કઠોદરા પાટિયાથી કઠોદરા ગામ જતા રોડ પર મહારાષ્ટ્રથી ફૂલો ભરીને સુરત જતો ટેમ્પો પલટી મારી જતાં ટેમ્પોની સાઈડમાં ઊભેલા ટેમ્પો ડ્રાઈવરને બીજા ટેમ્પોના ચાલકે અડફેટેમાં લેતાં મોત નીપજ્યું હતું. મહારાષ્ટ્રના અહેમદનગરના અકોલાથી ફૂલો ભરી આઈસર ટેમ્પો નં.(MH 09 EM 5435)માં ડ્રાઈવર યોગેશભાઈ મારુતિ પથવે (ઉં.વ.33) (રહે.,ડોકરી, તા.અકોલા, જિ.અહેમદનગર) તથા સંદીપભાઈ પરશુરામ શેંગાર (રહે.,ધારગાવ, તા.સંગમેર, જિ.અહેમદનગર) સાથે સુરત માર્કેટમાં જતા હતા.
ત્યારે મોડી રાત્રિના આશરે 2 કલાકે કામરેજના કઠોદરાની સીમમાં કઠોદરા પાટિયાથી કઠોદરા જતા રોડ પર પલટી મારી જતા ટેમ્પોની પાછળ ડ્રાઈવર યોગેશભાઈ તેમજ સંદીપભાઈ બીજું વાહન ટેમ્પોની પાછળ ન અથડાય જાય એ માટે મોબાઈલની ટોર્ચ મારી બીજા વાહનચાલકોને ઈશારો કરી રહ્યા હતા. વહેલી સવારે 4.45 કલાકે સંદીપભાઈ ક્રેઈન માટે બોલાવવા માટે ગયા હતા. ત્યારે ચાલક યોગેશભાઈને લાકડાં ભરેલા આઈસર ટેમ્પો નં.(GJ 21 V 2591)ના ચાલકે અડફેટે લેતાં માથા તેમજ શરીરે ગંભીર ઈજા કરી ટેમ્પોચાલક નાસી છૂટ્યો હતો. 108ને જાણ કરતાં યોગેશભાઈને મૃત જાહેર કર્યા હતા. જે અંગે કામરેજ પોલીસે ટેમ્પોચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.