મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને તેમાં આક્ષેપ કર્યો હતો કે રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખે શહેરના સીઆઇયુના સસ્પેન્ડ કરાયેલા આસીસ્ટન્ટ પીઆઇ સચિન વઝેને દર મહિને રૂ. ૧૦૦ કરોડનું ભંડોળ ઉઘરાવવાની સૂચના આપી હતી.
પત્રમાં પરમબીર સિંહે લખ્યું છે કે અનિલ દેશમુખે ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટના એપીઆઇ સચિન વઝેને અનેક વખત પોતાના નિવાસ સ્થાને બોલાવ્યા હતા અને નાણા ઉઘરાવવાનું કહ્યું હતું. દેશમુખે વઝેને કહ્યું હતું કે મુંબઇમાં લગભગ ૧૭પ૦ બાર, રેસ્ટોરાં વગેરે છે અને તે દરેકની પાસેથી જો મહિને રૂ. ૨-૩ લાખ ઉઘરાવવામાં આવે તો મહિને રૂ. ૪૦થી પ૦ કરોડ ભેગા થઇ જાય અને બાકીની રકમ અન્ય સ્ત્રોતો મારફતે ભેગી થઇ જાય એમ પત્રમાં કહેવામાં આવ્યું છે.
પત્રમાં પરમબીર સિંહે એમ પણ લખ્યું છે કે મેં ગૃહ મંત્રીના ભ્રષ્ટાચારની વાત તમને થોડા સમય પહેલા તમારા સત્તાવાર નિવાસસ્થાને મુલાકાત વખતે પણ જણાવી હતી અને નાયબ મુખ્યમંત્રી અજીત પવાર, એનસીપીના વડા શરદ પવાર તથા અન્ય વરિષ્ઠ મંત્રીઓને પણ જણાવી હતી.
જો કે આ આક્ષેપો નકારતા અનિલ દેશમુખે કહ્યું છે કે પરમબીર સિંહ પોતાને વઝે પ્રકરણમાંથી બચાવવા આ આક્ષેપો કરી રહ્યા છે કારણ કે તપાસમાં રેલો તેમના સુધી જઇ રહ્યો છે, તો બીજી બાજુ વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે માગણી કરી છે કે દેશમુખનું રાજીનામુ લેવામાં આવે અને આક્ષેપો બાબતે તપાસ યોજવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીના નિવાસસ્થાન નજીક વિસ્ફોટકો ભરેલી કાર મૂકવામાં સંડોવણી જણાતા સચિન વઝેની એનઆઇએએ ધરપકડ કરી હતી જ્યારે પરમબીર સિંહની મુંબઇના પોલીસ કમિશ્નર પદેથી બદલી કરીને તેમને મહારાષ્ટ્ર હોમગાર્ડના ડીજી બનાવાયા છે.