એક સમય એવો હતો જ્યારે સુરત સિટીમાં પેટ્રોમેક્ષના દીવા બળતા હતાં. લોકો તેમના ઘરમાં ફાનસથી પણ અજવાળું પાથરતા. એ સમયે ગેસ પાઇપ લાઈન નહીં હતી લોકો સગડી પર કે ચૂલા પર રસોઈ બનાવતા પછી પ્રાયમસનો જમાનો આવ્યો. એ સમયે ઇન્ડિયામાં પ્રાયમસ બનતા નહીં હતા પણ વિદેશથી આવતા. 1921માં સુરતની વસ્તી એક લાખ 17 હજારની આસપાસ હતી. આ વસ્તીને ફાનસ અને પ્રાયમસ પુરા પાડવા શહેરના લાલગેટ વિસ્તારમાં નેમચંદ જી. શાહ નામની પેઢી સ્થપાઈ હતી.
ફાનસનો જમાનો અલવિદા થતા આ પેઢીએ હોમ એપ્લાયનસીસનો ધંધો શરૂ કર્યો. તે સાથે તેના રીપેરીંગની સર્વિસ પણ આપવાનું શરૂ કર્યું. બદલાતા જમાના સાથે સુરતીઓની આધુનિક સાધનોની જરૂરિયાતો પૂરી કરવા માટે આ પેઢીએ મોબાઈલ ફોન વેચાણનો ધંધો શરૂ કર્યો. આ પેઢીએ તેના 102 વર્ષના ઇતિહાસમાં ધંધાનો પ્રકાર સમયની માંગ અનુસાર બદલ્યા પણ તેમના ગ્રાહકોનો તેમની પરનો અડગ વિશ્વાસ જાળવી રાખ્યો. હાલમાં આ પેઢી રિટેલર્સને મોબાઈલ ફોન જથ્થાબંધ પુરા પાડે છે. આ પેઢીનાં સ્થાપક સુરતમાં ક્યાંથી આવ્યા હતાં? આ પેઢીએ વિવિધ પ્રકારના ધંધા કેમ અપનાવ્યા ? તે આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ.
1994ના ડીમોલિશનમાં દુકાનનો 14 ફૂટ ભાગ તૂટ્યો: જયેશ શાહ
આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક જયેશભાઇ શાહે જણાવ્યું કે, 1994માં SMC કમિશનર S.R.Raoના સમયમાં રાજમાર્ગને પહોળો કરવા માટે દુકાનોનું ડીમોલિશન થયું હતું. ચોક્થી ભાગળ જતા ડાબી બાજુની દુકાનોના ડીમોલિશન દરમિયાન અમારી દુકાનની આગળની 14 ફૂટ જગ્યા તૂટી હતી. ત્યારે દુકાનદારોએ રસ્તો પહોળો કરવા માટે દુકાનોના સ્વૈચ્છીક ડીમોલિશન માટે સહકાર આપ્યો હતો. અમારી દુકાનમાં પણ SMCના અધિકારીઓ આ બાબતમા સહકાર માટે આવ્યા હતાં. ત્યાર બાદ થોડાંક વર્ષો બાદ પણ ડીમોલિશન થયું હતું ત્યારે દુકાનની પાછળનો 5 ફૂટ ભાગ
તૂટ્યો હતો.
2006ની રેલમાં 12થી 15 લાખ રૂપિયાના માલને નુકસાન થયું: પરેશ શાહ
આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક પરેશભાઈ શાહે જણાવ્યું કે, 2006માં સુરતમાં ભયંકર રેલ આવી હતી. ત્યારે અમારું ગોડાઉન શાહપોરમાં હતું તેમાં 14 ફૂટ સુધીનું પાણી ભરાયું હતું. જોકે, અમારી આ લાલગેટની દુકાનમાં ખાસ પાણીનો ભરાવો નહીં થયો હતો. દુકાનમાંથી તો અમે જેટલો માલ ખસેડાયા તેટલો ખસેડી લીધો હતો પણ ગોડાઉનમાં હોમ એપ્લાયનસીસ જેવાકે, ઓવન, ગીઝર, એરકૂલર, માઈક્રો ઓવન ડૂબી જતાં તે વસ્તુઓનો સ્ટોક રીપેર થઈ શકે તેમ નહીં હતો. લગભગ 12થી 15 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. વળી, પાણી ઉતર્યા બાદ પણ સફાઈ કરવામાં સમય લાગ્યો હતો. તે વખતે તો પાણી કાઢવાના પમ્પ પણ નહીં મળતા હતાં. એ સમયે અમારી દુકાન 15-20 દિવસ બંધ રહી હતી.
2015માં હોમ એપ્લાયનસીસનો ધંધો બંધ કર્યો
જયેશભાઇએ જણાવ્યું કે, મોબાઈલ ફોનનો ધંધો સારો ચાલતા અમે હોમ એપ્લાયનસીસ જેમકે, પંખા, ટોસ્ટર, સ્ટવ,મિક્સચર ગ્રાઈન્ડર, ઓવન,એરકુલર, ગીઝર વગેરેનું વેચાણ બંધ કર્યું હતું. કારણકે, મોબાઈલ ફોનના ધંધા માટે સમય આપવો પડતો હતો જેને કારણે હોમ એપ્લાયનસીસના ધંધામાં પૂરતો સમય નહીં આપી શકતા હતા.
સુરેશચંદ્ર શાહ જાતે સ્ટવ અને પેટ્રોમેક્ષ બનાવતા
નેમચંદ શાહના પુત્ર સુરેશચંદ્ર 1950 પહેલા ધંધામાં જોડાયા હતા. તેઓ 7માં ધોરણ સુધી ભણ્યા હતા. તેઓ અને તેમના પિતા નેમચંદ શાહ જાતે સ્ટવ અને પેટ્રોમેક્ષ બનાવતા. તેમની સાથે તેમના ભાઈ ધનસુખભાઈ પણ ધંધામાં બેઠા હતાં. બંને ભાઈઓએ ધંધાનું સંચાલન હાથમાં લીધા બાદ જૈન હુન્નર ઉદ્યોગનું કામ પણ ઉમેરાયું હતું. જેમાં દહેરાસરમાં વપરાશની વસ્તુઓ જેમકે, ધજાદંડ, કળશ, પેટી દુકાનમાં જ બનાવવામાં આવતી. તે સમયે ગોપીપુરા, સગરામપુરા, રાંદેર સાઈડમાં જૈન સમાજની વસ્તી હતી. બંને ભાઈઓએ ધંધાનો વિસ્તાર કરી હોમ એપ્લાયન્સીસનું વેચાણ શરૂ કર્યું હતું. ત્યારે સુરતના લાલગેટ, ભાગળ, ચોક, સગરામપુરા, ગોપીપુરા, મહિધરપુરા, સલાબતપુરા વિસ્તારમાંથી ઉપરાંત સાઉથ ગુજરાતમાં સુરતથી વાપી સુધી અને જલગાંવથી પણ ગ્રાહકો ખરીદી માટે આવતા હતાં. સુરેશચંદ્ર શાહનું અવસાન 2023માં થયું.
આ પેઢીનાં સ્થાપક રાજસ્થાનથી આવ્યા હતાં
આ પેઢીની સ્થાપના 1921માં નેમચંદ ગોવિંદજી શાહે કરી હતી. તેઓ મૂળ તો રાજસ્થાનના હતા પણ ત્યાં કોઈ રોગચાળો ફાટી નીકળ્યો હતો ત્યારે તેઓ તેમના પરિવાર સાથે સુરત આવી પહોંચ્યા હતાં. અહીં તેમણે લાલગેટ વિસ્તારમાં દુકાનની ઉપર રહેઠાણ માટે ચાર માળનું સ્ટ્રક્ચર ઉભું કરાવ્યું હતું. તેમણે 26 વર્ષની ઉંમરે કેરોસીન બેઝડ ફાનસ, પ્રાયમસ વેચવાનું અને તેના રિપેરીંગનો ધંધો શરૂ કર્યો હતો. લાલગેટ વિસ્તારમાં ફાનસ અને પ્રાયમસના વેચાણની આ પહેલી દુકાન હતી. તેમનું અવસાન 1979માં થયું હતું.
હજી પણ બટનવાળા મોબાઈલ ફોનનો જમાનો છે
પરેશભાઈએ જણાવ્યું કે સ્માર્ટ ફોનના આ જમાનામાં પણ બટનવાળા કેમેરા વગરના અને કેમેરા સહિતના મોબાઈલ ફોન વેચાય છે. કેટલાંક લોકો ગામમાં આવા ફોન લઈ જાય છે. આ ઉપરાંત મજૂર વર્ગ પણ આવા ફોન યુઝ કરે છે. તે 900થી માંડીને 2500 રૂપિયાની કિંમતમાં મળે છે. અત્યારે સેકન્ડ હેન્ડ સ્માર્ટ ફોનનું માર્કેટ પણ સારું છે. મોબાઈલ ફોનના શોખીનો નવા-નવા લેટેસ્ટ ટેકનોલોજીવાળા ફોન લે એટલે તેમની પાસેનો પહેલાનો ફોન કાઢી નાખતા હોય છે. ખાસ તો યંગ જનરેશનમાં આવું જોવા મળે છે.
2006થી મોબાઈલ ફોનના ધંધામાં ઝંપલાવ્યું
જયેશભાઈએ જણાવ્યું કે 2006થી અમે ધંધાની દિશા બદલી અને મોબાઈલ ફોનનું ડિસ્ટ્રીબ્યુશન શરૂ કર્યું. આમ તો મોબાઈલ ફોનનો જમાનો 1994 પછીથી જ શરૂ થયો હતો. ત્યારે તે ફોન પણ 8થી માંડીને 25 હજાર રૂપિયાની કિંમતમાં વેચાતા હતા. અમારી પેઢી જૂની એટલે લોકોને એવું લાગતું કે અમારે ત્યાં મોબાઈલ ફોન હશે. લોકોની ઇન્કવાયરી આવતા અમને મોબાઈલ ફોનના ધંધામાં ઇન્ટરેસ્ટ જાગતા અમે તેના ડિસ્ટ્રીબ્યુશનનું કામ શરૂ કર્યું. અમે સુરત, બારડોલી, વલસાડ, વાપી, નવસારી, ઉમરગામના રિટેલર્સને તે સપ્લાય કરીએ છીએ.
પહેલાં પ્રાયમસ સ્વીડન અને જર્મનીથી ઇન્ડિયામાં આવતા
જયેશભાઇ શાહે જણાવ્યું કે પહેલાંના સમયમાં આપણા દેશમાં પ્રાયમસનું મેન્યુફેક્ચરિંગ થતું નહીં હતું. એ જમાનામાં તે સ્વીડન અને જર્મનીથી ઇન્ડિયામાં આવતા. પહેલા મુંબઈમાં પ્રાયમસનો સ્ટોક આવતો. ત્યાંથી અમારે ત્યાં એજન્ટ દ્વારા આ માલ આવતો. પછીથી તેનું મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં શરૂ થયું હતું. અમે 1950થી 1996 સુધી Nemjiના રજીસ્ટર ટ્રેડમાર્કથી સ્ટવ, પેટ્રોમેક્ષ બનાવી વેચતા હતા.
મોબાઈલ પહેલા પેજરનો જમાનો હતો તે 22થી 25 હજાર રૂ.માં વેચતા
પરેશભાઈ શાહે જણાવ્યું કે, મોબાઈલ ફોનનો જમાનો આવ્યો તે પહેલાં પેજરનો જમાનો હતો. જોકે, તેનો જમાનો શોર્ટ સમયનો રહ્યો હતો. ત્યારે તેની કિંમત 22થી 25 હજાર સુધીની હતી. પેજર ઇન્ડિયામાં લેટ આવ્યા હતા. તેનો વધારે ઉપયોગ માર્કેટિંગ ફિલ્ડમાં થતો હતો. પેજરની સર્વિસ અને કિંમત મોંઘી હતી જોકે, પેજરને ફૂલ માર્કેટ મળ્યું નહીં હતું.
વંશવેલો- નેમચંદ ગોવિંદજી શાહ- સુરેશચંદ્ર નેમચંદ શાહ-ધનસુખભાઈ નેમચંદ શાહ-જયેશભાઈ સુરેશચંદ્ર શાહ-પરેશભાઈ સુરેશચંદ્ર શાહ- ચેતન સુરેશચંદ્ર શાહ