સામાન્ય રીતે સિનિયર સિટિઝનને કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવેતો પરિવારજનો વાયરસની આક્રમકતાને લીધે ચિંતામાં મુકાતા હોય છે. પરંતુ મક્કમ મનોબળ હોયતો ગમે તે વયમાં કોરોનાને માત આપી શકાય છે.
આવો કિસ્સો આજે ધ્યાને આવ્યો છે. જેમાં 11 એપ્રિલના રોજ કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝના એમડી ગોવિંદ ગોંડલિયાના 105 વર્ષની જૈફ વયના માતા ઉજીબેન ગોંડલિયાને તાત્કાલિક સચિનની સમર્પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે પણ ઉજીબેન બેખોફ જણાયા હતા અને તેમની મક્કમતા અને હિમ્મતને લીધે તેઓ 13 દિવસ પછી સંપૂર્ણ સાજા થઇ કોરોના નેગેટિવના રિપોર્ટ સાથે ઘરે પરત થયા હતા.
તેમની સારવાર કરનારા ડો. અનીલ કોટડીયા કહે છે જયારે જયારે અમે દાદી ને દવા આપવા અને ચેક કરવા જતાં ત્યારે ત્યારે માજી હસતા મુખે અમને કહેતા રહેતા કે દિકરા, મને કશું થવાનું નથી, આ કોરોના ફોરોના મારુ કશું બગાડી નહીં શકે, દાદીના મોંઢા પર હમેશાં હાસ્ય રહેતુ,
તેઓ હમેશાં બિંદાસ્ત જ રહેતા હતાં, તેઓ બધા સાથે હસતા મુખે વાતચીત કરતાં રહેતા. જો પોતાનો વિલ પાવર મજબુત હોય તો કોરોના જેવી મહામારી ને મ્હાત આપી શકાય છે. તેવી વાત તેઓ અન્ય દર્દીઓને કરી તેમનો ઉત્સાહ વધારતા હતા અને યોગ્ય દવાઓ સમયસર લેતા હતા. હોસ્પિટલના સ્ટાફે પણ તેમનું મનોબળ જાળવી રાખવા તેમને એન્ટરટેન કરવાના તમામ પ્રયાસો કર્યા હતા અને તે થકી તેઓ આજે સાજા થઇ ઘરે પરત થયાં હતાં.