આણંદ : આણંદના બોરસદ – તારાપુર ધોરી માર્ગ પર સોમવારની મોડી રાત્રે એક પછી એક ચાર ખાનગી બસ ધડાકાભેર અથડાઇ હતી. જેના કારણે તેમાં સવાર 15 જેટલા મુસાફરો ઘવાયાં હતાં. જેમાં છની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. બીજી તરફ આ અકસ્માતના કારણે બસમાં સુઈ રહેલા મુસાફરો પણ સફાળા જાગી ગયાં હતાં અને બાળકો, મહિલાઓ ચિચિયારીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે બસ ચાલકો સામે ગુનો નોંધ્યો હતો.
રાજકોટના જેતપુર તાલુકાના વિરપુર ગામે રહેતા રવિભાઈ કાળુભાઈ બારૈયા છેલ્લા અઢી વર્ષથી ઉપલેટ ખાતે આવેલી તિર્થ મધુરમ ટ્રાવેલ્સમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે.
તેઓ 11મી સપ્ટેમ્બરના રોજ બપોરના બારેક વાગ્યે જુનાગઢના માંગરોળ ગામથી તિર્થ મધુરમ ટ્રાવેલ્સની ખાનગી બસ નં.એઆર 01 ટી 1100માં મુસાફર ભરીને મુંબઇ જવા નિકળ્યાં હતાં. તેઓ 12મીએ મુંબઇ પહોંચ્યા બાદ બપોરના મુસાફર લઇ પોરબંદર જવા નિકળ્યાં હતાં. જોકે, રૂટ લાંબો હોવાથી તેમની સાથે ડ્રાઇવર તરીકે દીપક મનજીભાઈ ચાવડા (રહે. વિરપુર) પણ હતાં. જ્યારે ક્લિનર તરીકે યુનુસ નુરમહંમદ ઠેબા (રહે.જુનાગઢ) હતાં. તેઓ મુંબઇથી નિકળી સુરત, વડોદરા થઈ વાસદ – બગોદરા હાઈવે પર મોડી રાત્રીના એટલે કે 13મી સપ્ટેમ્બરના આશરે અઢી વાગ્યાની આસપાસ ધર્મજ ઓવરબ્રિજ પરથી પસાર થઇ રહ્યાં હતાં.
આ સમયે વરસાદ હોવાથી તેઓ બસ ધીમે ધીમે ચલાવી રહ્યાં હતાં. દરમિયાનમાં પાછળથી આવેલી અન્ય ખાનગી બસ નં.જીજે 5 બીવી 9245નો ચાલક પુરઝડપે ધસી આવ્યો હતો અને ધડાકાભેર પોતાની બસ અથડાવી હતી. જેના કારણે બસમાં સવાર મુસાફરો ઘવાયાં હતાં અને બુમાબુમ કરી હતી. આથી, રવિભાઈએ બસ રોકી તુરંત નીચે ઉતર્યાં હતાં. પરંતુ તે દરમિયાન વધુ એક બસ નં.એઆર 06 સી 2000 ધડાકાભેર અથડાઈ હતી. હજુ ત્રણેય બસના ચાલક કશું સમજે તે પહેલા જીજે 14 ઝેડ 9980 એમ ચોથી બસ અથડાઇ હતી.
આમ મિનીટના ગાળામાં જ ધડાધડ ચાર બસ બસ ઉપરા છાપરી અથડાતાં તેમાં સવાર મુસાફરો ગભરાઇ ગયાં હતાં અને બુમાબુમ કરી મુકી હતી. તપાસ કરતાં ચારેય બસમાંથી કુલ 15 જેટલા મુસાફરો ઘવાયાં હતાં. જેમાં છ જેટલા મુસાફરને ગંભીર ઇજા પહોંચી હતી. આથી, તાત્કાલિક 108ને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. બીજી તરફ વધુ અકસ્માત ન સર્જાય તે માટે પેટલાદ ગ્રામ્ય પોલીસે ટ્રાફિક નિયમન કર્યું હતું. આ અંગે અકસ્માત સર્જનાર જીજે 5 બીવી 9245, એઆર 06 સી 2000 અને જીજે 14 ઝેડ 9980ના ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
ખાનગી બસના ચાલકો મુસાફરો લેવા માટે ઓવરટેકની હરીફાઇમાં હોય છે
સૌરાષ્ટ્રથી સુરત, મુંબઇ જતી ખાનગી બસના ચાલકો લાંબા રૂટ પર હોય છે. તેઓ રસ્તામાં મળતાં મુસાફરો લેવાની લ્હાયમાં એક બીજાની સતત ઓવરટેક કરવા પુરઝડપે અને બેફામ ઝડપે દોડાવતાં હોય છે. ધર્મજ પાસે પણ અકસ્માતમાં ખાનગી બસના ચાલકો પુરઝડપે આગળ નિકળવાની હોડમાં હોય તેવી વાહન ચલાવતા હતા. પરંતુ વરસાદમાં દ્રશ્ય ધુંધળું હોવાથી એક બીજા પાછળ અથડાઇ અકસ્માત સર્જી દીધો હતો.