળવારે અહીં રમાનારી ત્રીજી ટી-20માં પણ જાળવી રાખશે. બીજી ટી-20માં વિરાટ કોહલીની ટીમ રમતના દરેક પાસામાં પ્રવાસી ટીમ કરતાં બહેતર પ્રદર્શન કરવામાં સફળ રહી હતી.
ઇશાન કિશને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ધમાકેદાર ડેબ્યુ કરીને 32 બોલમાં 56 રન બનાવીને ભારતીય ટીમને ખંચકાટ વગર આક્રમક બેટિંગ કરવાની નવી ફોર્મ્યુલાને અમલી બનાવવાનો એક જુસ્સો આપ્યો છે.
પહેલી ઓવરમાં જ કેએલ રાહુલ આઉટ થયો હોવા છતાં ઇશાન કિશને ડર્યા વગર જોફ્રા આર્ચરના પહેલા જ બોલને બાઉન્ડરી પાર મોકલીને ટીમ ઇન્ડિયાનું વલણ જાહેર કરી દીધું હતું. તેના સિવાય છેલ્લી પાંચ ઇનિંગમાંથી ત્રણમાં ખાતું પણ ન ખોલાવી શકેલો કેપ્ટન કોહલી ફોર્મમાં પાછો ફરતાં યજમાન ટીમનો આત્મવિશ્વાસ વધી ગયો છે.
હાર્દિક પંડ્યાએ લાંબા સમય પછી ચાર ઓવર બોલિંગ કરી હતી. જેના કારણે ભારતીય ટીમને એક વધારાના બેટ્સમેન સાથે મેદાને ઉતરવાની સહુલિયત મળી હતી, જે ત્રીજી મેચમાં પણ જાળવી રખાશે. ભારતીય ટીમમાં આમ તો મોટો કોઇ ફેરફાર થવાની સંભાવના નથી પણ બે મેચના આરામ પછી રોહિત શર્મા ટીમમાં પાછો ફરી શકે છે અને તેના માટે કેએલ રાહુલે જગ્યા ખાલી કરવી પડી શકે છે.