સુરત(Surat) : ઇકોસેલ(Eco cell) દ્વારા રાજહંસ મોલ(Rajhans Mall), ડિંડોલીની 3 દુકાનો પર કરવામાં આવેલી દરોડા કાર્યવાહીમાં હાલમાં 1217 કરોડના ટ્રાન્જેકશન(transaction) ઝડપાયા હોવાની વિગત જાણવા મળી છે. તેમાં હાલમાં જે એકાઉન્ટોની ચકાસણી કરવામાં આવી છે. તેમાં પ્રથમદર્શી આ તોતિંગ રકમના ટ્રાન્જેકશન હાથમાં આવી ચડ્યા છે. 76 જેટલા ફ્રીઝ કરેલા બેંક એકાઉન્ટ પૈકી અંદાજે ખાતા જ હાલમાં ચેક કરવામાં આવ્યા છે. તેમાંથી હાલમાં 1.72 કરોડની રકમ સીઝ કરવામાં આવી છે. આ ઉપરાંત દરોડા પૂર્વે તમામ તૈયારીઓ બૂકી દ્વારા કરવામાં આવી હતી. એક એકાઉન્ટમાં જો કોઇ સટોડિયો કમાય તો એક લાખ રૂપિયા કરતા વધારે નાણા જમા થતા ન હતા. એટલે કે દરોડા થાય તો પણ મોટી રકમ હાથમાં ન આવે. તે રીતે પોલીસ કે તપાસ એજન્સીઓને ચકમો આપવાની યોજનાનો પર્દાફાશ પોલીસ દ્વારા કરાયો છે.
- તપાસ એજન્સીઓને ચકમો આપવા પ્રાઈવેટ એક એકાઉન્ટમાં એક લાખ જ રખાતા હતા
- ઇકોસેલને મોટી સફળતા મળી, પ્રથમ વખત ભારતમાંથી નાણા કયા જતા હતા તે પકડવાની શકયતા
- સુરત ઉપરાંત અન્ય શહેરોના વ્યવહારો પકડાયા, આંકડો 3000 કરોડને પાર થવાની શકયતા
આ આખુ નેટવર્ક દુબઇથી સંચાલન થતું હોવાની વિગત પણ જાણવા મળી છે. દરમિયાન હાલમાં મકાસરવાળા બ્રધર્સની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે ચાર આરોપીઓ (૧) હરીશ ઉર્ફે કમલેશ જરીવાલા S/O સુનીલભાઇ ચૌધરી (રહે.૨૪૬, સુભાષનગર ગલી નં.૩ લિંબાયત સુરત, મુળગામ-પાચોરા, માઇજી ગલ્લી, તા.પાચોરા, જિ.જલગાવ (મહારાષ્ટ્ર) (૨) ઋષીકેશ અધિકાર શિંદે (રહે.ઘર નં.૨૫૭ ગંગોત્રી સોસા. ગલી નં.૩ માનસરોવર સોસા.ની સામે ગોડાદરા સુરત, મુળગામ – બીલાડી, શીવાજી ચોક પાસે, તા.જિ. ધુલીયા (મહારાષ્ટ્ર) (૩) હુઝેફા કૌસર મકાસરવાળા (રહે.ફ્લેટ નં.૪૦૩ ઝૈની કોમ્પલેક્ષ લે ગ્રાન્ડ હોટલની બાજુમાં લક્કડકોટ વિસ્તાર સ્ટેશન રોડ, સુરત) (૪) રાજ દિનેશકુમાર શાહ (રહે.ફલેટ નંબર ૨૦૩ ચંદનબાગ એપાર્ટમેન્ટ ગોપીપુરા, સુરત મુળ વતન મોરવાડા ગામ તા.વાવ જિ.બનાસકાંઠા)ને પકડી પાડ્યા છે.
આંકડો 3000 કરોડને પાર થવાની વકી
આ મામલે આ આંકડો 3000 કરોડને પાર જવાની શકયતા પોલીસસૂત્રો દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે. તેમાં સુરત ઉપરાંત મુંબઇ, કલકતા, જયપુર જેવા શહેરોના ટ્રાન્જેકશન પણ આ ખાતામાંથી થયા હોવાની વિગત જાણવા મળી છે. પોલીસે હજુ થોડા જ બેંક એકાઉન્ટોની ચકાસણી કરી છે તેમાં આ જેકપોટ હાથમાં લાગી ગયો છે. દરમિયાન આ નાણાના ટ્રાન્જેકશન કયાંથી કયાં જતા હતા તે વિગત મળવાની શકયતા પણ વ્યકત કરવામાં આવી રહી છે.
ગુનાની મોડસ ઓપરેન્ડી
આ ડમી એકાઉન્ટનો ઉપયોગ ઓનલાઇન બેટીંગ એપ CBTF247.com તથા CBTFspeed247.com અને T20 EXCHANGE.comમાં થતા ગેરકાયદેસરના નાણાકીય લેવડ-દેવડ માટે કરતો હતો. ઓનલાઇન teamb2c.com વેબસાઇટ ઉપર ડેટા મેળવી ડમી ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો માટે વિદેશમાંથી આરોપીઓ દ્વારા કસ્ટમરો/એકાઉન્ટની માહિતીઓ મોકલવામાં આવતી હતી. આમ આ રેકેટ આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે. અલગ અલગ બેંકનાં ડમી બેંક એકાઉન્ટ નંબરો આધારે કુલ્લે – ૭૬ એકાઉન્ટ ફ્રીજ કરવામાં આવ્યા છે તેમજ આરોપીઓ દ્વારા મળી આવેલ પ્રાથમિક રીતે ફક્ત એક IDBI BANK નાં ૦૩ એકાઉન્ટમાંથી રૂ.૧૨,૧૭,૮૦,૩૮,૧૦૮નાં ટ્રાન્જેક્શનો થયેલાનું જણાય આવ્યું છે. અન્ય તેમજ રૂ.૧,૭૨,૮૪,૩૦૫ જેટલી રકમ હાલ સુધી ફ્રીજ કરવામાં આવી છે અને વધુ નાણાકીય ટ્રાન્જેક્શનોની દિશામાં તપાસ ચાલુ છે. આજ પ્રકારે આરોપીઓએ હાલ સુધી મળી આવેલા બેંક એકાઉન્ટ સિવાય બનાવટી દસ્તાવેજો આધારે અસ્તિત્વમાં નથી તેવી પેઢીનાં નામે ખોલેલ બેંક એકાઉન્ટની માહિતી મેળવી ષડયંત્રના મુળ સુધી પહોંચી ભારત સરકારની અર્થેવ્યવસ્થાને હાની પહોંચાડનાર તત્વોને પકડી પાડવાની દિશામાં તપાસ ચાલુ છે.