આણંદ : આણંદ જિલ્લો એનઆરઆઈ હબ ગણવામાં આવે છે, અહીં અમૂલ ડેરીને લઇ શ્વેતક્રાંતિ માટે વારંવાર જશ લેવામાં આવે છે. જિલ્લાને વારંવાર સમૃદ્ધિ લેવલે મુકવામાં આવે છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે, જિલ્લામાં કુલ દોઢ લાખ બાળકોમાંથી લગભગ 12 હજાર બાળકો કુપોષણનો ભોગ બન્યાં છે. જેમને કુપોષણમાંથી બહાર લાવવા માટે સપ્ટેમ્બર માસમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં સરકારી યોજનાઓ ઉપરાંત તમામ મોરચે આઈસીડીએસ વિભાગ દ્વારા જોર લગાવવામાં આવ્યું છે.
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા પોષણ માહ-22નો રાજ્ય મંત્રી મનિષાબેન વકીલ દ્વારા પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં મનીષાબહેન વકીલે જણાવ્યું હતું કે, 8 માર્ચ 2018થી પોષણ માહ ઉજવવાની શરૂઆત કરી ત્યારથી પાંચમો પોષણ માહ ઉજવવા જઈ રહ્યા છીએ. બહેનોને પોષણ સાથે સંકળાયેલી અન્ય બાબતો જેવી કે રસીકરણ, વજનની તપાસ, બ્લડ પ્રેશર, હિમોગ્લોબીન, પેટની તપાસ વગેરે નિયમિત રીતે કરાવવાનું સૂચન કર્યું હતું. તેઓએ તહેવારો અને સ્નેહ સંમેલનમાં પોષણ અંગેની માહિતી અને જાગરૂકતા ફેલાવવાનું તમામ ઉપસ્થિત આંગણવાડી બહેનો અને મહિલાઓને આહવાન કર્યું હતું.
આણંદની વાત કરીએ તો જિલ્લામાં કુલ 1.45 લાખ બાળકોમાંથી સાત ટકા આસપાસ એટલે કે 12,014 બાળક કુપોષણનો ભોગ બન્યાં છે. જેમાં 2428 બાળક અતિકુપોષિત છે. આ તમામ બાળકોને તંદુરસ્ત બનાવવા તંત્ર દ્વારા વિવિધ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત સૌથી વધુ કુપોષિત બાળકો આણંદ પંથકમાં 3410 નોંધાયા છે. તેવી જ રીતે સૌથી ઓછા આંકલાવમાં માત્ર 413 છે. આણંદ જિલ્લાને એનઆરઆઈ હબ ગણવામાં આવે છે. રાજ્યના સમૃદ્ધ જિલ્લામાં તેની ગણના થાય છે, આ સમયે કુપોષણમાંથી બાળકોને બહાર લાવવા સરકારની યોજના ઉપરાંત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે.
કેવી રીતે કુપોષણ દુર કરવામાં આવશે ?
કુપોષણ નિવારણ માટે સરકાર દ્વારા સાત માસથી 3 વર્ષના કુપોષિત બાળકોને મહિને 10 પેકેટ (ટીએચઆર) બાળશક્તિ આપવામાં આવે છે. 3થી 6 વર્ષના બાળકોને આંગણવાડીનો નિયમિત પુરક આહાર સાથે અઠવાડિયામાં સોમવાર અને ગુરૂવાર બે દિવસ ફળ, મહિને 4 પેકેટ (ટીએચઆર) બાળશક્તિ આપવામાં આવે છે. સાથોસાથ નિયમિત આયરન, સીરપ, કૃમિ કેલ્શિયમ દવા આપવામાં આવે છે. આરોગ્ય તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત જરૂર પડે સીએમટીસીમાં રીફર કરવામાં આવે છે. તેવી જ રીતે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત પ્રથમ વખતની સગર્ભા, ધાત્રી માતાને દર માસે એક કિલો તુવેરદાળ, 2 કિલો ચણા તથા એક લીટર સીંગતેલ આપવામાં આવશે.
પોષણ ભી પઢાઇ ભી થીમ પર ઉજવણી કરાશે
આણંદ જિલ્લામાં કુપોષણ સામેની લડાઇમાં પોષણ ભી પઢાઇ ભી થીમ પર ઉજવણી કરવામાં આવી છે. જેના માટે આંગણવાડી કાર્યકર બહેનો જહેમત ઉઠાવી રહ્યાં છે. દર ચોથા મંગળવારે બાળ તુલા કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (એમએમવાય) ખાસ સગર્ભા અવસ્થાથી બે વર્ષનું બાળક થાય ત્યાં સુધી માતાને લાભ આપવામાં આવશે. જેમાં પ્રથમ વખત સગર્ભા અવસ્થામાં જ લાભ મળશે. જેના માટે મમતા કાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડમાં નોંધણી કરાવવાની રહેશે. આંગણવાડી કેન્દ્રથી જ રાશન આપવામાં આવસે. જે નોંધાયેલા મોબાઇલ નંબરમાં ઓટીપી આવ્યા બાદ જ વિતરણ થશે.
આણંદ જિલ્લામાં ક્યાં કેટલા કુપોષિત બાળકો છે ?
તાલુકો કુપોષિત અતિકુપોષિત કુલ
આણંદ 2655 755 3410
આંકલાવ 299 114 413
બોરસદ 1517 426 2356
ખંભાત 1180 347 1527
પેટલાદ 1470 214 1684
સોજિત્રા 618 149 767
તારાપુર 471 103 574
ઉમરેઠ 1379 320 1699
કુલ 9586 2428 12,014