તાજેતરમાં અરબી સમુદ્રમાં રાજ્યના અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના દરીયાકિનારે ભારે પવનના કારણે દરીયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને થયેલા નુકસાનના પગલે આર્થિક રીતે સહાયરૂપ થવા માટે રૂા. ર૬૫ લાખનું સહાય પેકેજ રાજ્ય સરકારે જાહેર કર્યું છે.આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબીનેટ બેઠકમાં માછીમારોને સહાયરૂપ થવા માટે આ મહત્વનો નિર્ણય લઇને પેકેજ જાહેર કરાયું છે.
મહેસૂલ મંત્રી અને પ્રવકતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ રાગત પેકેજના પગલે માછીમારો તથા તેમના પરિવારના જીવનનિર્વાહ માટે મદદરૂપ થશે. રાજ્યમાં માછીમારી વ્યવસાયમાં ૧૭,૫૫૭ નાની બોટો તથા ૧ર,૧૫૯ મોટી બોટ મળી કુલ ર૯,૭૧૬ બોટો સંકળાયેલ છે. આ પૈકી ૪ નાની બોટો તથા ૪૬ મોટી બોટોને આંશિક નુકશાન થયું છે.કુલ ૫૦ બોટોને તેમજ માછીમારી જાળ/ અન્ય સાધન-સામગ્રીને અંદાજે રૂા. ર૬૫ લાખનું નુકશાન થયું છે એ માટે આ રાહત પેકેજ જાહેર કરાયું છે.
રાહત પેકેજની મુખ્ય વિશેષતાઓ
બોટ જાળ/ સાધન સામગ્રીને થયેલ નુકશાન સામે સહાય પેટે થયેલા નુકશાનના ૫૦% અથવા રૂા. ૩૫,૦૦૦/- સુધી સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે. તે ઉપરાંત અંશત: નુકશાન પામેલ ટ્રોલર – ડોલનેટર / ગીલનેટર બોટના કિસ્સામાં તેની નુકશાની અંદાજના ૫૦% અથવા રૂા. ૨.૦૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે ઉચ્ચક સહાય મળવાપાત્ર થશે. અંશત: નુકશાન પામેલ નાની બોટના કિસ્સામાં તેની નુકશાની અંદાજના ૫૦% અથવા રૂા. ૩૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર થશે. પૂર્ણ નુકશાન પામેલ નાની બોટના કિસ્સામાં તેની નુકશાની અંદાજના ૫૦% અથવા રૂા. ૭૫,૦૦૦/ – બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર થશે.
પૂર્ણ નુકશાન પામેલી ટ્રોલર – ડોલનેટર – ગીલનેટર બોટના કિસ્સામાં તેની નુકશાની અંદાજના ૫૦% અથવા રૂા. ૫.૦૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે ઉચ્ચક સહાય મળવાપાત્ર થશે. આ ઉપરાંત અંશત : નુકશાની પામેલ ટ્રોલર / ડોલનેટર / ગીલનેટર બોટના કિસ્સામાં માછીમાર રૂા. ૫.૦૦ લાખ સુધીની લોન મેળવે તો તેના ઉપર ૧૦% સુધીની વ્યાજ સહાય બે વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ ઉપર રાજ્ય સરકાર આપશે. આ ઉપરાંત પૂર્ણ નુકશાન પામેલ ટ્રોલર – ડોલનેટર – ગીલનેટર બોટના કિસ્સામાં માછીમાર રૂા. ૧૦.૦૦ લાખ સુધીની લોન મેળવે તો તેના ઉપર ૧૦% સુધીની વ્યાજ સહાય બે વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ ઉપર રાજ્ય સરકાર આપશે