બારડોલી તાલુકાના વરાડ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસીકરણને લઈને હોબાળો મચી ગયો હતો. કોવિન પોર્ટલ પર એક સાથે કોવિશિલ્ડ અને કોવેક્સિન બંનેના સ્લોટ ઓપન કરી દેવાયા હતા. પરંતુ કોવિશિલ્ડનો સ્લોટ નહીં આવતા PHC પર વેક્સિન લેવા પહોંચેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જવાબદાર મેડિકલ ઓફિસર પણ સ્થળ પર હાજર ન હોય વાતાવરણ ગરમાયું હતું.
બુધવારના રોજ કોવિન પોર્ટલ પર વરાડ PHCમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનના 200–200 જેટલા સ્લોટ મૂકવામાં આવ્યા હતા. જેનું ગત રાતથી બુકિંગ શરૂ થયું હતું. જે બુધવારે સવાર સુધી ચાલુ રહ્યું હતું. દરમિયાન ફાળવેલા સમય મુજબ જ્યારે લાભાર્થીઓ વેક્સિન લેવામાં માટે આવ્યા હતા. પરંતુ કોવિશિલ્ડનો જથ્થો આવ્યો નહીં હોય અને કોવેક્સિનવાળાને રસી મૂકવાનું શરૂ કરતાં મામલો ગરમાયો હતો.
PHC પર સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઊડ્યા
વરાડ PHC પર એકસાથે 400 જેટલા લોકો ઊમટી પડતાં આ વ્યવસ્થા સર્જાઈ હતી. અને કોવિડના નિયમોના ધજાગરા ઊડતા નજરે પડ્યા હતા. વેક્સિન લેવા આવેલા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું ન હતું. બીજી તરફ ત્યાં જવાબદાર મેડિકલ ઓફિસર પણ હાજર જોવા મળ્યા ન હતા. કોવિશિલ્ડનો જથ્થો નહીં હોય દૂર દૂરથી આવેલા લોકોને ધક્કો ખાવો પડ્યો હતો.
લોકોના હોબાળાને કારણે થોડી વાર માટે રસીકરણ બંધ કરવાની ફરજ પડી હતી. એકસાથે 400થી વધુ લોકો એકત્રિત થઈ જતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ત્યારબાદ સાંજે કોવિશિલ્ડનો જથ્થો આવી જતાં ફરીથી રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે, હોબાળો થતાં જ સ્થળ પરથી મેડિકલ ઓફિસર રવાના થઈ ગયા હતા. ફોન કરવા છતાં ફોન રિસીવ કર્યો ન હતો. આ મામલે બારડોલી તાલુકા આરોગ્ય અધિકારી પંકજ ફણસિયાને પૂછતાં તેમણે આ મામલે વિગતવાર માહિતી ન હોવાનું જણાવ્યુ હતું.