Dakshin Gujarat

ખેરગામ અને નવસારીમાં 2-2 ઇંચ તેમજ જલાલપોરમાં 1 ઇંચ વરસાદ

નવસારી: નવસારી જિલ્લામાં આજે પણ વરસાદ યથાવત રહ્યો હતો. જિલ્લામાં આજે પણ અંધારપટ રહ્યું હતું. સાથે વરસાદના જોરદાર ઝાપટાઓ પડયા હતા. જેના પગલે ખેરગામ અને નવસારીમાં 2-2 ઇંચ તેમજ જલાલપોરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી હતી. જેથી ગત રોજ નવસારી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગત રોજ ભરબપોરે અંધારપટ થઇ જવા સાથે જ વરસાદ પડવાનું શરૂ થયું હતું. જેથી વરસાદની ગેરહાજરીને પગલે પડતી ગરમીનો અંત આવ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જયારે આજે સવારથી જ જિલ્લામાં વરસાદી વાતાવરણ છવાયું હતું. જેથી આજે પણ નવસારી જિલ્લામાં વરસાદના જોરદાર ઝાપટાઓ પડયા હતા.

ગત બુધવારે સાંજે 6 વાગ્યેથી ગુરુવારે સાંજે 6 વાગ્યે સુધી, ખેરગામ તાલુકામાં 58 મિ.મી. (2.4 ઇંચ), નવસારી તાલુકામાં 50 મિ.મી. (2 ઇંચ), જલાલપોર તાલુકામાં 25 મિ.મી. (1 ઇંચ), ચીખલી તાલુકામાં 19 મિ.મી. (0.7 ઇંચ), વાંસદા તાલુકામાં 8 મિ.મી. અને ગણદેવી તાલુકામાં 3 મિ.મી. વરસાદ નોંધાયો હતો.

ખેરગામ તાલુકામાં વધુ બે ઇંચ વરસાદ, સર્વત્ર જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ
ખેરગામ: ખેરગામમાં સિઝનનો રેકર્ડબ્રેક 144.6 ઇંચ વરસાદ ખેરગામ તાલુકામાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવા સાથે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ગુરુવાર સાંજે 4 કલાકે વિતેલા 8 કલાકમાં 50 મીમી (બે ઇંચ) સાથે મોસમનો 3615 મીમી 144.6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં ગુરુવાર સવારે 10 થી 12 વચ્ચેના બે કલાકમાં આભ ફાટતા 42 મીમી સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. જેને કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ખેરગામ તાલુકામાં અતિવૃષ્ટિ સમાન મોસમનો 3615 મીમી રેકર્ડબ્રેક વરસાદ વરસી ચુક્યો છે. દરમ્યાન ગુરુવારે ખેરગામ 50 મીમી, નવસારી 17 મીમી, જલાલપોર 13 મીમી અને ચીખલી 4 મીમી વરસાદ નોંધાયો હતો. ખેરગામમાં બે ઇંચ સાંબેલાધાર વરસાદને પગલે નવરાત્રિ આયોજકોમાં દોડધામ મચી હતી. સતત વરસાદને પગલે જગતનો તાત મુંઝાયો હતો.

Most Popular

To Top