World

મલાવીના ઉપરાષ્ટ્રપતિ સહિત 10 લોકોના વિમાન દુર્ઘટનામાં મોત, સોમવારે ગુમ થયું હતુ વિમાન

જોહાનિસબર્ગઃ (Johannesburg) મલાવીના (Malawi) વાઇસ પ્રેસિડેન્ટ સોલૌસ ક્લોસ ચિલિમાનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું છે. માલાવીના રાષ્ટ્રપતિ લાઝર ચકવેરાએ મંગળવારે રાષ્ટ્રને સંબોધન દરમિયાન આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સોમવારે ગુમ થયેલા મલાવીના વાઇસ પ્રેસિડેન્ટને લઈ જતા પ્લેનમાં સવાર દરેક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં ઉપરાષ્ટ્રપતિ સોલૌસ ક્લોસ ચિલિમા સિવાય 9 અન્ય લોકો સવાર હતા. બધાને લઈને વિમાને સોમવારે લિલોંગવેથી ઉડાન ભરી હતી. પ્લેન મઝુઝુ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું પરંતુ ખરાબ હવામાનને કારણે પ્લેન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો અને પછી પ્લેન રડારની પહોંચની બહાર થઈ ગયું હતું.

સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું
તમને જણાવી દઈએ કે મલાવીના ઉપરાષ્ટ્રપતિ અને દેશની ભૂતપૂર્વ પ્રથમ મહિલાને લઈ જતું એક સૈન્ય વિમાન સોમવારે બ્લેન્ટાયર નજીક લાપતા થઈ ગયું હતું. દેશના સૈનિકો ગુમ થયેલા વિમાનની શોધમાં પર્વતીય જંગલોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. જો કે આજે સર્ચ ઓપરેશન દરમિયાન પ્લેન જંગલોમાં ક્રેશ થયેલી હાલતમાં મળી આવ્યું હતું. પ્રમુખ લાઝર ચકવેરાએ પોતે આજે આ ઘટના અંગે માહિતી આપી હતી. પ્રમુખ લાઝર ચકવેરાએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે કોઈ જીવિત મળ્યું નથી. વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા છે.

વિમાન ગઈકાલથી ગુમ હતું
એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉપરાષ્ટ્રપતિ સોલૌસ ક્લોસ ચિલિમા (51), પૂર્વ પ્રથમ મહિલા શાનિલ જિમ્બીરી અને અન્ય 8 લોકોને લઈને વિમાન સોમવારે સવારે 9.17 વાગ્યે દક્ષિણ આફ્રિકાના આ દેશની રાજધાની લિલોંગવેથી રવાના થયું હતું. વિમાન લગભગ 45 મિનિટ પછી રાજધાનીથી 370 કિલોમીટર દૂર મઝુઝુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરવાનું હતું. ચકવેરાએ રાજ્યની ટેલિવિઝન ચેનલ MBC પર પ્રસારિત કરેલા તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે એર ટ્રાફિક કંટ્રોલરે જાણ કરી હતી કે ખરાબ હવામાનને કારણે પ્લેન લેન્ડ થયું નથી અને પરત ફર્યું છે. તેમણે કહ્યું કે એર ટ્રાફિક કંટ્રોલર્સનો પ્લેન સાથે સંપર્ક તૂટી ગયો હતો અને તે થોડા સમય પછી વિમાન રડારની પહોંચથી બહાર થઈ ગયો હતો.

વિમાન અચાનક રડાર પરથી ગાયબ થઈ ગયું
માલાવીના રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉપરાષ્ટ્રપતિ ચિલિમા સંરક્ષણ દળના વિમાનમાં સવાર હતા. વિમાને રાજધાની લિલોંગવેથી સ્થાનિક સમય મુજબ સવારે 9.17 કલાકે ઉડાન ભરી હતી. આ પછી પ્લેન અચાનક રડારથી ગાયબ થઈ ગયું. આ પછી રાષ્ટ્રપતિ લાઝર ચકવેરાએ સુરક્ષા દળોને વિમાનને શોધવા માટે તાત્કાલિક શોધ અને બચાવ અભિયાન શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. અહેવાલ છે કે મલાવીના રાષ્ટ્રપતિ ચકવેરા બહામાસની મુલાકાતે જવાના હતા. પરંતુ પ્લેન ગુમ થયાની માહિતી મળતાં તેમણે પોતાનો પ્રવાસ રદ કર્યો હતો. સર્ચ ઓપરેશન પછી જાણવા મળ્યું કે પ્લેન એક ભયાનક દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ દુર્ઘટનામાં ઉપરાષ્ટ્રપતિ ચિલિમા અને વિમાનમાં સવાર અન્ય નવ લોકોના પણ મોત થયા હતા.

Most Popular

To Top