Editorial

આંતરિક યુદ્ધ વચ્ચે ઘેરાયેલા સુદાનમાં 150 વર્ષ પહેલા ગુજરાતીએ વેપારનો માર્ગ ખોલ્યો હતો

સુદાનની સેનાએ શુક્રવારે જણાવ્યું હતું કે તેમણે ખાર્તુમમાં રાષ્ટ્રપતિ મહેલ પર નિયંત્રણ મેળવી લીધું છે. અર્ધલશ્કરી દળો સાથે લગભગ બે વર્ષના યુદ્ધ પછી, સેનાએ તેનો છેલ્લો ગઢ ફરીથી કબજે કરી લીધો છે.  સુદાનના સૈનિકોએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે રમઝાનના 21મા દિવસે, તેમણે નાઇલ નદીના કિનારે બનેલા રાષ્ટ્રપતિ મહેલનો કબજો લઈ લીધો છે. વીડિયોમાં, એક સૈનિક બૂમ પાડી રહ્યો હતો: ‘આપણે અંદર છીએ!’ અમે રિપબ્લિકન પેલેસમાં છીએ!

આ સમય દરમિયાન ઘણા સૈનિકો તેમની આસપાસ ઉજવણી કરતા જોવા મળે છે. સુદાનના માહિતી પ્રધાન અને લશ્કરી પ્રવક્તાએ પુષ્ટિ આપી છે કે બે સદીઓથી સુદાનમાં શક્તિનું પ્રતીક રહેલો આ મહેલ પાછો સરકારી નિયંત્રણ હેઠળ છે. આજે અહીં સુદાનનો ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. વિજયની આ યાત્રા સંપૂર્ણ વિજય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. જો કે, ગુજરાત અને સુદાનનો ખૂબ જ જૂનો નાતો છે. આ નાતા પર એક નજર કરીએ તો ગુજરાતથી સૌપ્રથમ લવચંદ અમરચંદ શાહ નામના વેપારી 1860ના દાયકાની શરૂઆતમાં ભારતીય માલસામાન લઈને સુદાનમાં ધંધો કરવા માટે પહોંચ્યા હતા. એક રિપોર્ટ અનુસાર તેઓ યમનના અદેનમાં વેપાર કરતા હતા પરંતુ યમનમાં સંકટ દેખાતાં સુદાન તરફ આકર્ષાયા.

સુદાનની ફળદ્રુપ જમીન અને વેપારની સંભાવનાઓ તરફ આકર્ષાઈને તેમણે પોતાના સંબંધીઓને ખાતુર્મ જવા માટે મનાવ્યા હતા. ખાતુર્મમાં સુદાનના દૂતાવાસ અનુસાર જ્યારે તેમનો ધંધો વિકસ્યો ત્યારે તેઓ સૌરાષ્ટ્રથી પોતાના સંબંધીઓને લઈને આવ્યા અને આ સિલસિલો આગળ વધતો હયો. આ રીતે સુદાનમાં ગુજરાતીઓનો સમુદાય વધતો ગયો. સુદાનમાં 150 વર્ષોથી ભારતના લોકો વસેલા છે. અને અનેક આફ્રિકન દેશોની જેમ સુદાનમાં પણ ગુજરાતીઓ સહિત અનેક ભારતીય રાજ્યોના લોકો સુદાનમાં પણ વેપાર-ધંધા ચલાવે છે.

વિદેશ મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે 1935માં ઇંગ્લૅન્ડ જવાના રસ્તે મહાત્મા ગાંધી પણ પોર્ટ સુદાન પર રોકાયા હતા જ્યાં ગુજરાતી સમુદાયના લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. 1938માં પંડિત જવાહરલાલ નેહરુ પણ ત્યાં પહોચ્યા હતા અને છોટાલાલ સામજી વિરાણી નામના ગુજરાતીના ઘરે તેમનો સ્વાગત સમારંભ યોજાયો હતો. સુદાનમાં ભારતના રાજદૂત રહી ચૂકેલા દીપક વોહરા જણાવે છે કે ભારતીયોની સુદાનમાં શાખ છે અને આ દેશના લોકો ભારતીય પર ઘણો વિશ્વાસ પણ કરે છે.

તેઓ વર્ષ 2005થી વર્ષ 2010 સુધી ત્યાં રાજદૂત રહી ચૂક્યા છે. તેઓ જણાવે છે કે, “હું બે મહત્ત્વપૂર્ણ ઘટનાઓનો સાક્ષી રહ્યો છું. વર્ષ 2005માં જ્યારે સુદાનમાં સરકાર અને વિદ્રોહીઓ વચ્ચે શાંતિ સમાધાન થયું, ત્યારે એ સમયે ભારત સરકાર તરફથી સંયુક્ત રાષ્ટ્રના શાંતિરક્ષક દળ અંતર્ગત ભારતીય સૈન્ય પણ ત્યાં પહોંચ્યું હતું. તેમજ વર્ષ 2011માં દક્ષિણ સુદાન અલગ થઈ ગયું હતું.”

સુદાનના ઘણા વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકો ઇલાજ માટે ભારત પણ જાય છે. આવી સ્થિતિમાં સુદાનમાં લોકોમાં એવો વિશ્વાસ છે કે ભારતીય મેડિકલ સાયન્સ બાબતે અત્યંત અનુભવી છે. સુદાનમાં ભારતીયો દ્વારા આયુર્વેદિક દવાઓ વેચવાના સવાલ અંગે તેઓ કહે છે કે, “અહીં આયુર્વેદ ઘણો પ્રસિદ્ધ છે અને ત્યાંના લોકો ભારતીયો પર વિશ્વાસ પણ કરે છે. આવી સ્થિમાં ભારતીય આયુર્વેદ ઉત્પાદનો સાથે આ લોકો ત્યાં ગયા હશે.”

દીપક વોહરા જણાવે છે કે, “દારફુરની સ્થિતિ તો ઘણી ખરાબ છે, કારણ કે ત્યાં જંગ ચાલતો રહે છે. આવી સ્થિતિમાં ભારતીયો ત્યાં કેમ જાય છે એ વાતની ખબર નથી. પરંતુ એવું કહેવાય છે કે તેઓ આયુર્વેદનાં ઉત્પાદનો વેચવા માટે જાય છે, તો એ પણ શક્ય છે કે સુદાનમાં પણ સ્વાસ્થ્ય સેવા ખોરવાઈ ગઈ છે અને ત્યાં આયુર્વેદનું ચલણ છે.” તેઓ પોતાની વાતને આગળ વધારતાં કહે છે કે આયુર્વેદની દવાઓ માટે તમને હૉસ્પિટલની જરૂર નથી હોતી અને દવાઓ પણ તમને ઘરે જ મળી શકે છે અને કદાચ એટલે જ ભારતીયો સુદાન જાય છે.

Most Popular

To Top