World

ઢાકામાં બાંગ્લાદેશ એરફોર્સના પ્લેન ક્રેશમાં 19ના મોત, 100થી વધુ ઘાયલ

બાંગ્લાદેશ વાયુસેનાનું એક F-7 ટ્રેનર વિમાન આજે બપોરે 1:30 વાગ્યે (ભારતીય સમય મુજબ બપોરે 1:00 વાગ્યે) ઢાકાના ઉત્તરા ક્ષેત્રના દિયાબારી વિસ્તારમાં ક્રેશ થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન માઇલસ્ટોન કોલેજના કેમ્પસની અંદર સ્થિત શાળા પર પડ્યું હતું, જેના કારણે શાળા અને આસપાસના વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. અકસ્માત સમયે બાળકો સ્કૂલમાં હતાં અને ક્લાસ ચાલી રહ્યા હતા.

આ અકસ્માતના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં શાળાના વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડતા જોવા મળે છે. પ્રારંભિક માહિતી અનુસાર, આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ અનુસાર F-7 ટ્રેનર વિમાને બપોરે 1:06 વાગ્યે ઉડાન ભરી હતી અને 24 મિનિટ પછી 1:30 વાગ્યે ક્રેશ થયું હતું. હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના એક વરિષ્ઠ અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરી હતી પરંતુ અકસ્માતનું કારણ કે જાનહાનિ વિશે તાત્કાલિક માહિતી આપી ન હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ક્રેશ થયું તે F-7 ચીની વિમાન છે. એપીના અહેવાલ મુજબ, સેના અને ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ વાયુસેનાનું એક ટ્રેનર વિમાન ઢાકાના ઉત્તરી ઉત્તરા વિસ્તારમાં એક શાળા કેમ્પસમાં ક્રેશ થયું હતું, જેમાં ઓછામાં ઓછા 1 વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દરમિયાન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરીના ડિરેક્ટરે જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી ઓછામાં ઓછા 30 લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

અકસ્માતની માહિતી મળતા જ બાંગ્લાદેશ આર્મીના જવાનો અને ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના આઠ યુનિટ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમને માઇલસ્ટોન કોલેજ નજીક બપોરે 1:18 વાગ્યે વિમાન દુર્ઘટનાની માહિતી મળી હતી ત્યારબાદ ત્રણ યુનિટ ઘટનાસ્થળે કામ કરી રહ્યા છે, જ્યારે બે અન્ય યુનિટ રસ્તા પર તૈયાર છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં માઇલસ્ટોન કોલેજના કેમ્પસમાંથી ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળી રહ્યા છે. જોકે, અકસ્માતમાં કેટલા લોકો ઘાયલ થયા છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. કેટલાક સ્થાનિક મીડિયા અને સોશિયલ મીડિયા પોસ્ટમાં પાઇલટની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આ વાતની પુષ્ટિ થઈ નથી.

મુહમ્મદ યુનુસે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું
બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે જણાવ્યું હતું કે સરકાર અકસ્માતના કારણની તપાસ કરશે અને શક્ય તમામ સહાય સુનિશ્ચિત કરશે. તેમણે કહ્યું, “આ અકસ્માતમાં વાયુસેના, વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને માઇલસ્ટોન સ્કૂલ અને કોલેજના સ્ટાફ અને અન્ય લોકોને થયેલ નુકસાન ભરપાઈ ન થઈ શકે તેવું છે. આ રાષ્ટ્ર માટે ઊંડા શોકની ક્ષણ છે.”

Most Popular

To Top