શહેરની સામાજિક સંસ્થા અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા ઉધના સોશિયો સર્કલસ્થિત શનિદેવ મંદિર પાસે 1500 મૃતદેહની તસવીરોનું ઓળખ માટે પ્રદર્શન યોજાયું હતું. જેમાં બિનવારસી રીતે મળી આવેલા મૃતદેહોની તસવીરો રાખવામાં આવી હતી. જેથી પરિવારમાંથી ગુમ થયેલી વ્યક્તિઓ તેનાં સ્વજનો જો મોતને ભેટ્યા હોય તો તેની ઓળખ કરી શકે તે હેતુથી પ્રદર્શન યોજાયું હતું.
અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રમુખ વેણીલાલે જણાવ્યું હતું કે, અમારી સંસ્થાએ છેલ્લાં 22 વર્ષમાં 7 હજારથી વધુ બિનવારસી લાશોનું વિનામૂલ્યે અગ્નિદાહ કરવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં મળી આવેલા બિનવારસી મૃતદેહ અગ્નિદાહ સેવા કેન્દ્રને સોંપવામાં આવે છે. મૃતદેહના ફોટોના આધારે પરિવારના સભ્યો તેની ઓળખ કરતા હોય છે.
સામાન્ય રીતે ઘરે કોઈને કહ્યા વગર કે ઘણા સમયથી ગુમ થયેલા લોકોની ઓળખ માટે તેમના પરિવારજનો આ પ્રદર્શનમાં આવતા હોય છે. તેમની પાસેના આધાર પુરાવાના આધારે પ્રદર્શનમાં રાખેલા ફોટો સાથે તેના પરિવારના સભ્યોને મેચ કરતા હોય છે. જો તેનું સ્વજન હોય તો તે જીવે છે કે મૃત્યુ પામ્યું છે. તેની પણ આ પ્રદર્શન થકી જાણ થતી હોય છે.
જેનાં સ્વજનો ગુમ થયા હોય તેવા લોકો જો મોતને ભેટ્યા હોય અને પ્રદર્શન થકી ઓળખ થાય તો તેમને કાયદેસરના મહાનગરપાલિકામાંથી મોતનો દાખલો આપવામાં આવે છે. છેલ્લાં 17 વર્ષથી ફોટો લગાવીને તસવીરોનું પ્રદર્શન કરવામાં આવતાં હાલ સુધીમાં 32 મૃતકની ઓળખ થઈ છે. શનિવારે 450થી વધુ લોકોએ પ્રદર્શનની મુલાકાત કરી હતી.