નવી દિલ્હી: 16 વર્ષીય ભારતીય ગ્રાન્ડમાસ્ટર (Indian Grand master) પ્રજ્ઞાનંદે રમેશપ્રભુએ આ વર્ષે બીજી વખત ચેસ ક્ષેત્રમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ચેન્નાઈના (Chennai) પ્રજ્ઞાનંદે 2018માં પ્રખ્યાત ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ જીત્યો હતો. પ્રજ્ઞાનંદે ત્રણ મહિનામાં ફરી એક વાર વિશ્વના (World) નંબર 1 ચેસ (Chess) માસ્ટરને હરાવ્યા છે. પ્રજ્ઞાનંદ ગ્રાન્ડમાસ્ટરની સિદ્ધિ મેળવનાર ભારતના સૌથી યુવા ખેલાડી છે અને સાથે વિશ્વનો બીજા સૌથી યુવા (Youth) ખેલાડી છે.
પ્રજ્ઞાનંદે ત્રણ મહિનામાં બે વખત કાર્લસનને હરાવ્યા
પ્રજ્ઞાનંદે ચેસબોલ માસ્ટર્સ નામની વિશ્વ સ્તરની ચેસ મેચમાં મેગ્નસ કાર્લસનને હરાવ્યા છે. ચેસબોલ માસ્ટર્સના પાંચમા રાઉન્ડમાં નોર્વેના કાર્લસને એક મોટી ભૂલ કરી હતી જેનો ફાયદો પ્રજ્ઞાનંદે ઉઠાવ્યો અને જીત તેના નામે કરી. આ જીત સાથે પ્રજ્ઞાનંદની ઓનલાઈન રેપિડ ચેસ ટુર્નામેન્ટમાં નોકઆઉટમાં પહોંચવાની આશાઓ જાળવી રાખી છે. તમને જાણવી દઈએ કે આ પહેલી વખત નથી જયારે પ્રજ્ઞાનંદે મેગ્નસ કાર્લસનને હરાવ્યા હોય. આ પહેલા પણ પ્રજ્ઞાનંદે 21 ફેબ્રુઆરી મહિનામાં ઓનલાઈન રેપિડ ચેસ ટુર્નામેન્ટ એરથિંગ્સ માસ્ટર્સમાં વર્લ્ડ ચેમ્પિયન કાર્લસનને પ્રથમ વાર હરાવ્યા હતા અને ત્યાર બાદ ત્રણ મહિના પછી તેને કાર્લસનને ફરીથી હરાવી ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે. જે દેશ માટે ગર્વની વાત છે.
આ ભૂલના કારણે કાર્લસન હાર્યા
પ્રજ્ઞાનંદ અને કાર્લસન આ ટૂર્નામેન્ટના પાંચમા રાઉન્ડમાં ટકરાયા હતા. જેની ઈનામી રકમ 150 હજાર યુએસ ડોલર એટલે કે 1.16 કરોડ રૂપિયા હતી. મેચ શરૂઆતમાં તો ડ્રો તરફ આગળ વધી રહી હતી પરંતુ કાર્લસને 40મી ચાલમાં મોટી ભૂલ કરી હતી. કાર્લસને પોતાનો કાળો ઘોડો ખોટી જગ્યાએ મૂકી દીધો હતો. આ પછી ભારતીય ખેલાડી પ્રજ્ઞાનંદે તેમને પરત ફરવાની તક આપી નહિ અને અચાનક કાર્લસને હારનો સામનો કરવો પડ્યો હતો. કાર્લસનની આ ભૂલને કારણે મેચ જીત્યા બાદ પ્રજ્ઞાનંદે કહ્યું હતું કે તે આ રીતે મેચ જીતવા માંગતો નથી.
આ ટૂર્નામેન્ટમાં પ્રથમ સ્થાને કોણ છે?
ચેસબોલ માસ્ટર્સ ટૂર્નામેન્ટના બીજા દિવસની સમાપ્તિ બાદ કાર્લસન હાલમાં બીજા સ્થાને છે. આ ટૂર્નામેન્ટમાં ચીનની વેઈ યી પ્રથમ સ્થાને છે. આ સાથે જ પ્રજ્ઞાનંદના 12 પોઈન્ટ છે. વિશ્વનો સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર અભિમન્યુ મિશ્રા પણ આ ટુર્નામેન્ટનો ભાગ છે. આ ટૂર્નામેન્ટમાં 16 ખેલાડીઓએ ભાગ લીધો છે.
તમને જાણવી દઈએ કે આ ટુર્નામેન્ટનો સૌથી યુવા ખેલાડી પ્રજ્ઞાનંદ છે. આ ટુર્નામેન્ટમાં અગાઉ આ બંને ખેલાડીઓ ત્રણ વખત સાથે ટકરાયા હતા અને ત્રણેય વખત કાર્લસને જીત મેળવી હતી. પરંતુ ચોથી મેચમાં પ્રજ્ઞાનંદનો વિજય થયો હતો. એકવાર હાર થયા બાદ કાર્લસને એપ્રિલમાં યોજાયેલા ઓસ્લો ઈ સ્પોર્ટ્સ કપ ચેસ મેચમાં પ્રજ્ઞાનંદનાને 3-0થી હરાવીને પાછલી હારનો બદલો લીધો હતો અને હવે પ્રજ્ઞાનંદ ફરી એક વાર જીતી ગયો છે