SURAT

સુરતમાં મ્યુકરમાઇકોસિસના વધુ 12 દર્દીઓ નોંધાયા, 3 દર્દીએ આંખ ગુમાવી એકે જીવ ગુમાવ્યો

સુરત : સુરતની નવી સિવિલ હોસ્પિટલ (SURAT NEW CIVIL HOSPITAL) અને સ્મીમેર હોસ્પિટલ (SMIMMER HOSPITAL)માં મ્યુકરમાઇકોસિસ (MUCORMYCOSIS)ના વધુ 12 દર્દીઓ નોંધાયા છે. સરકારી ચોપડે મ્યુકરમાઇકોસિસનો આંકડો 150 ઉપર પહોંચ્યો છે. શનિવારે વધુ એક દર્દીનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં દિવસે દિવસે મ્યુકરમાઇકોસિસના કેસો વધી રહ્યાં છે. કોરોનાની જેમ મ્યુકરમાઇકોસિસ પણ અજગરી ભરડો લઇ રહ્યો છે. હાલમાં સુરત શહેરમાં જ 1500 થી વધુ કેસ હોવાનું ડોક્ટરી આલમમાં ચર્ચાઇ રહ્યું છે. સુરતની સરકારી હોસ્પિટલો નવી સિવિલ અને સ્મીમેરમાં 150 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાંથી 50 થી વધુ દર્દીની હાલત ગંભીર (SERIOUS) હોવાનું કહેવાય છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં શનિવારે વધુ પાંચ દર્દીઓ દાખલ થયા હતા. હાલમાં કુલ્લે 111 દર્દીઓ દાખલ છે. આ પૈકી છ દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. સારવાર દરમિયાન આજે એક દર્દીનું મોત નીપજ્યું હતું. માત્ર નવી સિવિલ હોસ્પિટલમાં જ 8 લોકોના મ્યુકરમાઇકોસિસના કારણે મોત નીપજ્યાં છે. આ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલમાં શનિવારે નવા સાત દર્દીઓ દાખલ, કુલ 42 દર્દીઓ સારવાર હેઠળ છે. શનિવારે એક દર્દીની સર્જરી કરવામાં આવી હતી. જ્યારે ત્રણ દર્દીઓની આંખ કાઢવી પડી હતી. સ્મીમેર હોસ્પિટલમાં પણ કુલ 8 લોકોના મોત નીપજ્યાં હતાં.

મ્યુકરમાઇકોસિસના વધતા કેસોને ધ્યાને રાખી એક અલગ વોર્ડ સ્ટેન્ડબાય કરાયો

નવી સિવિલ સુપ્રિ. ડો. રાગીણી વર્મા સાથે વાત કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં માત્ર મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટે ત્રણ વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગમાં ત્રીજા માળ ઉપર એક ચોથા વોર્ડને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે. જો આગામી દિવસોમાં મ્યુકરમાઇકોસિસના કેસો વધે તો તેઓને અલગથી ચોથા વોર્ડમાં રાખી શકાય. આ ઉપરાંત તંત્ર દ્વારા મ્યુકરમાઇકોસિસના રોગને લઇને જરૂરી તમામ પગલાઓ ભરવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top