1908 પહેલાંનો એ સમય જ્યારે સુરતમાં (Surat) અંગ્રેજોના શાસન હેઠળ સરકારી કચેરીઓ તો હતી પણ તેમના માટે જરૂરી સરકારી દસ્તાવેજો પર સિક્કા પાડવા માટે સુરતમાં રબર સ્ટેમ્પ (Rubber Stamp) બનાવી આપનાર કોઈ સ્ટેમ્પ વેન્ડર નહીં હતાં. એવા સમયમાં 1908માં નગીનદાસ પરભુદાસ શેઠએ ફુર્જા પાસે નાની અમથી રબર સ્ટેમ્પ બનાવવાની દુકાન ભાડેથી શરૂ કરી હતી. જે દુકાન નાની લાગતાં તેને ભાગાતળાવ મેઈન રોડ પર 1918માં લાવ્યાં. સરકારી કચેરીઓ માટે રબર સ્ટેમ્પ બનાવી આપનાર આ 114 વર્ષની પેઢીનું હાલમાં નગીનદાસ શેઠની ત્રીજી અને ચૌથી પેઢી સંચાલન કરે છે. શરૂઆતના સમયમાં આ પેઢી પર સરકારી કચેરીઓએ મુકેલો ટ્રસ્ટ આજે શહેરમાં સ્થિત મોટાભાગની નામી બેંકોએ જાળવી રાખ્યો છે. 1950 સુધી રબર સ્ટેમ્પ બનાવવમાં મોનોપોલી જાળવી રાખનાર આ પેઢીને ત્યારબાદ ટક્કર આપવા માટે અન્ય બે-ત્રણ રબ્બર સ્ટેમ્પ બનાવનારા મેદાનમાં આવ્યાં પણ આ પેઢીનો વાળ પણ વાંકો નહીં થયો. રબર સ્ટેમ્પ બનાવવાનું જોખમી ગણાતું આ કામ 114 વર્ષે પણ તેજ વિશ્વાસથી કરી આપનાર આ દુકાનના ત્રીજી અને ચૌથી પેઢીના સંચાલકો આ પેઢી કેવા સંજોગોમાં શરૂ થઈ? તેનો વ્યાપ કઈ રીતે કયા-કયા દૌરમાં આગળ વધ્યો અને આ પેઢીએ તેના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભા થયેલા નુકાસનીના દૌરને કઈ રીતે વેઠયા? તે તેમના જ શબ્દોમાં જાણીએ.
મોટાભાગની નામી બેંકોને આ પેઢી પર ટ્રસ્ટ: સરજુ શેઠ
નગીનદાસ શેઠના પૌત્ર સરજુભાઈ શેઠે જણાવ્યું કે 1908થી 1918 સુધી સરકારી કચેરીઓનું સ્ટેમ્પ બનાવવાનું કામ આ પેઢી દ્વારા થતું. આ પેઢી દ્વારા નામી બેકોની મોટાભાગની બ્રાન્ચમાં લગભગ 80 ટકા બેક શાખાઓના સ્ટેમ્પનું કામ થાય છે. અત્યારે મલ્ટી પર્પઝ સ્ટેમ્પનું કામ થાય છે. બેક ઓફ બરોડા, સ્ટેટ બેક ઓફ ઈન્ડિયા, યુનિયન બેક અને ઇન્કમ ટેક્સ, જીએસટી, ઘણા બધા નોટરી, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, મેટાસ એડવેન્ટિસ્ટ સ્કૂલ, સાર્વજનિક સોસાયટીની સ્કૂલોના સ્ટેમ્પ વેન્ડર તરીકે તેમની પેઢી કામ કરે છે. આ ઉપરાંત ઘોડદોડ રોડ પરના અભિષેક અપાર્ટમેટ, સીટી લાઈટ ઓમ પેલેસનું તથા બીજા એપાર્ટમેન્ટસનું તક્તિનું કામ તેમની પેઢીએ જ કર્યું છે.
દુકાનનું ભાડું 114 વર્ષમાં 2 રૂપિયાથી 30 રૂપિયા થયું: સંજય શેઠ
નગીનદાસ શેઠના પૌત્ર સંજયભાઈએ જણાવ્યું કે 1908માં ફુર્જામાં જ્યારે દુકાન ભાડેથી શરૂ કરવામાં આવી ત્યારે શરૂઆતમાં ભાડું માત્ર 2 થી 3 રૂપિયા હતું. ત્યારબાદ ભાગાતળાવ મેઈન રોડ પર ભાડા પર દુકાન શરૂ કરવામાં આવી ધીરે-ધીરે દુકાનનું ભાડું વધીને 30 રૂપિયા થયું. આ દુકાનના માલિકો બદલાયા પણ ભાડું આજે પણ 30 રૂપિયા જ છે. આ દુકાનના વર્તમાન માલિકો મુંબઈના છે. તેઓ દ્વારા ભાડા બાબતે કોઈ તકરાર કરવામાં નથી આવતી. નવા માલિકો સાથેના સંબંધ પણ એવા છે કે તેઓએ કહ્યું કે અમારે આ દુકાન કોઈને આપવી નહીં ને એ લોકો બીજાને નહીં આપે. આજીવન અમે જ આ પેઢી ચલાવીશું.
ઓથોરીટી લેટર લઈને જ સ્ટેમ્પ બનાવવામાં આવતા: સુનિલ શેઠ
આ પેઢીના સુનિલભાઈ શેઠે જણાવ્યું કે અંગ્રેજોના સમયમાં રાયટ થતા ત્યારે કલેકટરને કે મામલતદારને જે કોઇ હુકમ કરવા હોય તો તે સ્ટેમ્પ મારીને સહી કરીને અપાતા. સ્ટેમ્પ બનાવવાના હોય ત્યારે અંગ્રેજોની ઓફિસથી કારકુન આવતાં અને કહેતા કે સાહેબ બોલાવે છે. ત્યારે ઓથોરિટી લેટર લઈને જ સ્ટેમ્પ બનતા. ઓથોરિટી લેટર 10 વર્ષ સુધી સાચવવા પડે. આ અંગે એક ખરાબ અનુભવને યાદ કરતા તેઓએ કહ્યું કે, ડાયમંડના એક પ્રોપરાઈટરનો સ્ટેમ્પ પેઢીએ બનાવેલો જેનો મિસયુઝ થયેલો ત્યારે એ 18 લાખનો ફ્રોડ હતો. 18 લાખના આ ફ્રોડમાં પેઢીના સંચાલકોને ઠેક ગાંધીનગર પોલીસ સુધી જવું પડ્યું હતું. આ ઘટના 1992-93ના રાયટ બાદની હતી. પેઢીને આ ખરાબ અનુભવ થયો હતો. આજે પણ સ્કૂલો, પેઢીઓ, સંસ્થાઓના સ્ટેમ્પ ઓથોિરટી લેટર લઇને ન બનાવવામાં આવે તો ફોડના કેસમાં પેઢીને પણ એટલી જ જવાબદાર માનવામાં આવે છે.
1910-12માં એક સ્ટેમ્પ 5 રૂપિયામાં બનતો: શૈલેષ શેઠ
આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક શૈલેષભાઈ શેઠે જણાવ્યું કે પેઢીની શરૂઆતથી જ ગવર્મેન્ટના જ સ્ટેમ્પ બનતાં. 1910-12માં એક સ્ટેમ્પ 5 રૂપિયામાં બનતો. આ આવકથી આખું ઘર એક મહિનો આરામથી ચાલતું. 15 દિવસમાં એક વખત સ્ટેમ્પ બનાવવાનો ઓર્ડર આવે અને ત્યારબાદના 15 દિવસમાં કોઈ ઓર્ડર નહીં આવે તો પણ કોઈ વાંધો નહીં હતો. અત્યારે સાદા સ્ટેમ્પ 50 રૂપિયામાં, સેલ્ફ ઈંક સ્ટેમ્પ 200 રૂપિયામાં, પ્રી-ઈંક સ્ટેમ્પ 400 રૂપિયાના બને છે.1908 થી 20 વર્ષ સુધી પેઢી દ્વારા ગવર્મેન્ટના જ સ્ટેમ્પ બનાવવામાં આવતાં. સમયની સાથે સ્ટેમ્પ બનાવવાની કોસ્ટ વધી છે. પણ અમે આજે પણ વિશ્વશનીયતાપૂર્વક સ્ટેમ્પ બનાવીને આપી છે.
આ પેઢીનો પાયો નાખવામાં નગીનદાસના પિતા પરભુદાસની મુખ્ય ભૂમિકા
આ દુકાનના ત્રીજી પેઢીના સંચાલક સુનિલભાઈ શેઠે જણાવ્યું કે, મારા દાદા નગીનદાસના પિતા પરભુદાસ શેઠ હતાં. તેઓ અમદાવાદમાં ફોજદાર હતાં. ત્યાં તેમની ડ્યુટી હતી ત્યારે તેમણે જોયું હતું કે સરકારી દસ્તાવેજો પર સિક્કા લાગવવા માટેના રબર સ્ટેમ્પ એક માત્ર અમદાવાદ અને મુંબઈમાં બને છે. બાકીની દક્ષિણ ગુજરાતની પટ્ટીમાં કોઈ પણ રબર સ્ટેમ્પ નથી બનાવતું એટલે તેમણે દાદા નગીનદાસને રબર સ્ટેમ્પ બનાવવાનું જ્ઞાન લેવા માટે અને શીખવા માટે પ્રેરણા આપી હતી. અને આ રીતે એન. પી. શેઠ પેઢીનો પાયો નંખાયો.ત્યારે તેમના દાદાની ઉંમર માત્ર 20 વર્ષની હતી. આ એન.પી. શેઠ પેઢી ઉભી થતાની સાથે જ વાપીથી લઈને વલસાડ, નવસારી, ભરૂચના સ્ટેમ્પ બનાવવાનાં ઓર્ડર લેવાનું શરૂ કરેલું.
કમિશનર SR રાવના સમયમાં દુકાનના થોડા ભાગનું ડિમોલીશન થયું
1996ના વર્ષમાં ભાગળ પર કમિશનર SR રાવના સમયમાં મોટું ડિમોલીશન થયું થયું હતું. ત્યારે આ દુકાનના 15 બાય 15 ફૂટ ચોરસ ભાગનું ડીમોલિશન થયું હતું. ત્યારે સ્વૈચ્છીક ડીમોલિશન માટે દુકાનદારોની સંમતિ લેવામાં આવી હતી. સંમતી નહીં આપે તો પણ સરકાર દુકાનનું ડીમોલિશન કરતી. આ દુકાન 1996 સુધી ખાસ્સી મોટી હતી. ડીમોલિશન થતા દુકાન નાની થઈ ગઈ.
2006ના પુરમાં ખાસ્સું નુકસાન થયું હતું
વર્ષ 2006માં શહેરમાં આવેલાં ભયંકર પુરને કોઈ નહીં ભૂલી શકે. આ પુરમાં એન.પી. શેઠ દુકાનમાં એક ફૂટ પાણી ભરાયું હતું જ્યારે દુકાનનો બેઝમેંટ પાણીમાં ગરક જ થઈ ગયો હતો. પુરના આ પાણીમાં પેન્ટોગ્રામ મશીન અને સાઢા પાંચ લાખ રૂપિયાના cnc મશીનને અને અન્ય સામાનને નુકસાન થયું હતું.
પેઢી દર પેઢી ધંધો આગળ વધ્યો
1908થી લઈને 1945-50 સુધી નગીનદાસ પરભુદાસ શેઠે પેઢીનું સંચાલન કર્યું હતું. ત્યાર બાદ તેઓએ સ્વૈચ્છીક નિવૃત્તિ લીધી અને તેમના બે પુત્ર હસમુખલાલ અને શાંતિલાલના હાથમાં પેઢીનું સંચાલન સોંપ્યું. નગીનદાસ શેઠનું દેહાંત 1990માં થયું હતું. જ્યારે 2000ના વર્ષમાં શાંતિલાલ શેઠ અને 2016માં હસમુખલાલ શેઠનું નિધન થયું હતું. ત્યાર બાદ હસમુખભાઈના બે પુત્ર સુનિલ અને સંજયભાઈ તથા શાંતિલાલના પુત્ર શૈલેષભાઇના હાથમાં પેઢીનું સંચાલન આવ્યું. હાલમાં આ પેઢીનું સંચાલન સુનિલ, સંજય અને શૈલેશભાઈની સાથે સુનિલભાઇના પુત્ર સરજુભાઈ, સંજયભાઈના પુત્ર નિશિથ અને શૈલેષભાઇના પુત્ર રાહુલભાઈ પણ કરે છે. આમ સંયુક્ત રીતે પેઢીનું સંચાલન થાય છે.
રબર સ્ટેમ્પ બનાવવાની શરૂઆતી પ્રોસેસ
1908ના સમયમાં રબર સ્ટેમ્પ બનાવવાની પ્રોસેસમાં શિશાની ધાતુના અક્ષરોને લખાણ પ્રમાણે ગોઠવતા પછી બીબુ પલાસ્ટર ઓફ પેરિસ (pop) થી બનાવતા. બીબાને પોણો કલાક ગરમ કરાતું પછી તેના પર કાચો રબર રોલર મશીનથી પ્રેસ કરતા પછી ટાઈટ કરતા એટલે તેની પર અક્ષર ઉપસી આવે. પછી કાપીને નામ પ્રમાણે લાકડાનાં હેન્ડલ પર ચોંટાડતા. લાકડાની પટ્ટી બનાવનાર બીજા લોકો હતાં. 1990-95 સુધી આ પ્રોસેસ ચાલી. પછી કોમ્પ્યુટર યુગ આવ્યો અને કોમ્પ્યુટરાઈઝડ સ્ટેમ્પ બનાવતા થયા.
પહેલાં હેન્ડ મેડ સ્ટેમ્પ બનતા
શૈલેષભાઈ શેઠે જણાવ્યું કે પહેલાં હેન્ડ મેડ સ્ટેમ્પ બનતા. પછી પેઢી દ્વારા 1950 બાદ બ્રાસ સીલ, પિતળમાં નામ કોતરી નેમ પ્લેટ બનાવતાં તથા સાબુની ડાઈ બનાવતા. 1995 પછી કોમ્પ્યુટર આવતા નવી ટેકનોલોજીથી નેમ પ્લેટ બનાવવાનું શરૂ થયું. છેલ્લાં પાંચ વર્ષથી લેઝર કટ મશીનથી મેટલ કટિંગ કામ થાય છે. સ્ટેનલ્સ સ્ટીલ અને બ્રાસ ઇચિંગ વર્ક કોતરકામ કરીને નેમ પ્લેટ બનાવાય છે. સ્ટેમ્પ બનાવવાનું મટીરીયલ અમદાવાદ અને મુંબઈથી તથા રબર, પીઓપી, વુડન સ્ટીક, વુડન હેન્ડલ, ઈંક પેડ પણ મુંબઇથી આવતું.