કૃષિવિષયક કાયદાઓ સામેની ભારતના કિસાનોની લડત હવે દેશના સીમાડાઓ વટાવીને વિદેશોમાં પહોંચી ગઈ છે. આ લડાઈ હવે દિલ્હીની સરહદ પૂરતી મર્યાદિત નથી રહી પણ સોશિયલ મીડિયાની લડાઈ પણ બની ગઈ છે. ઇન્ટરનેશનલ સેલિબ્રિટીઓ પણ તેમાં જોડાઈ ગઈ છે.
વિદેશોમાં માનવ અધિકારો અને પર્યાવરણ માટે લડતા એક્ટિવિસ્ટો પણ સોશિયલ મીડિયામાં રાજનેતાઓ જેટલા અને ક્યારેક તેમના કરતાં વધુ ચાહકો ધરાવે છે. તેમના દ્વારા ઇન્ટરનેશનલ લેવલે ભારતના કિસાનોનો મુદ્દો ઉછાળવામાં આવતાં ભારત સરકાર ભડકી ગઈ છે. તેમાં પણ સ્વિડનની ૧૮ વર્ષની પર્યાવરણપ્રહરી ગ્રેટા થનબર્ગના એક ટ્વિટથી ભારત સરકાર જાણે હચમચી ગઇ છે. તેનું કારણ એ છે કે ગ્રેટા થનબર્ગના ટ્વિટર પર કરોડો અનુયાયીઓ છે.
ગ્રેટા માત્ર ૧૬ વર્ષની હતી ત્યારે ટાઇમ મેગેઝિને તેને પર્સન ઓફ ધ યર તરીકે નવાજી હતી. ગ્રેટા સ્કૂલમાં ભણતી હતી ત્યારથી ક્લાસમાં બન્ક મારીને સ્વિડનની સંસદની બહાર જઈને પર્યાવરણની રક્ષા બાબતમાં ભાષણો કરતી.
તેનાં ભાષણો સાંભળવા લોકો મોટી સંખ્યામાં ભેગા થતા. ગ્રેટા થનબર્ગે પોતાના ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કરીને ભારતના કિસાનોની લડતને સમર્થન આપ્યું તે પછી પશ્ચિમી જગતની અનેક સેલિબ્રિટીઓ તેના સમર્થનમાં આવી ગઈ છે. તેમાં અમેરિકાનાં ઉપપ્રમુખ કમલા હેરિસની ભત્રીજી મીના હેરિસનો પણ સમાવેશ થાય છે. અમેરિકાની પોપસ્ટાર રિહાનાએ પણ ટ્વિટ કરીને ભારતના કિસાનોની લડતને ટેકો જાહેર કર્યો છે.
રિહાનાના ટ્વિટર પર ૧૦ કરોડ અનુયાયીઓ છે. ભારત સરકારને લાગે છે કે આટલી બધી વિદેશી સેલિબ્રિટીઓ કિસાનોના સમર્થનમાં બહાર આવી છે, તેની પાછળ ભારતને બદનામ કરવાનું કોઈ કાવતરું છે. દિલ્હીની પોલીસે તો ભારતના અજાણ્યા દુશ્મનો સામે એફઆઇઆર પણ દાખલ કરી છે. શું ભારત દેશ એટલો નબળો છે કે સ્વિડનની ૧૮ વર્ષની છોકરીના સંદેશાથી ભારતની અખંડિતતા જોખમાઈ જવાની છે?
ગમે તે કારણે આપણી સરકાર ટીકાઓ બાબતમાં અસહિષ્ણુ બની ગઈ છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજની તારીખમાં ભારતના સર્વાધિક લોકપ્રિય નેતા છે, તે બાબતમાં શંકાને કોઈ સ્થાન નથી. નરેન્દ્ર મોદીના ભક્તો તેમને ભગવાનથી પણ અધિક માને છે.
તેઓ તેમની કોઈ પણ જાતની ટીકા સાંભળવા તૈયાર નથી હોતા. નરેન્દ્ર મોદીના કે ભાજપ સરકારના કોઈ પણ ટીકાકારને તેઓ દેશદ્રોહી ઠરાવવા તૈયાર થઈ જાય છે. કિસાનોના આંદોલન બાબતમાં ભારત સરકારની ચિક્કાર ફજેતી થઈ તે વાત ભાજપના ભક્તો હજમ કરી શક્યા નથી.
કિસાનો શા માટે કડકડતી ઠંડીમાં ૭૦ દિવસથી રસ્તા પર છે? તેનો વિચાર કરવાને બદલે તેઓ કિસાનોને પણ દેશદ્રોહી ગણાવવા તૈયાર થઈ ગયા છે. હવે ઇન્ટરનેશનલ સેલિબ્રિટીઝ કિસાન આંદોલનના ટેકામાં આવી ગઇ હોવાથી તેમને ઇન્ટરનેશનલ કોન્સ્પિરસી દેખાઈ રહી છે.
સ્વિડનની પર્યાવરણ પ્રહરી ગ્રેટા થનબર્ગે જ્યારે કિસાનોના સમર્થનમાં ટ્વિટ કર્યું ત્યારે તેણે ભૂલભૂલમાં એક ટૂલકિટ પણ ટ્વિટ કરી હતી, જેમાં સોશિયલ મીડિયામાં કિસાનોના મુદ્દાને કેવી રીતે ચગાવવો તેનું માર્ગદર્શન પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવ્યું હતું.
ગ્રેટા થનબર્ગે આ ટૂલકિટ તરત ડિલિટ કરી નાખી હતી, પણ કેટલાક લોકો દ્વારા તેનો સ્ક્રિનશોટ સાચવી રાખવામાં આવ્યો હતો. આ ટૂલકિટ વિદેશમાં વસતા શીખોની સંસ્થા દ્વારા કિસાનોના આંદોલનને સમર્થન આપવા માટે તૈયાર કરવામાં આવી હતી.
આ ટૂલકિટનો ઉપયોગ કરીને ઇન્ટરનેશનલ સેલિબ્રિટીઝ કિસાનોના આંદોલનના સમર્થનમાં સોશિયલ મીડિયામાં ઝુંબેશ ચલાવી રહી છે. આ ટૂલકિટમાં બોમ્બગોળા ભરવામાં આવ્યા હોય તેમ દિલ્હી પોલીસે તેની સામે ફરિયાદ દાખલ કરી છે. દિલ્હીની પોલીસ દ્વારા ટૂલકિટ તૈયાર કરનારા ઇસમો વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસે રજિસ્ટર કરેલી ફરિયાદ મુજબ આ ટૂલકિટનો ઉપયોગ ભારત સરકાર સામે દ્વેષ ફેલાવવા માટે થઈ રહ્યો છે. હકીકતમાં પર્યાવરણ અને માનવ અધિકાર માટે લડતાં લોકો સોશિયલ મીડિયામાં કોઈ પણ ઝુંબેશ ચલાવે ત્યારે આ પ્રકારની ટૂલકિટનો ઉપયોગ કરતા જ હોય છે. કિસાન આંદોલન માટે તૈયાર કરવામાં આવેલી ટૂલકિટમાં પણ કાંઈ વાંધાજનક નથી. તેમાં કિસાનો શા માટે આંદોલન કરી રહ્યા છે?
તેની સમજૂતી આપવામાં આવી છે. આ મુદ્દાઓ તો ભારતની સંસદમાં અને અખબારોમાં પણ ચર્ચાઈ રહ્યા છે. ટૂલકિટમાં કિસાનોના ટેકામાં પિટીશન કરવાની, સરકારને ઈમેઇલ કરવાની અને ટ્વિટર પર વિવિધ હેશટેગ ચલાવવાની વાત કરવામાં આવી છે.
દાખલા તરીકે પેલેસ્ટાઇનની પ્રજાના તેમની માતૃભૂમિ પરના અધિકારનું સમર્થન કરવા અમેરિકાની સંસ્થા રાચેલ કોરી ફાઉન્ડેશન દ્વારા ટૂલકિટ તૈયાર કરવામાં આવી હતી. આ ટૂલકિટનો ઉપયોગ યુનો દ્વારા પણ કરવામાં આવ્યો હતો. આ ટૂલકિટમાં તા. ૨૦ ડિસેમ્બરના દિવસને પેલેસ્ટાઈનના લોકોના સમર્થન માટેના દિવસ તરીકે મનાવવાની અપીલ કરવામાં આવી હતી.
કિસાનો બાબતમાં જે ટૂલકિટ તૈયાર કરવામાં આવી છે તેમાં તા. ૧૪ ફેબ્રુઆરીનો દિવસ કિસાન સમર્થન દિવસ તરીકે મનાવવાની અપીલ કરવામાં આવી છે. આ દિવસે દરેકને પોતાના દેશમાં કે શહેરમાં શાંતિયાત્રા કાઢવાની અપીલ કરવામાં આવી છે.
કોઈ પણ લોકશાહી દેશમાં સરકારની નીતિ સામેના વિરોધને આવકાર્ય ગણવામાં આવ્યો છે. જો કિસાનો ભારતની સંસદે ઘડેલા કાયદાને માન્ય ન ગણતા હોય તો તેમનો વિરોધ કરવાનો અધિકાર છે. જો કોઈ વિદેશી નાગરિકોને ભારતના કિસાનો માટે હમદર્દી ઊભરાઇ જતી હોય તો તેમને ભારતના દુશ્મન ગણવાની જરૂર નથી.
ભારતના કિસાનો માટેની ટૂલકિટનો પ્રતિકાર કરવા ભારત સરકાર પોતે પણ મેદાનમાં આવી ગઇ છે. કિસાનોની તરફેણ કરતાં હેશટેગનો મુકાબલો કરવા ભારત સરકારના ગૃહ ખાતા દ્વારા ‘ઇન્ડિયા ટુગેધર’ નામનો હેશટેગ તરતો મૂકવામાં આવ્યો છે. ભારતના વિદેશ ખાતા દ્વારા તેને ફોલો કરવામાં આવ્યો છે.
ભારતના દરેક સંસદસભ્યોને, વિધાનસભ્યોને, સામાન્ય સભ્યોને, ક્રિકેટરોને અને ફિલ્મસ્ટારોને આ હેશટેગનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. આ હેશટેગ પરથી લાગે છે કે ભારત સરકાર તેના કિસાનોને પારકા માનતી લાગે છે. કોઈ દુશ્મન સૈન્ય દ્વારા ભારત પર આક્રમણ થાય ત્યારે આખો દેશ સરકારની પડખે ઊભો રહે તેવો દેખાવ કરવામાં આવ્યો છે.
અમેરિકામાં જ્યારે હાઉડી મોદી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે અમેરિકામાં વસતા ભારતીયો દ્વારા તેના સમર્થનમાં ટુલકિટ તૈયાર કરવામાં આવી હતી, તેનો તો સરકારે પણ પ્રચાર કર્યો હતો. હવે કિસાનોના સમર્થનમાં વિદેશ વસતા ભારતીયો દ્વારા તૈયાર કરાયેલી ટૂલકિટને દેશદ્રોહ માનવામાં આવી રહ્યો છે.
વાત માત્ર કિસાનોના આંદોલન પૂરતી મર્યાદિત નથી. વર્તમાન સરકાર તેની કોઈ પણ નીતિના કોઈ પણ વર્ગ દ્વારા થતા વિરોધને દેશદ્રોહ ગણાવતી થઈ ગઈ છે. તાજેતરમાં ભારતમાં સરકારી સ્તર પર કોરોનાની રસીની ઝુંબેશ ચાલી રહી છે. દેશના મોટા વર્ગ દ્વારા રસીનો વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધથી હરકતમાં આવી ગયેલી સરકારે ફતવો બહાર પાડ્યો છે કે રસીનો વિરોધ કરનારને જેલભેગા કરવામાં આવશે. શું આપણે સરમુખત્યારશાહી તરફ જઈ રહ્યા છીએ?
આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.