સુરત: ખટોદરા વિસ્તારમાં દુષ્કર્મના કેસમાં પેરોલ ઉપર આવીને 11 વર્ષના સાળાનું અપહરણ કરી બનેવીએ સાળાને ગળે ટુંપો આપી હત્યા કરી હતી. બાળકની લાશ ડુમસ સાયલન્ટ ઝોનમાં અવાવરૂં જગ્યાએ મળી હતી. (Brother in Law Murdered ) બાળકની હત્યા કરી આરોપી ટ્રકમાં બેસીને ભાગી ગયો હતો. ત્યારથી નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાંચની ટીમે બિહારથી ઝડપી પાડ્યો છે.
પનાસ ગામ ખાતે રહેતી કલ્પનાબેનના 11 વર્ષીય પુત્ર અંશનું ગત જુલાઈ મહિનામાં તેના બનેવી ડબલુસીંગ ઉર્ફે ડબ્બસીંગ સુરેન્દ્રસીંગ રાજપુત (ઉ.વ.36, રહે. ઘનકુડ, જી.બાંકા, બિહાર)એ ફરવા લઈ જવાના બહાને અપહરણ કર્યું હતું. બે દિવસ પછી સાંજે ડુમસ સાયલન્ટ ઝોન પાસે અવાવરૂં જગ્યાએ એક મકાનમાંથી ડુમસ પીસીઆરની ટીમને બાળકની લાશ મળી આવી હતી. બાળકને ગળાના ભાગે ચાદર અને દોરડા વડે ટુંપો આપી હત્યા કરવામાં આવી હોવાની કોહવાયેલી લાશ મળી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમે સ્થળ પહોંચી તપાસ હાથ ધરી હતી. બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલમાં ખસેડાયો હતો.
આરોપી ડબલુસીંગ ઉર્ફે ડબ્બસીંગ રાજપુતને તેની સગી સાળીના બળાત્કારના ગુનામાં આજીવન કેદની સજા થઈ હતી. લાજપોર મધ્યસ્થ જેલમાંથી પેરોલ ઉપર છુટીને આવ્યો હતો. અને આવીને પોતાના નાના સાળા અંશનું અપહરણ કરી હત્યા કરી હતી. બાળકની હત્યા કરીને આરોપી ફરાર થઈ ગયો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમને આરોપી ડબલુસીંગ ઉર્ફે ડબ્બસીંગ સુરેંદ્રસીંગ રાજપુત બિહાર રાજ્યના બાંકા જિલ્લામાં આવેલા કઠીલગામ ખાતે છુપાયેલો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ક્રાઇમબ્રાંચની ટીમ બિહાર ખાતે પહોંચી ગઈ હતી. અને ત્યાં આરોપીને ઝડપી પાડ્યો હતો.
સમાધાન માટે ના પાડી કાઢી મુકતા અપમાનનો બદલો લેવા સાળાની હત્યા કરી હતી
આરોપીની પુછપરછમાં જણાવ્યું હતું કે, સાળીના બળાત્કાર કેસમાં સજા થતા તેનો બદલો લેવા માટે પેરોલ ઉપર છુટીને આવ્યો હતો. 22 જુલાઈએ પોતાના સાસરે જઈ સાળીને કેસમાં સમાધાન કરવા દબાણ કરતા સાળીએ પોલીસ બોલાવવાની ચીમકી આપી તેને ઘરેથી કાઢી મુક્યો હતો. જેથી આરોપી અપમાનીત થતા તેને ગુસ્સો આવ્યો હતો. બહાર તેના 11 વર્ષના સાળાને ઘરની પાસે રમતો જોઇ તેને ડુમસ ફરવા જવાની લાલચ આપી અપહરણ કરી ભાડાની રિક્ષામાં લઈ ગયો હતો. ડુમસ મગદલ્લા સાયલન્ટ ઝોન વિસ્તારમાં જઇ ચાલતા ચાલતા ઝાડીઓમાં અવાવરુ જગ્યાએ જઇ અંશને દોરી વડે ગળે ટુંપો આપી હત્યા કરી હતી.
આરોપી દિલ્લીથી દિવ્યાંગ વ્યક્તિને મુકવા ગામમાં ગયો અને ઝડપાયો
બાળકની હત્યા કર્યા બાદ આરોપી ટ્રકમાં બેસીને ભાગી ગયો હતો અને પોલીસથી બચવા માટે અલગ અલગ જગ્યાએ છુટક મજુરી કરી રેલ્વે સ્ટેશન તથા બસ સ્ટેન્ડ ઉપર આશરો લઈને રહેતો હતો. છેલ્લે તે દિલ્લીમાં રહીને છુટક મજુરી કામ કરતો હતો. જ્યાંથી તે એક દિવ્યાંગ વ્યક્તિને મુકવા માટે તેના વતન જવા નીકળ્યો હતો. દરમિયાન ક્રાઈમ બ્રાંચને માહિતી મળતા તેને ગામમાંથી દબોચી લીધો હતો.