Sports

સરફરાઝ-પંત આઉટ થયા ને ગેમ પલટાઈ, 54 રનમાં 7 વિકેટઃ ન્યુઝીલેન્ડને આપ્યો માત્ર આટલો ટાર્ગેટ

બેંગ્લુરુઃ ભારત-ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરિઝની બેંગ્લુરુમાં રમાઈ રહેલી પહેલી મેચમાં સરફરાઝ ખાનની સદી અને ઋષભ પંતના લડાયક 99 રન છતાં ભારતીય ટીમ પર હારનો ભય તોળાઈ રહ્યો છે. સરફરાઝના આઉટ થયા બાદ ભારતીય ટીમ પત્તાના મહેલની જેમ ખરી પડી હતી. માત્ર 54 રનમાં ભારતે 7 વિકેટ ગુમાવી હતી. ભારત બીજી ઈનિંગમાં 462 પર ઓલઆઉટ થયું હતું. ભારતે 106 રનની લીડ મેળવી છે. આ સાથે જ ભારત પર હારનો ભય તોળાઈ રહ્યો છે. આવતીકાલે રવિવારે મેચો પાંચમો અને છેલ્લો દિવસ છે. ન્યુઝીલેન્ડને જીતવા માટે હવે માત્ર 107 રનની જરૂર છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ બેંગલુરુમાં રમાઈ રહી છે. આજે સ્પર્ધાનો ચોથો દિવસ છે. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 107 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે તેના બીજા દાવમાં 462 રન બનાવ્યા હતા. એક સમયે ભારતીય ટીમનો સ્કોર ત્રણ વિકેટે 408 રન હતો, પરંતુ સરફરાઝ ખાનના આઉટ થયા બાદ સતત વિકેટો પડતી રહી હતી. ભારતે 54 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી.

ભારતના પ્રથમ દાવના 46 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડે 402 રન બનાવ્યા હતા. આ રીતે ન્યૂઝીલેન્ડની ટીમને 356 રનની જંગી લીડ મળી છે. ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્રએ સૌથી વધુ 134 રનની ઇનિંગ રમી હતી.

ન્યુઝીલેન્ડની ટીમ અત્યાર સુધી ભારતીય ધરતી પર એકપણ દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી નથી. આ વખતે બંને ટીમો વચ્ચે 13મી ટેસ્ટ શ્રેણી રમાશે. ભારતીય ટીમની કપ્તાની રોહિત શર્માના હાથમાં છે. જ્યારે ટોમ લેથમ કિવી ટીમની કમાન સંભાળી રહ્યો છે .

Most Popular

To Top