ક્વેટા: પાકિસ્તાની સેનાની (Pakistan Army) ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન એજન્સી (ISPR) એ જણાવ્યું કે આતંકવાદીઓએ બલૂચિસ્તાનના (Balochistan) દક્ષિણ-પશ્ચિમ પ્રાંતમાં માચ અને કોલપુરમાં હુમલો કર્યો હતો. જેના કારણે આસપાસના વિસ્તારમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
પાકિસ્તાની સેનાની ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન એજન્સી (ISPR) એ જણાવ્યું કે આતંકવાદીઓએ બલૂચિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંતમાં માચ અને કોલપુર સંકુલ પર હુમલો કર્યો હતો. દરમિયાન આસપાસના વિસ્તારમાં તરત જ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. તેમજ મુખ્ય બલૂચ લિબરેશન આર્મી (BLA) એ હુમલાની જવાબદારી લીધી હતી. આ જૂથનો ઉદ્દેશ્ય ખનિજ સમૃદ્ધ બલુચિસ્તાન માટે સ્વતંત્રતા હાંસલ કરવાનો છે. જે વિસ્તારની દૃષ્ટિએ પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે પરંતુ વસ્તીની દૃષ્ટિએ સૌથી નાનો છે.
BLA થી પાકિસ્તાન આર્મી ધ્રૂજી
બલૂચિસ્તાનમાં બે મુખ્ય જાતિઓ છે – મારી અને બુગતી. આ બંને BLA પર પ્રભુત્વ ધરાવે છે. ઘણા વિસ્તારોમાં તેમનો ડર એટલો વધારે છે કે પાકિસ્તાની સેના જમીન પર ઉતરવાની હિંમત નથી કરતી. તેથી માત્ર હવાઈ હુમલા કરે છે. કેટલાક અહેવાલો સૂચવે છે કે BLA લડવૈયાઓએ રશિયાની ભૂતપૂર્વ ગુપ્તચર સંસ્થા KGB પાસેથી તાલીમ લીધી છે.
બલૂચ પાકિસ્તાનથી અલગ થવા માંગે છે
પાકિસ્તાનના કાર્યવાહક વડા પ્રધાન અનવર ઉલ હક કક્કરે ગયા અઠવાડિયે શનિવારે સ્વીકાર્યું હતું કે બલૂચિસ્તાનના લોકો માત્ર અસંતુષ્ટ નથી પરંતુ અલગ દેશની માંગ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં પહેલીવાર કોઈ નેતાએ બલૂચની આકાંક્ષાઓને સ્વીકારી છે. બલૂચિસ્તાન પોસ્ટના અહેવાલ મુજબ, કકરે ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે બલૂચિસ્તાનના લોકો અલગ ઓળખ ઇચ્છે છે. આ સમસ્યાનું મૂળ છે.
દહાલી માચ જેલની રહેણાંક વસાહત રોકેટ અને મોર્ટાર વિસ્ફોટોથી પ્રભાવિત
બલૂચિસ્તાનના સૂચના મંત્રી જાન અચકઝાઈએ કહ્યું કે, આતંકવાદીઓ દ્વારા માચ જેલ તરફ છોડવામાં આવેલા રોકેટ સુરક્ષા વિસ્તારમાં ઘૂસી શક્યા નથી. બલૂચિસ્તાન જેલના ઇન્સ્પેક્ટર જનરલ શુજા કાસીએ જણાવ્યું હતું કે રોકેટ માચ જેલની રહેણાંક કોલોનીની દિવાલો પર પડ્યા હતા. જ્યાં અનેક વિસ્ફોટ થયા હતા. આ જેલમાં ઘણા ખતરનાક આતંકવાદીઓ અને કેદીઓ જેમને ફાંસીની સજા થઈ છે તેમને રાખવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે આ હુમલામાં 5 આતંકવાદીઓ માર્યા ગયા છે.
કલાકોના ગોળીબાર બાદ આતંકીઓ નાસી છૂટ્યા
સશસ્ત્ર આતંકવાદીઓ અને સેના વચ્ચે ગોળીબાર કલાકો સુધી ચાલુ રહ્યો અને સૂર્યોદય પહેલા તેઓ નજીકના પહાડી વિસ્તારોમાં ભાગી ગયા હતા. સેનાએ કહ્યું કે કોઈ પણ સંસ્થાને નુકસાન થયું નથી. બલૂચિસ્તાનના સૂચના મંત્રીએ કહ્યું કે આતંકવાદીઓ અસલમ અચો જૂથના હતા. પરંતુ બાદમાં પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ)ના માજીદ બ્રિગેડે હુમલાની જવાબદારી સ્વીકારી હતી.