દેશમાં રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 20-20 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જે એક મહિનામાં પેટ્રોલના દરમાં થયેલો પ્રથમ ઘટાડો અને એક અઠવાડિયાથી ઓછા સમયમાં ડીઝલના ભાવમાં થયેલો ચોથો ઘટાડો છે. સરકારી તેલ કંપનીઓના પ્રાઇસ નોટિફિકેશન અનુસાર, દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.64 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.07 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. અમેરિકી ફેડરલ રિઝર્વે સંકેત આપ્યા બાદ આ મહિનામાં આંતરરાષ્ટ્રીય તેલની કિંમતો તેના સૌથી નીચલા સ્તરે આવી ગઈ હોવાથી ભાવમાં ઘટાડો થયો છે.
18 ઓગસ્ટથી ડીઝલના ભાવમાં થયેલો આ ચોથો ઘટાડો છે. ડીઝલના ભાવમાં કરાયેલા તમામ ચાર ઘટાડા 20-20 પૈસા પ્રતિ લિટરના હતા. આ અગાઉના ત્રણ ભાવ ઘટાડામાં ડીઝલના દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ પેટ્રોલના ભાવ યથાવત રહ્યા હતા. પેટ્રોલના ભાવમાં રવિવારે કરાયેલો ઘટાડો 36 દિવસની યથાવત્ સ્થિતિ બાદ આવ્યો છે. સંસદમાં વિપક્ષી પાર્ટીઓએ ઈંધણના ભાવ વધારા સહિતના વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લી વખત 17 જુલાઈએ વધારો કરવામાં આવ્યો હતો. તે પહેલા 4 મેથી 17 જુલાઈ વચ્ચે પેટ્રોલની કિંમતમાં 11.44 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 9.14 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, દેશના અડધાથી વધુ વિસ્તારોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરની સપાટીને વટાવી ગઈ હતી. જ્યારે, ડીઝલની કિંમત ઓછામાં ઓછા ત્રણ રાજ્યોમાં 100 રૂપિયા પ્રતિ લિટરની સપાટીને વટાવી ગઈ હતી. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના દરો ઘટીને 66 ડોલર પ્રતિ બેરલ થઈ ગયા છે. જે ગયા મહિને 75 ડોલર પ્રતિ બેરલ હતા.