છ વારની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરી કોમ તેમજ એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ અમિત પંઘાલ સહિતના 12 ભારતીય બોક્સરો સ્પેનના કેસ્ટોલોનમાં બોક્સેમ ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટના ડ્રોમાં સીધા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. આ સાથે જ આ ટૂર્નામેન્ટમાં કોઇપણ મેડલ જીતવાથી આ તમામ બોક્સરો માત્ર 1 જીત દૂર છે.
આ ટૂર્નામેન્ટમાં ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોટા મેળવનારા તમામ 9 ભારતીય બોકસરો સિવાય અન્ય પાંચ ભારતીય બોક્સરોભાગ લઇ રહ્યા છે. ગત વર્ષે ઓલિમ્પિક્સમાં ક્વોલિફાઇ કર્યા પછી પહેલીવાર રિંગમાં પડકાર ફેંકવા જઇ રહેલી મેરી કોમ 51 કિગ્રાની કેટેગરીમાં બુધવારે પોતાની પહેલી બાઉટમાં ઇટલીની ગિયોર્ડાના સોરેનટિનો સામે રિંગમાં ઉતરશે.
ગત વર્ષે ડિસેમ્બરમાં જર્મનીમાં કોલોન વર્લ્ડકપમાં ગોલ્ડ મેડલ જીતનાર પંઘાલને 52 કિગ્રાની કેટેગરીમાં બાય મળી છે અને તે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાનિક દાવેદાર ગેબ્રિયલ એસ્કોબાર સામે રિંગમાં ઉતરશે. ટોક્યો ઓલિમ્પિક્સ મેડલના દાવેદારોમાંથી એક એવા વિકાસ કૃષ્ણનને પણ 69 કિગ્રાની કેટેગરીમાં બાય મળી છે.