ટ્વીટરના ટોચના વકીલ વિજય ગડ્ડે અને યુકેના નાણા મંત્રી ઋષિ સુનાક સહિત પાંચ ભારતીય મૂળની હસ્તિઓને અમેરિકાના વિશ્વ પ્રસિદ્ધ ટાઇમ મેગેઝિનની ૧૦૦ ઉભરતા નેતાઓની વાર્ષિક યાદીમાં સમાવવામાં આવી છે.
ધ ૨૦૨૧ ટાઇમ૧૦૦ નેકસ્ટ નામની આ યાદી બુધવારે જારી થઇ હતી જે ટાઇમની વિશ્વની ૧૦૦ વગદાર લોકોની ટાઇમ૧૦૦ યાદીનું એક વિસ્તરણ છે. આ નવી યાદીમાં વિશ્વના એવા ૧૦૦ નેતાઓનો સમાવેશ થાય છે જેઓ ભવિષ્યને આકાર આપી રહ્યા છે. આ યાદીમાંના દરેક જણ ઇતિહાસ રચે તેવા છે અને વાસ્તવમાં કેટલાકે તો રચી પણ દીધો છે એમ ટાઇમ૧૦૦ના એડિટોરિયલ ડિરેકટર ડેન મેકસાઇએ જણાવ્યું છે.
ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદનો પણ સમાવેશ આ યાદીમાં કરવામાં આવ્યો છે. અન્ય જે ભારતીય પ્રતિભાઓનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં ઇન્સ્ટાકાર્ટના સ્થાપક અને સીઇઓ અપૂર્વ મેહતા, ગેટ યુએસ પીપીઇ નામના એક નોનપ્રોફિટ સંગઠનના એક્ઝિક્યુટિવ ડિરેકટર અને એક ડોકટર એવા શિખા ગુપ્તા તથા નોનપ્રોફિટ સંગઠન અપસોલ્વના સ્થાપક રોહન પાવુલુરીનો સમાવેશ પણ આ યાદીમાં થાય છે.
ઋષિ સુનાક અંગે આ મેગેઝિને જણાવ્યું છે કે એક વર્ષ પહેલા તેઓ એક જુનિયર મંત્રી હતા અને બહુ જાણીતા નહીં હતા પરંતુ ગયા વર્ષે બ્રિટનનાં નાણા મંત્રી બની ગયા પછી કોવિડ-૧૯ સામેની સરકારની લડતનો એક ચહેરો બની ગયા. જો કે લૉકડાઉનના નિયમો જલ્દી હળવા બનાવી દેવાની તરફેણ કરવા બદલ તેમની ટીકાઓ પણ થઇ છે એમ મેગેઝિને નોંધ્યું છે
. ભીમ આર્મીના ૩૪ વર્ષીય નેતા ચંદ્રશેખર આઝાદના સંઘર્ષની નોંધ ટાઇમ મેગેઝિને લીધી છે જેઓ ભારતમાં ગરીબ દલિતોને શિક્ષણ મળે તે માટે ઝઝૂમે છે, જ્ઞાતિવાદી હિંસાનો ભોગ બનેલા લોકોના હકોના રક્ષણ માટે મોટર બાઇકો પર ગામડાઓમાં ફરી વળે છે એમ ટાઇમ મેગેઝિને નોંધ્યું છે.