સુરત: (Surat) આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું (12 Science Result) પરિણામ જાહેર થયું તેમાં સુરત જિલ્લાનું પરિણામ ઠીકઠીક રહ્યું છે. સુરત જિલ્લાનું પરિણામ 77.53 ટકા જાહેર થયું છે. જોકે સારી વાત એ છે કે ગુજરાતમાં એ-1 અને એ-2 ગ્રેડમાં સુરતના સૌથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે. એ-1 ગ્રેડમાં 42 અને એ-2 ગ્રેડમાં 636 સુરતના વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે અન્ય શહેર-જિલ્લા કરતા વધુ છે. સુરતના એ-1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓએ સફળતાનો શ્રેય માતા-પિતા અને ગુરૂને આપ્યો છે, જ્યારે ઓનલાઈન એજ્યુકેશનના (Online Education) લીધે ભણતરમાં ખૂબ નુકસાન થયું હોવાની લાગણી વ્યક્ત કરી હતી.
એ-1 ગ્રેડ મેળવનાર જ્હાન્વી રામાણીએ 94.40 ટકા અને 99.93 પર્સન્ટાઈલ મેળવ્યા છે. ઓનલાઈન એજ્યુકેશનના લીધે થોડી તકલીફ પડી. લખવાની પ્રેક્ટિસ થતી નહોતી, પરંતુ એમસીક્યુ સારી રીતે થતા હતા. જ્હાન્વીએ કહ્યું કે, પરીક્ષાના બે મહિના પહેલાં સ્કૂલમાં દર બીજા દિવસે પરીક્ષા લેવામાં આવતી હતી, જેના લીધે સારું પરિણામ મળ્યું છે. અન્ય વિદ્યાર્થીની પૂજા રામાણીએ 98 ટકા પર્સન્ટાઈલ મેળવ્યા છે. પૂજાને કમ્પ્યૂટરનો સબ્જેક્ટ ટફ લાગ્યો હતો. પૂજાને પણ ઓનલાઈન એજ્યુકેશનને વખોડ્યું હતું. તેણે કહ્યું કે તેના લીધે ઘણી તકલીફ પડી, પરંતુ છેલ્લા મહિનાઓમાં શિક્ષકોએ સારી મહેનત કરાવી તેથી સારા માર્ક્સ આવ્યા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષા નો આજ રોજ જાહેર થયેલું પરિણામ ઘણું કંગાળ હોવાનું ધ્યાન પર આવ્યું છે, ધોરણ 12 સાયન્સનું પરિણામ પરીક્ષામાં તેજસ્વી ઉમેદવારો કોમ્પ્યુટરમાં ધોવાઈ જવા પામ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરમાં 40થી 42 માર્ક જ આવ્યા છે, જેને લઇને તેમના મેરિટ ઉપર સીધી અસર જોવા મળી રહ્યું હોવાનું રેસીડેન્સી સ્કૂલના આચાર્ય દિપીકાબેન શુક્લે જણાવ્યું હતું
સુરત શહેરમાં વરાછા ઝોનનું પરિણામ સૌથી વધુ
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું સુરત શહેર અને જિલ્લા નું સરેરાશ ૭૧.૭ ટકા પરિણામ જાહેર થયું છે. સુરત શહેરની જ વાત કરીએ તો સુરત શહેરમાં ૮૧.૫૭ ટકા, વરાછામાં ૮૭.૭૩ ટકા, રાંદેરમાં ૮૨.૦૯ ટકા, નાનપુરાનું ૭૪.૬૫ ટકા અને ઉધનાનું ૬૨.૩૮ ટકા પરિણામ નોંધાયું છે. ગ્રામ્ય વિસ્તારનું જે પરિણામ જાહેર થયું છે તેમાં બારડોલીનું ૬૫.૯૪ ટકા, કામરેજ નું ૭૭.૩૪ ટકા, માંડવીનું ૫૩.૦૨ ટકા અને વાંકલનું ૫૭.૫૦ ટકા પરિણામ જાહેર થયું છે.