Gujarat

અમદાવાદમાં રંગે ચંગે નિકળી ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

અમદાવાદમાં (Ahmedabad) ભગવાન જગન્નાથજીની (Bhagwan jagannath) 147મી રથયાત્રા નિકળી હતી. જય રણછોડ….માખણચોરના નારાથી સમગ્ર અમદાવાદ ગૂંજી ઉઠ્યું હતું રવિવારે વહેલી સવારથી જ અમદાવાદમાં જગન્નાથ રથયાત્રાનો ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. આજે રવિવારે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે ભક્તોને દર્શન આપવા માટે મંદિરની બહાર આવ્યા હતા. વહેલી સવારે ગૃહમંત્રી અમિત શાહે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરીને રથને ખેંચીને રથયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ રથના દર્શન કરીને પૂજા કરી હતી.

સમગ્ર અમદાવાદ રવિવારે જય જગન્નાથ અને જય રણછોડ, માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભગવાનના દર્શન કરીને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ દેખાઇ રહ્યો છે. રવિવારનો દિવસ હોવાને કારણે ભક્તો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા હતા. રથયાત્રામાં શણગારેલ 18 ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરતા ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડવાજા, તેમજ ભગવાનના રથ ખેચવા માટે 1000 થી ખલાસીઓ જોડાયા હતા. દેશભરમાંથી 2000 જેટલાં સાધુ-સંતોએ રથયાત્રામાં ભાગ લીધો હતો. આ ઉપરાંત 30 હજાર કિલો મગનો પ્રસાદ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડીનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો.

આ પહેલાં અમદાવાદના સરસપુરમાં ભગવાનનું વાજતે ગાજતે મામેરું ભરવામાં આવ્યું હતું. આ વખતે મામેરાના યજમાન વિનોદભાઈ પ્રજાપતિ હતા. ભાણેજો માટેના હાર, વીંટી, અછોડો, પગની પાયલ, વીછિંયા વગેરે ઘરેણાં, સાડીઓ, ભગવાનના વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા. ભક્તો ભગવાનના મોસાળ સરસપુરમાં પ્રસાદનો લાભ લેવા આવી પહોંચ્યા હતા. સરસપુરની પોળમાં ભક્તોને ભાવપૂર્વક ભોજન પીરસવામાં આવ્યું હતું. વર્ષોથી દર વર્ષે રથયાત્રાના દિવસે ભગવાનના મોસાળ સરસપુર ખાતે હજારો ભક્તો માટે ભોજન પીરસાય છે. ભક્તોએ શાક, પૂરી અને મોહનથાળનો પ્રસાદ લીધો હતો. લુહાર શેરીમાં રથયાત્રામાં 1100 કિલો બટાકા, 1000 કિલો લોટની પૂરી, 1600 કિલો ચોખ્ખા ઘીનો મોહનથાળ બનાવવામાં આવ્યો હતો.

મોસાળમાં મામેરું કરાયા બાદ રથયાત્રાની આગેવાની કરતાં ગજરાજ સરસપુરથી નિજ મંદિર જવા રવાના થયા હતા. રથયાત્રામાં અલગ અલગ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું. રામમંદિર, વિશ્વગુરુ, વર્લ્ડકપ સહિતના ટેબ્લો અહીં જોવા મળ્યા હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ પોલીસે સૌથી હાઇટેક બંદોબસ્ત ગોઠવ્યો હતો.

Most Popular

To Top