સુરત : રશિયા (Russia) પર અમેરિકા (America) સહિત યુરોપિયન યુનિયનના દેશોએ આર્થિક પ્રતિબંધો લાદતા કાચા હીરાની (Diamond) આયાત (Import) પર પ્રતિકૂળ અસર પડી છે. કાચા માલની અછતને કારણે હીરા ઉદ્યોગને (Surat Diamond Industry) મોટું નુકસાન થઈ રહ્યું છે. ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના (Gujarat Diamond Worker Union) પ્રમુખ રમેશ જિલરીયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંકના દાવા મુજબ સુરતનાં હીરા ઉદ્યોગમાં મંદીથી 10,000 રત્ન કલાકારોએ (Diamond Worker) રોજગારી ગુમાવી છે.
સુરતમાં આર્થિક તંગીને લીધે એક મહિલા સહિત કુલ 4 રત્નકલાકારોએ મોત વ્હાલું કર્યું છે. હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી રત્નકલાકારો પાયમાલ થઈ રહ્યા છે. બેરોજગારી, આર્થિક સંકટના કારણે રત્નકલાકારો જીવન ટૂંકાવી રહ્યાંના બનાવો વધી રહ્યા છે.
રત્નકલાકારોની સમસ્યાઓ ઉકેલવામામ નહીં આવે તો હજી પરિસ્થિતિ ખરાબ થવાની શક્યતા છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતએ હીરા ઉદ્યોગના રત્નકલાકારોની સમસ્યાઓ ઉકેલવા માટે છેલ્લામ ઘણા સમયથી સરકારના વિવિધ વિભાગોમાં રજુઆત કરવા છતાં રત્નકલાકારોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યુ નથી જેના કારણે આવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.
ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નદીપ યોજના જાહેર કરવા માંગણી
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવા તથા બેરોજગાર રત્નકલાકારો માટે રત્નદીપ યોજના જાહેર કરવા તથા મૃત્યુ પામેલા રત્નકલાકારોના પરિવારને આર્થિક મદદ કરવાની માંગણી કરી છે. હાલ મોંઘવારી વધી રહી છે ત્યારે કારીગરોનાં પગાર વધવાને બદલે ઘટે છે.
ઉત્પાદન કાપના કારણે અઠવાડિયામાં બે રજા રાખવા તથા ટાઈમ ઘટાડવામાં આવે છે જેની સીધી અસર કારીગરોના પગાર પર પડે છે. પગાર ઘટાડાને લીધે કારીગરો આર્થિક રીતે પાયમાલ થઇ રહ્યાં છે. કેટલાક કારખાનામાં વેકેશન જાહેર કરવાની પણ શક્યતા છે. તો કેટલાક કારખાના બંધ થવાની અણી પર છે. ઘણા કારખાનામાંથી કારીગરોને છુટા કરવાનાં બનાવો પણ વધી રહ્યા છે.
અછતને પગલે રફ મોંઘી થતાં 20% કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડનું ઉત્પાદન ઘટ્યું
સુરત : રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક આર્થિક સંકટને કારણે સુરતના હીરા ઉદ્યોગને ભારે નુકસાન થઈ રહ્યું છે. સુરતના હીરા ઉદ્યોગની કંપનીઓ દ્વારા તૈયાર હીરાના ઉત્પાદનમાં 20 % નો કાપ મુકવો પડ્યો છે. રશિયા- યુક્રેન યુદ્ધને એક વર્ષ બે મહિના થયાની વિપરીત અસર દેખાઈ રહી છે. રશિયાથી કાચા હીરાની આયાત પર અસર પડી છે. મંદીને લીધે અમેરિકા, યુરોપ અને ચીનથી માંગ પણ ઘટી છે.
ઉત્પાદનમાં ઘટાડો કર્યા પછી પણ તેની કિંમતમાં કોઈ વધારો થયો નથી. એને લીધે સુરતના હીરાઉદ્યોગમાં વધુ લોકોની રોજગારી જતી રહેવાનું જોખમ વધી ગયું છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલી ઘણી કંપનીઓએ કામના કલાકોમાં ઘટાડો કર્યો છે. એટલું જ નહીં સપ્તાહમાં એક દિવસ રજા રાખવાને બદલે હવે ૨ દિવસની રજા જાહેર કરી છે.