Gujarat

રાજ્યમાં 183 રસ્તાઓને ડાયવર્ઝન અપાયું: 154 રસ્તાઓનું ક્વોલિટી કંટ્રોલ દ્વારા ઇન્સ્પેક્શન

ચોમાસામાં ભારે વરસાદને પગલે રાજ્યના ઘણા વિસ્તારોમાં રોડ-રસ્તાઓને ભારે નુકસાન થયું છે. રાજ્યના નાગરિકોને ખરાબ રસ્તાઓના કારણે કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી પૂર્ણ કરીને પૂર્વવત કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજ્યના ક્ષતિગ્રસ્ત રસ્તાઓના માઈનોર પેચવર્ક ૫૧ ટકા અને મેજર પેચવર્ક ૪૦ ટકા જેટલા પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રસ્તાઓમાં પડેલા માઇનર પોટહોલ્સ-ખાડા પૂરવાની કામગીરી પણ ૬૨ ટકાથી વધુ પૂર્ણ કરવામાં આવી છે. અલબત્ત, ભારે વરસાદના કારણે ખાડારાજના કારણે પ્રજા દ્વારા સરકારની આકરી ટીકા થઈ રહી છે.

ગુજરાતમાં રાજ્ય, પંચાયત, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને પાટનગર યોજનાના મળીને કુલ ૧.૧૯ લાખ કિ.મી.થી વધુ લંબાઈ ધરાવતા રસ્તાઓ આવેલા છે. આ રસ્તાઓ પૈકી ભારે વરસાદના પગલે ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા માઇનોર પેચવર્ક કરવાપાત્ર ૧,૮૯૩ કિ.મી. રસ્તાઓમાંથી ૯૫૭ કિ.મી. એટલે કે ૫૧ ટકા તેમજ મેજર પેચવર્ક કરવાપાત્ર ૧,૦૭૪ કિ.મી. રસ્તાઓમાંથી ૪૨૫ કિ.મી. રસ્તાઓનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, તેમજ બાકી રહેલા રસ્તાઓના મરામતની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.

અત્યારસુધીમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર કુલ ૧૪,૧૬૯ જેટલા માઇનોર પોટહોલ્સ-ખાડા પૈકી ૮,૮૪૧ એટલે કે ૬૨ ટકાથી વધુ પોટહોલ્સ ભરવાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં કોન્ક્રીટથી ભરેલા પોટહોલ્સ ૨૪૩, પેવર બ્લોકથી ભરેલા પોટહોલ્સ ૧૩૮, મેટલથી ભરેલા પોટહોલ્સ ૫,૪૮૦ અને ડામરથી ભરેલા ૨,૮૪૦ પોટહોલ્સનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં પણ અસુવિધા ન થાય તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરી તકેદારીના પગલાંઓ લઈને સત્વરે રસ્તાઓ મરામત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત રાજ્યમાં ભારે વરસાદના પગલે કુલ ૧૮૩ રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જે પૈકી ૧૫૪ રસ્તાઓનું ક્વોલિટી કંટ્રોલ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. ડાયવર્ઝન આપેલા રસ્તાઓમાંથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૧૨ જેટલા રસ્તાઓનું સ્ટ્રક્ચર પૂર્ણ થતા તેમના પર અને અન્ય ૩ વૈકલ્પિક રસ્તા પર ટ્રાફિક પુન: ચાલુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૯૮ જેટલા ડાયવર્ઝન સારી કન્ડિશનમાં તેમજ ૪૧ ડાયવર્ઝન રિપેરિંગ હેઠળ છે, તેમ માર્ગ અને મકાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું.

Most Popular

To Top