વડોદરા : સંસ્કારી નગરી હવે ક્રાઈમ નગરી બનવા તરફ પગલાં માંડી રહી છે અે આ પગલાંની પોલીસ ચોપડે નોંધાયેલી સત્તાવાર આંકડા ચાડી ખાઈ રહ્યા છે. શહેરમાં છેલ્લા 107 હત્યા, 414 લૂંટ અને 145 દુષ્કર્મના ગુના નોંધાયા છે જે ચિંતાજનક પરિસ્થિતિ દર્શાવે છે. આ ઉપરાંત છેતરપિંડીના 1130 બનાવ નોંધાયા છે જ્યારે બે વર્ષમાં જ છેતરપિંડીના 285 કેસ નોંધાતા ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો હોય તેમ મનાઈ રહ્યું છે. વડોદરા શહેરમાં છેલ્લા છ વર્ષમાં 3 પોલીસ કમિશનર બદલાઈ ચૂક્યા છે. ડો.શમશેર સિંઘે વડોદરા પોલીસ કમિશનરનો પણ ચાર્જ સંભાળ્યો ત્યારથી છેલ્લા છ વર્ષમાં વડોદરા શહેરમાં જુદા જુદા ગુનાઓ કેટલા વધ્યા છે તેમજ વડોદરા પોલીસ ગુનાખોરી અટકાવવા કેટલીક સફળ નીવડી છે તથા કેટલી નિષ્ફળ રહી છે તેનો આંકડો મેળવી ગુજરાતમિત્રે એનાલીસીસ કર્યું છે.
વર્ષ 2016થી મનોજ શશીધરે વડોદરા પોલીસ કમિશનર તરીકે બે વર્ષ જેટલા સમય સુધી કાર્યભાર સંભાળ્યો હતો. જ્યારે તે બાદ અનુપમસિંહ ગેહલોત પણ બે વર્ષ જેટલા સમય સુધી રહ્યા હતા. એનાલિસિસમાં ચારેય અધિકારીઓ પૈકી આર.બી બ્રહ્મભટ્ટે ફક્ત ચાર મહિના જેટલા સમય સુધી જ વડોદરા શહેરના કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. જોકે આ બાદ સરકાર દ્વારા વર્ષ 2021ની શરૂઆતથી ડૉ. શમશેર સિંઘને વડોદરા શહેરના કમિશ્નર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને તે હાલ પણ ચાલુ વર્ષે તેમની ફરજ બજાવી રહ્યા છે. કોરોના મહામારીના કારણે વર્ષ 2020નો મોટા ભાગનો સમય લોકડાઉનમાં પસાર થયો હતો. જ્યારે વર્ષ 2021માં ઘણો સમય લોકડાઉનમાં ગયો હતો. ગુનાખોરીનીના આંકડાનું એનાલિસિસ કરવામાં આવે તો વર્ષ 2020-2021માં લોકડાઉન લાદવામાં આવ્યું હતું.
ત્યારે તે સમયમાં ગુનાખોરી અટકવા કે પ્રમાણમાં ઓછી થવાના બદલે છેલ્લા છ વર્ષના ગ્રાફમાં કોઈ મોટો ફેર જોવા મળ્યો ન હતો. જ્યારે શહેરમાં સ્ત્રીની સુરક્ષાની વાત આવે ત્યારે છેલ્લા છ વર્ષની સરખામણીમાં ગત વર્ષ 2021માં દુષ્કર્મનો આંકડો સૌધી ઉંચો રહ્યો હતો. જ્યારે તે બાદ છેડતી, હત્યા, ઘરફોડ ચોરીઓ, પ્રોહિબીશન વગેરે જેવા ગુનાઓમાં કોઈ મોટો ફેર જોવા મળ્યો ન હતો. ત્યારે સામાન્ય નાગરીકોએ કરેલા ગુનાઓની વાત કરવામાં આવે ત્યારે વડોદરા પોલીસ તેમની માહિતી આપે છે. પરંતુ પોલીસ કાયદો જાણતી હોવા છતાં કેટલીક વાર ગુના કરતી હોય છે. તેવામાં પોલીસનું નાક ન કપાઈ જાય અને તેમની આબરૂ જડવાઈ રહે તેની માટે પોલીસે કરેલા ગુનાઓના આંકડા આપવાથી ખચકાઈ છે. ત્યારે શહેરના આંકડા આપવાથી બચવા વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ એક બીજા પર ટોપલા ઢોળી દે છે. અને ઉપરી અધિકારીએ તે આંકડા આપવાની ના પાડી છે તેમ કહીને પણ પોતાનો બચાવ કરી લેતા હોય છે.
ચોરીઓ / 2016માં સૌથી વધુ 1749
શહેરમાં ચોરીઓ ના આંકડા જોવામાં આવે તો વર્ષ 2016માં 1360 ચોરીઓ પોલીસ ચોપડે નોંધાઈ હતી. આ બાદ વર્ષ 2017માં 1281, વર્ષ 2018માં 846, વર્ષ 2019 765, આ બાદ કોરોના લોકડાઉનના સમયમાં વર્ષ 2020માં 530 અને તે બાદ વર્ષ 2021માં 580 ચોરીઓ નોંધાઈ હતી. ત્યારે ગુપ્ત ગૃહ અપપ્રવેશ અથવા ઘરફોડ ચોરીઓનો આંકડાઓ પણ વાર્ષીક એનાલિસિસમાં કોઈ મોટો ફેર આવ્યો હોય તેમ લાગતુ નથી જેમાં વર્ષ 2016માં 389 બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા. આ બાદ વર્ષ 2017માં 375, 2018માં 328, વર્ષ 2019માં 286, અને વર્ષ 2020ના કોરોના લોકડાઉનના સમયમાં જ્યારે મોટા ભાગના લોકો ઘરે જ હતા ત્યારે પણ 179 ઘરફોડ ચોરીઓ નોંધાઈ હતી. અને વર્ષ 2021માં પાછલા વર્ષની સરખામણી નજીકના આંકડા સુધી 203 ઘરફોડ ચોરીઓ નોધાઈ હતી.
પ્રોહિબીશન / 2017માં સૌથી વધુ 15646
અન્ય રાજ્ય કરતા ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થાય છે. પોલીસ બૂટલેગરો સાંઠગાઠ રાખી દારૂ લાવવા અને તેનુ વેચાણ કરવા પરવાનગી આપી દે છે. ક્યારે સરકારને પોલીસની કામગીરી બતાવવા દારૂના કેસો પણ કરતી હોય છે. ત્યારે વર્ષ 2016માં શહેરમાં પોલીસ ચોપડે 14613 કેસો પ્રોહિબીશનના નોંધાયા હતા. તે બાદ વર્ષ 2017માં 15646, વર્ષ 2018માં 13948, વર્ષ 2019માં 12129. જોકે આ બાદ વર્ષ 2020માં કોરોના લોકડાઉન લાદવામાં આવ્યું હતું. કોરોના કાળ દરમિયાન શહેરમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી હતી. જેમાં આ વર્ષે પોલીસની કામગીરી બતાવા વડોદરા પોલીસે 8200 પ્રોહિબીશનના કેસો નોંધ્યા હતા. ત્યારે આ બાદ તેના પછીના વર્ષ 2021માં પ્રોહિબીશનનો ગ્રાફ પાછો 9274 કેસોની સાથે પાછલા વર્ષોની સરખામણીની નજીક પહોંચી ગયો હતો.
સ્ત્રી અત્યાચાર 2016 સૌથી વધુ 101
વર્ષ 2016માં એનાલિસિસમાં સૌધી વધુ 101 સ્ત્રી અત્યાચાર ગુના નોંધાયા હતા. તે બાદ વર્ષ 2017માં 51, વર્ષ 2018માં 9, વર્ષ 2019માં 30, ત્યારે વર્ષ 2020માં જ્યારે મોટા ભાગના લોકો કોરોના લોકડાઉનના કારણે ઘરે હતા. ત્યારે પાછલા વર્ષની સરખામણીમાં સ્ત્રી અત્યાચારના ગુનામાં બમણા ઉછાડા સાથે 62 કેસ નોંધાયા હતા. ત્યારે વર્ષ 2021માં પાછલા વર્ષની સરખામણીની સમાન 63 કેસ નોંધાયા હતા.