સુરત: ઈન્દોરમાં ગંદા પાણીના કારણે રોગચાળો અને લોકોના મોત બાદ સેવન સ્ટાર વોટર પ્લસ સિટીનો એવોર્ડ જીતતાં સુરતમાં પણ પાણીની ગુણવત્તા બાબતે હોબાળો થઈ રહ્યો છે. તંત્ર દ્વારા લૂલો બચાવ કરવા પ્રયાસો પણ કરાયા છે. જો કે, શુક્રવારે મનપાની સામાન્ય સભામાં વિપક્ષી નેતા પાયલ સાકરિયાએ છેલ્લાં 5 વર્ષના આંકડા રજૂ કરતાં ઘટસ્ફોટ કર્યો હતો કે, મનપા દ્વારા લેવામાં આવતા પાણીના નમૂનાઓ પૈકી હજારો સેમ્પલ્સ દર વર્ષે ફેઈલ થઈ રહ્યાં છે અને આ આંકડો ઘટવાને બદલે સતત વધી રહ્યો છે.
- જ્યાં પાણીના નમૂના ફેઇલ જાય છે ત્યાં તુરંત ફરિયાદ સોલ્વ કરવા પ્રયાસો થાય છે, હિમાંશુ રાઉલજીનો દાવો, જો કે વિપુલ સુહાગીયાએ પોલ ખોલી
પાયલ સાકરિયાએ રજૂ કરેલા આંકડા મુજબ વર્ષ-2021માં 4055, વર્ષ-2022માં 3621, વર્ષ-2023માં 3572, વર્ષ-2024માં 4647 અને વર્ષ-2025માં અત્યાર સુધીમાં 4200થી વધુ પાણીનાં સેમ્પલ્સ ફેઈલ ગયાં છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, મનપા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે મોટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવે છે, તેમ છતાં લોકોનાં ઘરો સુધી શુદ્ધ પાણી કેમ પહોંચતું નથી?
અનેક વિસ્તારોમાં પાણી અને ડ્રેનેજની લાઈનો ભળી જવાથી દૂષિત પાણી આવવાની સમસ્યા જૈસે-થે છે. જો આ ગંદા પાણીના કારણે શહેરમાં જળજન્ય રોગચાળો ફેલાય અને કોઈ નાગરિકનું મૃત્યુ થાય તો તેના માટે જવાબદાર કોણ? જો કે, પાણી સમિતિ ચેરમેન હિમાંશુ રાઉલજીએ વિપક્ષના આક્ષેપોનો સામનો કરતાં જણાવ્યું હતું કે, જે વિસ્તારો જૂના છે અને સ્લમ વિસ્તારમાં ગેરકાયદે કનેક્શનો છે ત્યાં આ સમસ્યા જોવા મળે છે અને ફરિયાદનું તુરંત સોલ્યુશન કરવા ફુલપ્રૂફ વ્યવસ્થા છે.
જો કે, વિપક્ષી સભ્ય વિપુલ સુહાગીયાએ તુરંત પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા જણાવ્યું હતું કે, મારા વિસ્તારમાં માન સરોવર સોસાયટીમાં 15 દિવસથી ગંદુ પાણી આવે છે. તેનુ સોલ્યુશન આવ્યું નથી.
માત્ર પાણી જ નહીં, પ્રાથમિક સુવિધાની 3,67632 ફરિયાદ પેન્ડિંગ છે
સામાન્ય સભામાં વિપક્ષી સભ્ય મહેશ અણઘણે જણાવ્યું હતું કે, શહેરીજનો દ્વારા કરવામાં આવતી ફરિયાદ યોગ્ય રીતે ઉકેલવાને બદલે માત્ર ફાઈલે કરવામાં આવી રહી છે. તેમણે વિવિધ ઝોનના આંકડાકીય ડેટા રજૂ કરી ફરિયાદના નિકાલની પદ્ધતિ સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમજ આંકડા રજૂ કરીને જણાવ્યું હતું કે, શહેરમાં જુદી જુદી પ્રાથમિક સુવિધાઓ બાબતે સમગ્ર સુરત શહેરમાં કુલ 13,37,218 ફરિયાદમાંથી 3,67,632 જેટલી ફરિયાદનો યોગ્ય નિકાલ થયો નથી અને તેને દફ્તરે કરી દેવામાં આવી છે.
કયા ઝોનમાં કેટલી ફરિયાદ
સેન્ટ્રલ ઝોનમાં કુલ 1,97,513 ફરિયાદ સામે 45,425 ફરિયાદ, લિંબાયતમાં કુલ 1,98,397 ફરિયાદ સામે 47,876 ફરિયાદ, રાંદેર ઝોનમાં કુલ 1,95,426 ફરિયાદ સામે 45,216 ફરિયાદ, કતારગામ ઝોનમાં કુલ 1,87,946 ફરિયાદ સામે 68,521 ફરિયાદ, ઉધના ઝોનમાં કુલ 1,61,722 ફરિયાદ સામે 52,935 ફરિયાદ, વરાછા-એ ઝોનમાં કુલ 1,41,842 ફરિયાદ સામે 37,986 ફરિયાદ, અઠવા ઝોનમાં કુલ 1,34,373 ફરિયાદ સામે 28,813 ફરિયાદ અને વરાછા-B ઝોનમાં કુલ 1,19,999 ફરિયાદ નોંધાઈ સામે 40,860 ફરિયાદનો નિકાલ થયો નથી.