ચોથી માર્ચે આશરે 14 લાખ લોકોને દેશમાં કોરોના સામેની રસી અપાઇ હતી. આ આંકડો અત્યાર સુધીનો સૌથી વધુ દૈનિક આંક છે. આ સાથે દેશમાં કુલ રસીકરણની સંખ્યા 1.8 કરોડ થઈ છે એમ સત્તાવાર વર્તુળોએ જણાવ્યું હતું.
પહેલી માર્ચથી 45ની ઉપરના અન્ય બીમારી ધરાવતા 235901 લોકો અને 60ની ઉપરના 1616920 લોકોને રસી અપાઈ છે. ગુરુવારે દેશવ્યાપી રસીકરણ ઝુંબેશનો 48મો દિવસ હતો અને એ દિવસે 1388170 લોકોને રસી અપાઈ હતી. ગુજરાતમાં અત્યાર સુધીમાં 1421761 લોકોને રસી અપાઇ છે.
આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ છ રાજ્યો- મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, ગુજરાત, મધ્ય પ્રદેશ અને દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે કોરોનાના દૈનિક કેસો નોંધાયા છે. દેશમાં નવા 16838 કેસો નોંધાયા એમાંથી 84.44 ટકા આ છ રાજ્યોમાં છે.
મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાના નવા 10216 કેસો નોંધાયા હતા જે છેલ્લા પાંચ મહિનામાં એક દિવસના સૌથી વધારે છે. 10000ની ઉપર નવા કેસ ગયા હોય એવું આ 17 ઑક્ટોબર 2020 પછી પહેલી વાર છે. એ દિવસે 10259 કેસો નોંધાયા હતા.