Business

દિલ્હીથી વડોદરા આવી રહેલા એર ઈન્ડિયાના 120 મુસાફરોએ હોબાળો મચાવ્યો

વડોદરા: દિલ્હી (Delhi) થી વડોદરા (Vadodara) આવી રહેલા એર ઇન્ડિયાના (Air India) 120 મુસાફરોએ (Passengers) ફલાઇટ (Flight) રિશીડ્યુલ થતા દિલ્હી એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. ઝીરો વિઝીબિલિટી હોવાના કારણે વહેલી સવારની ફલાઇટ રિશીડ્યુલ કરવામાં આવી હતી. જેનાથી અટવાઈ ગયેલા 120 મુસાફરોએ એર ઇન્ડિયાના મેનેજમેન્ટ સામે રોષ વ્યકત કર્યો હતો.

એર ઇન્ડિયાની AI 823 ફલાઇટ સવારે 4.35 કલાકે દિલ્હી એરપોર્ટ થી ટેકઓફ થવાની હતી.અને વડોદરા એરપોર્ટ પર લેન્ડ થવાની હતી. જોકે દિલ્હી એરપોર્ટ પર વિઝીબિલિટી ન હોવાના કારણે ફલાઇટને રિશીડ્યુલ કરવામાં આવી હતી. જેના કારણે મધ્યરાત્રીએ એરપોર્ટ પર પહોંચેલા 120 મુસાફરો રોષે ભરાયા હતા. તે જ સમયે દિલ્હી થી વડોદરા આવતી ઈન્ડિગોની ફલાઇટ સમયસર ઉડ્ડયન કરીને વડોદરા પહોંચી ગઈ હતી. જેની જાણ મુસાફરોને થતા એર ઇન્ડિયા મેનેજમેન્ટ સામે રોષ વ્યકત કર્યો હતો.

વિઝીબિલિટીના બહાને ફલાઇટ રિશીડ્યુલ કરાઈ તો ઈન્ડિગોની ફલાઇટએ કેવી રીતે ઉડ્ડયન કર્યું તેવા વેધક પ્રશ્નો એર ઇન્ડિયા મેનેજમેન્ટને પૂછવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જેમ પહેલા રેલવેમાં ટ્રેન ડીલે થતી હતી તેમ હવે એર ઇન્ડિયાની ફલાઇટ ડીલે થઈ રહી છે. અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જ્યાં મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે મેનેજમેન્ટને સર્વિસમાં સુધારો કરવાની જરાય પડી નથી. આ ઘટનાથી 120 જેટલા મુસાફરોને 4 કલાક સુધી દિલ્હી એરપોર્ટ પર મુશ્કેલી વેઠવી પડી હતી.

10:45 વાગ્યે અમે વડોદરા પહોંચ્યા હતા
જે ફ્લાઇટ ઉડવાની હતી એ સાડા છ વાગ્યે લેન્ડ થવાની હતી અને આ લોકોએ અમને કોઈ ક્લિયરન્સ નથી મળ્યું તેમ જણાવ્યું હતું. પણ જ્યારે ઇન્ડિગોની ફ્લાઇટને ક્લિયરન્સ મળી ગયું અને અમારી ફ્લાઇટને ન મળ્યું. તેમની પાસે પાયલોટ જ ન હતા અને કહે છે ત્યારે તમે બેસી રહો. કેટલાક લોકો જેઓના સંબંધી અવસાન પામ્યા હોય એવા ટાઈમે પોતાના ઘરે પહોંચવા માટે રાહ જોતા હતા. પણ ફ્લાઈટ સાત વાગ્યે પચાસ મિનિટે કરી અને ત્યાર પછી ફરી એવું કહે છે. ડીલે કરીને નવ વાગીને દસ મિનિટે કરી હતી. હાલ અમે ઘરે આવી ગયા છે. 10:45 વાગ્યે વડોદરા અમે પહોંચ્યા હતા. કોઈ પ્રકારની સુવિધા આપવામાં આવી નથી : ડિપલબેન

દિલ્હી એરપોર્ટ ખાતે અમને ઘણી હાલાકી પડી
4:35 વાગ્યાની ફ્લાઈટ હતી અને કહે છે કે 9 થી 9:30 સુધીમાં ટેક ઓફ થશે. અમે ક્યારના કંટાળી ગયા હતા. શિકાગોથી હું આવ્યો છું ત્યાંથી પણ ચાર કલાક ફ્લાઇટ મોડી હતી. જેથી ના છૂટકે અમારે વડોદરા ની ફ્લાઈટ લેવી પડી હતી. પરંતુ દિલ્હી એરપોર્ટ ખાતે અમને ઘણી હાલાકી પડી હતી : કપિલ ભાઈ

આખી રાત અમે બેસી રહ્યા પણ કોઈ સુવિધા મળી નથી
ફ્લાઇટ જે સમયે ઉપડવાની હતી. જે બાદ 7 : 50 નો ટાઈમ આપ્યો. ત્યાર પછી મેસેજ આવે છે કે ફ્લાઇટને રીસીડ્યુઅલ કરી છે. પણ આ લોકોને કોઈ જવાબદારી જેવું કંઈ પડ્યું જ નથી. કોઈ માણસને ક્યાં જવું છે આખી રાત બેસી રહ્યા છે. કોઈ સુવિધા આપવામાં આવી નથી. ઇન્ડિગોની ફ્લાઇટ જે સવારની લેન્ડ થઈ ગઈ છે તો પછી અમારી ફ્લાઇટ કેમ ન થઈ શકે અને કહે છે કે અમારી પાસે પાયલોટ નથી : મનીષભાઈ

Most Popular

To Top