આણંદ : નાર સ્થિત સ્વામિનારાયણ ગોકુલધામ દ્વારા સમાજની શૈક્ષણિક, ધાર્મિક, સામાજિક તેમજ આરોગ્યલક્ષી સેવાઓને અવિરત આગળ ધપાવતા છેવાડાનાં માણસોને સેવા મળી રહે તેવા હેતુથી નવું સોપાન અર્પણ કરતા 16મીના રોજ પેટલાદ, સોજિત્રા, ખંભાત અને તારાપુર એમ ચાર તાલુકાના 150 ગામોને સ્ટેનલેશ સ્ટીલની નનામી – શબવાહિકાનું દરેક ગામની ગ્રામ પંચાયતોને અર્પણ કરવામાં આવી છે. જેનો લાભ સમાજના 7,11,716/- વ્યક્તિઓને મળનાર છે.
નાર ગોકુલધામના સાધુ શુકદેવપ્રસાદદાસ તથા સાધુ હરિકેશવદાસના વિચારોને દેશ-વિદેશના દાતાઓ દ્વારા સાકાર કરવામાં આવે છે. શૈલેષભાઇ કાન્તિભાઇ પટેલ, હ.ફાલ્ગુનીબેન -તારાપુર(યુ.એસ.એ.), મનનભાઇ કિરીટભાઇ શાહ, હ.પાયલબેન –અમદાવાદ (યુ.એસ.એ.), રાજેશભાઇ રસિકભાઇ લાખાણી-તરવડા (યુ.એસ.એ.), ભઇલાલભાઇ વાઘજીભાઇ પટેલ, હ.રશ્મિભાઇ પટેલ-સીમરડા (કેનેડા), મનિષભાઇ કિશોરભાઇ શેઠ-મલેશિયા, સ્વામી ચેરીટેબલ ટ્રસ્ટ-અમદાવાદ તેમનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો. સ્ટીલની નનામીના ફાયદા વિશે વિચારીએ તો પર્યાવરણની દ્રષ્ટીએ એક નનામી બનાવવા વાંસનો ઉપયોગ થાય છે .જે આર્થિક રીતે એક નનામી બનાવવા 900 થી 1000 રૂપિયાનો ખર્ચ થાય જેની બચત થશે.
નાર ગોકુલધાન સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા સાધુ શુકદેવપ્રસાદદાસજી જણાવે છે કે, ભારતીય અસ્મિતાને મજબુત બનાવવા નનામીનો ઉપયોગ કોઇપણ પ્રકારના ધર્મ-જ્ઞાતિ કે નાત-જાતના ભેદભાવ વિના માનવ માત્ર માટે વપરાશે. જેથી સમાજના અસ્પૃશ્યતા નિવારણ જેવા પ્રશ્નોને ભાવનાત્મક રીતે ઉકેલવામાં આવા આયોજનો મદદરૂપ થશે. આ પ્રસંગે વડતાલધામથી ડો.સંત વલ્લભદાસજી તથા ચેરમેનશ્રી દેવપ્રકાશદાસજી પધાર્યા હતા. ગુજરાત સરકારના પ્રતિનિધી તરીકે સાંસદ બકાભાઇ તથા વિપુલભાઇ (જિલ્લા પ્રમુખ ભાજપ) અને ગામના સરપંચો હાજર રહ્યાં હતાં.