SURAT

સુરતમાં સ્કૂલ-કોલેજના 25,000થી વધુ વિદ્યાર્થીઓએ 15 કિ.મી. લાંબી માનવસાંકળ રચી ઈતિહાસ રચ્યો

સુરતઃ આગામી તા. 17મી ડિસેમ્બરના રોજ વિશ્વના સૌથી મોટા બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું વિધિવત્ત ઉદ્દઘાટન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પધારવાના છે, તે પહેલાં સ્વચ્છ સુરતના અભિયાન હેઠળ સુરતમાં સ્વચ્છતાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન આજે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરની સ્વચ્છતા બાબતે પ્રતિબદ્ધતા અને કટિબદ્ધતાના ભાગરૂપે શહેરના સ્કૂલ, કોલેજના 25,000થી વધુ વિદ્યાર્થીઓ સાથે મળીને માનવ સાંકળ રચી ઈતિહાસ સર્જયો હતો.

  • 25,000 વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉભા રહી માનવસાંકળ રચી
  • શહેરના 15 કિ.મી. રસ્તા પર વિદ્યાર્થીઓ ઉભા રહ્યાં
  • પોલીસ હેડક્વાટર્સથી વાય જંકશન અને ચોસઠ જોગાણીતાના મંદિર સુધી માનવસાંકળના લીધે અદ્દભૂત દ્રશ્ય સર્જાયું

શહેરના સ્કૂલ કોલેજના 25,000થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ હેડક્વાર્ટસથી વાય જંકશન, ચોસઠ જોગાણીમાતાના મંદિર સુધી કુલ 15 કિ.મી. લાંબી માનવ સાઈકલ રચવામાં આવી હતી.

શહેરની 43 શાળાઓ અને 22 કોલેજો મળી 25,000થી વધુ બાળકો સાથે શહેરીજનોએ સમગ્ર દેશને ‘ક્લીન સુરત, ગ્રીન સુરત અને ફિટ સુરત’નો સંદેશો આપ્યો હતો. માનવ સાંકળમાં બાળકોએ વિવિધ પ્લે કાર્ડ, રાષ્ટ્ર ધ્વજ હાથમાં રાખી ‘ક્લીન, ગ્રીન અને ફિટ સિટી’ના નારા સાથે હાથમાં ટ્રાઈ કલર બેન્ડ બાંધી માનવ સાંકળમાં સહભાગી બન્યા હતા.

આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી, સંસદ સભ્ય સી.આર. પાટીલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર અજયકુમાર તોમર, કલેક્ટર આયુષ ઓક, મેયર નિરંજન ઝાંઝમેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં અને સ્વચ્છતાનો સુંદર સંદેશ આપવાના કાર્યક્રમના સહભાગી બની વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

સ્વચ્છ, સુરક્ષિત અને ફિટ સુરતના સંદેશા સાથે માનવ સાંકળે સુરતમાં નવો ઈતિહાસ સર્જ્યો છે એમ જણાવતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માધ્યમકર્મીઓ વાત કરતા કહ્યું હતું કે, સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા રાજ્યમાં સૌ પ્રથમવાર 15 કિમી લાંબી માનવ સાંકળ રચાઈ છે. સુરત શહેર સમગ્ર ભારતમાં અર્બન ગવર્નન્સ અને ક્લીનલીનેસ માટે જગવિખ્યાત થઈ રહ્યું છે એમ જણાવી વડાપ્રધાનશ્રી તા.17 મી ડિસેમ્બરે સુરતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે સુરતીઓમાં જોવા મળેલો અદમ્ય ઉત્સાહ સરાહનીય છે.

Most Popular

To Top