Sports

ગોલ્ડ મેડલ વિજેતા ઉસૈન બોલ્ટના ખાતામાંથી 100 કરોડ ગાયબ!

નવી દિલ્હી: માત્ર 9.58 સેકન્ડમાં 100 મીટરની રેસ પૂર્ણ કરી દેનારા ઉસૈન બોલ્ટના (Usain Bolt) બેન્ક ખાતામાંથી એક ઝાટકે 100 કરોડ રૂપિયા ગાયબ થઈ જતાં ખળભળાટ મચી ગયો છે.  જમૈકાના સ્ટાર એથ્લેટ અને તમામ મોટી ટુર્નામેન્ટના ગોલ્ડ મેડલ વિજેતા યુસૈન બોલ્ટે $10 મિલિયન (રૂ. 100 કરોડ) ગુમાવ્યા છે. પૈસા જમૈકાની એક ઇન્વેસ્ટમેન્ટ ફર્મના ખાતામાં હતા. બોલ્ટ હવે આ મામલાને કોર્ટમાં લઈ જવાની વિચારણા કરી રહ્યો છે.

  • ઉસૈન બોલ્ટે સ્ટોક્સ એન્ડ સિક્યોરિટીઝના એકાઉન્ટમાં રૂપિયા જમા કર્યા હતા
  • એકાઉન્ટમાંથી બેલેન્સ ઘટીને 2,000 ડોલર થઈ ગયું: બોલ્ટે સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આપી
  • ઉસૈન બોલ્ટના વકીલે સમગ્ર મામલાને કોર્ટમાં લઈ જવાની ચીમકી ઉચ્ચારી

રમતવીરનું કિંગ્સટનમાં સ્ટોક્સ એન્ડ સિક્યોરિટીઝ (SSL) માં ખાતું હતું અને હવે તેનું બેંક બેલેન્સ ઘટીને $ 2,000 થઈ ગયું છે. બોલ્ટે આ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે અને તેણે બે ટ્વિટ કર્યા છે. ઓલિમ્પિક મેડલ વિજેતાએ સમગ્ર ઘટના પર પ્રતિક્રિયા આપતા તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તસવીર પણ પોસ્ટ કરી હતી. બીજી તરફ આ મામલે તપાસ શરૂ થઈ છે. ફાઇનાન્શિયલ સર્વિસ કમિશન (FSC) એ કહ્યું કે ફર્મની તપાસ કરવામાં આવી રહી છે.

દરમિયાન ઉસૈન બોલ્ટના વકીલે આ મામલે કહ્યું કે, બોલ્ટના કિંગસ્ટન સ્થિત રોકાણ ફર્મ સ્ટોક્સ એન્ડ સિક્યોરિટીઝના ખાતામાંથી 10 મિલિયન ડોલર (100 કરોડ) ગાયબ થઈ ગયાનું ધ્યાન પર આવ્યું છે. ખાતામાંથી આટલી મોટી રકમ ગાયબ થઈ જતાં બોલ્ટ હવે અદાલતના દ્વાર ખટખટાવશે. ઉસૈન બોલ્ટના વકીલે જણાવ્યું કે, હવે ઉસૈન બોલ્ટના ખાતામાં માત્ર 10 લાખ રૂપિયા બચ્યા છે. આ અત્યંત દુ:ખદ બાબત છે. કેમ કે બોલ્ટે આ બેન્ક એકાઉન્ટને પોતાના પેન્શનની બચત માટે ખોલાવ્યું હતું. આ ખાતું ખોલાવવાનો હેતુ તેના માતા-પિતા પેન્શનની રકમનો ઉપયોગ કરી શકે તે માટેનો હતો.

તમને જણાવી દઈએ કે પોતાની કારકિર્દી દરમિયાન ઉસૈન બોલ્ટે ત્રણ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો જેમાં આઠ ગોલ્ડ પોતાના નામે કર્યા હતા. ઓલિમ્પિકમાં આઠ ગોલ્ડ મેડલ જીતવા માટે બોલ્ટ માત્ર 115 સેકન્ડ દોડ્યો હતો. બોલ્ટે તેનાથી 119 મિલિયન ડોલર અંદાજે 98 કરોડ રૂપિયાની ઈનામી ૨કમ જીતી હતી. મતલબ કે દર સેકન્ડના બદલામાં તેને 8.6 કરોડની કમાણી થઈ હતી. અંદાજે એક દશકા સુધી એથ્લેટિક્સની દુનિયા પર રાજ કર્યા બાદ બોલ્ટે 2017માં સંન્યાસ લીધો હતો. બોલ્ટની ગણતરી બ્રાઝીલના દિવંગત પેલે અને અમેરિકી બોક્સર મોહમ્મદ અલી જેવા દિગ્ગજો સાથે થતી હતી.

Most Popular

To Top