Madhya Gujarat

ખંભાતના દરિયાકાંઠાના 15 ગામોને અલર્ટ કરાયાં

ખંભાત : રાજ્યમાં ‘બિપરજોય’ વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર સાબદું બન્યું છે. તેમાં આણંદ જિલ્લામાં સંભવિત ઓછી અસરની શક્યતા છે. આમ છતાં વહીવટી તંત્ર દ્વારા મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યાં છે અને ખંભાતના 15 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. જે સંદર્ભે કલેક્ટરની અધ્યક્ષતામાં રાઉન્ડ ક્લોક બેઠક પણ યોજવામાં આવી રહી છે.
આણંદ જિલ્લાનું વહીવટી તંત્ર સંભવિત વાવાઝોડાના પગલે સાબદુ બની ગયું છે. ખાસ કરીને દરિયા કાંઠે આવેલા ખંભાત અને તારાપુરના ગામોમાં સ્થળાંતર, બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડની ટીમને અલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે.

મામલતદાર, ચીફ ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓને જરૂરી પુરવઠો તૈયાર રાખવા, મધ્ય ગુજરાત વીજ કંપનીને તાકીદના સમયે સ્થળ પર પહોંચવા સહિતની સુચનાઓ આપવામાં આવી છે. જોકે, વધુ ઝડપે પવન ફુંકાય તે સમયે બહાર ન નિકળવા પણ પ્રજાજનોને અપીલ કરવામાં આવી છે. એલર્ટ કરાયેલા ગામોમાં રાલજ, રાજપુર, વૈણેજ, લુણેજ, નવાગામ (બારા), પાંદડ, વડગામ, નવી આખોલ, તડા તલાવ, ધુવારણ, તરકપુર સહિતના દરિયા કાઠાના 15 ગામોને સમાવેશ કરાયો છે. જ્યાં દરેક સ્થિતિ પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

ખેડૂતોને કમોસમી વરસાદ અને વાવાઝોડાથી પાકનું રક્ષણ કરવા આટલુ ધ્યાનમાં રાખે
હવામાન ખાતાની આગાહી મુજબ વાવાઝોડાની શક્યતા હોઇ જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરીની યાદીમાં જિલ્લાના ખેડૂતોને પાકના રક્ષણ માટે સાવચેતીના ભાગરૂપે જરૂરી પગલા લેવા જણાવાયું છે. જે સંદર્ભે ખેડૂતોને ખાસ સલાહ આપી હતી કે, નવા ફળપાકોનું વાવેતર વાવાઝોડાની આગાહી સમય દરમિયાન ટાળવું, તાજેતરમાં વાવેતર કરેલ કે જુના વાવેતર કરેલા પાકોમાં મજબુતાઈ માટે જરૂર પુરતા ટેકા આપવા, બાગાયતી પાકોમાં વાવાઝોડા દરમિયાન પિયત આપવાનું ટાળવુ, નેટહાઉસ કે ગીનહાઉસ બનાવેલા હોય એવા સંજોગોમાં શક્ય હોય તો નેટ/પોલી ફિલ્મ ઉતારી લેવી, પાક કાપણીનો સમય હોય તે પાકોના ફળ ઉતારી લેવા, કેળ અને પપૈયા જેવા પાકોમાં ટેકા આપવા, મંડપ પદ્ધતિથી વાવેતર કરેલ વેલાવાળા પાકોમાં હાર્વેસ્ટિંગ કરી શક્ય હોયતો પાન ખેરવી નાખવા, મલ્ચીંગ શક્ય બને તો ભેગુ કરી સંકેલી લેવુ, શાકભાજી પાકોમાં આગોતરી પાક કાપણી કરી ફળ-શાકભાજી ઉતારી વ્યવસ્થીત સંગ્રહ કરવા અથવા સમયસર વેચાણ કરી નિકાલ કરવો.

તેમજ છટણી/પ્રુનીંગ માટેના સાધનો જેવા કે હાથ કરવત, ચેઈન-સો, નિસરણી, વાયરો હાથવગા રાખવા અને જરુરીયાત મુજબ નવા વસાવી લેવા, જો વરસાદી પાણીનો ભરાવો થતો હોયતો પાણીના તાત્કાલીક નિકાલની વ્યવસ્થા ચકાસવી અને સાફ-સફાઈ અંગે પૂર્વ આયોજન કરી લેવું, જુના બગીચાઓમાં રહેલા ઝાડની છટણી કરવી જેથી ભારે પવન/વરસાદથી થનાર નુકસાનથી બચી શકાય, ભયજનક મોટા ઝાડ, શેઢા પાળા પરના ઝાડ અન્ય પાકોને નુકશાન ન કરે તે રીતે છટણી કરવી, અગમચેતી રુપે જરુરી જંતુનાશક/ખાતરોને વ્યવસ્થિત ઢાંકીને સંગ્રહ કરવો જેથી વાવાઝોડા બાદ જરૂર પડ્યે તેને ત્વરિત ઉપયોગમાં લઈ શકાય.

Most Popular

To Top