Gujarat

પીએમ મોદીના હસ્તે 16મીએ ગાંધીનગરના આધુનિક રેલવે સ્ટેશન, ફાઈવસ્ટાર હોટેલનું લોકાર્પણ

પીએમ નરેન્દ્ર મોદી આગામી તા.16મી જુલાઈના રોજ એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવવાના હતા. જો કે હવે પીએમ મોદી આગામી તા.૧૬મીના રોજ બપોરે ૪ કલાકે ગાંધીનગરમાં નવિનીકરણ પામેલા અદ્યતન રેલવે સ્ટેશન, આધુનિક ફાઇવસ્ટાર હોટેલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે.

મહાત્મા મંદિર, ગાંધીનગરનું નવિનીકરણ પામેલું અદ્યતન રેલવે સ્ટેશન અને ૩૧૮ રૂમની સુવિધાવાળી ફાઇવ સ્ટાર હોટેલ આ ત્રણેય સ્થળો એકબીજાની નજીકમાં હોવાથી ગુજરાતમાં આ એક નવલું નજરાણું બનશે.આ સાથે સાયન્સસિટીમાં નિર્માણ થયેલા ત્રણ નવિન પ્રકલ્પોનું પણ વર્ચ્યુઅલ ઉદઘાટન કરવાના છે. સાયન્સ સિટીમાં નિર્માણ થયેલા આ ત્રણ પ્રકલ્પોમાં રૂ. ૨૬૪ કરોડના ખર્ચે તૈયાર થયેલી એકવાટિક ગેલેરી, રૂ. ૧ર૭ કરોડના ખર્ચે આકાર પામેલી રોબોટિક ગેલેરી અને રૂ. ૧૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા નેચર પાર્કનું લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે થશે.

પીએમ મોદી ગાંધીનગરથી વારાણસી વચ્ચે નવી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનને પણ વર્ચ્યુઅલ પ્રસ્થાન સંકેત આપી આ નવી ટ્રેન સેવાનો શુભારંભ કરાવવાના છે. ગાંધીનગરથી વરેઠા મેમુ સેવાનો આરંભ પણ વડાપ્રધાન આ અવસરે કરાવશે. પ્રધાનમંત્રી દ્વારા આ પ્રસંગે સુરેન્દ્રનગર-પીપાવાવ ર૬૬ કિ.મીટર રેલવે ઇલેકટ્રીફિકેશન કામગીરીનો લોકાર્પણ થશે.

વડાપ્રધાન મોદી મહેસાણા-વરેઠા (વડનગર સ્ટેશન સહિત)ના ઇલેકટ્રી ફાઇડ બ્રોડગેજ રેલ ખંડ પ્રજાર્પણ કરશે. આ બધા જ લોકાર્પણોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થશે. આ પ્રસંગે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે કેન્દ્ર સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યમંત્રી દર્શના જરદોશ અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ આ કાર્યક્રમમાં પ્રત્યક્ષપણે જોડાવાના છે.

Most Popular

To Top