સુરત(Surat) : દિવાળીના (Diwali) તહેવાર અને નવા વર્ષની (NewYear) શરૂઆતમાં શહેરમાં કોઈ અઘટીત ઘટનાના બને તે માટે સુરત પોલીસ (SuratCityPolice) દ્વારા શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા 1 હજાર જેટલા આરોપીઓની (Accused) આજરોજ મંગળવારે અઠવાલાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઓળખ પરેડ કરવામાં આવી હતી.
જેમાં આરોપીઓના હાલના રહેઠાણ,કામકાજ, સહિત તમામ પ્રકારની ગતિવિધિઓ અંગેની જાણકારી મેળવવામાં આવી હતી. એટલું જ નહીં પણ આરોપીઓ ગુનાખોરીનો માર્ગ છોડી યોગ્ય માર્ગ અપનાવે તે માટે સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા આરોપીઓને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અલ્યુમિનિયનો ચોરી ભંગાર ખરીદી કરી ગુનામાં પકડાયેલા આરોપીઓએ રડતાં રડતાં બોલ્યા હતા કે હવે અમારે કોઈ જ ગુનો જાણતા અજાણતામાં પણ કરવો નથી.
પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શહેરમાં ગુનાખોરી અટકે અને ગુનાખોરીના રવાડે ચઢેલા આરોપીઓ યોગ્ય માર્ગ અપનાવે તે માટેની પહેલ સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા કરવામાં આવી છે. હાલ દિવાળીના તહેવારની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સુરત શહેરમાં બનતી ગુનાખોરીને અટકાવવા પોલીસ દ્વારા આજરોજ ભૂતકાળમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવી હતી. શહેરના 36 પોલીસ સ્ટેશનોના અંદાજિત 1000 જેટલા આરોપીઓને એક જ સ્થળે ભેગા કરી પરેડ કરવામાં આવી હતી.
વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા આ તમામ આરોપીઓની હાલની ગતિવિધિઓ,રહેઠાણના સરનામાં,કામકાજના સ્થળની વિગતો મેળવવામાં આવી હતી. એટલું નહીં પણ આ આરોપીઓ ગુનાખોરી છોડી યોગ્ય માર્ગ અપનાવે તે માટે પોલીસ કમિશનર અજય પરમાર દ્વારા યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
પોલીસ કમિશનર અજય તોમર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,યોગ્ય માર્ગ પર ચાલવામાં ખુશી અને આનંદ મળે છે. ભગવાન આરોપીઓને યોગ્ય માર્ગ બતાવવામાં મદદ કરે તેવી પ્રાર્થના છે. યોગ્ય માર્ગ પર ચાલનારા લોકોને પોલીસ સંપૂર્ણ સહકાર આપશે. જે આરોપીઓ સુધરવા માંગતા હોય તેવા લોકોને અમે પુરી રીતે મદદ કરવા તૈયાર છે.
વધુમાં કહ્યું હતું કે, ભૂતકાળમાં 35 જેટલા ચેન સ્નેચિંગના ગુનામાં ઝડપાયેલા આરોપી આકાશ ભામરેએ જણાવ્યું હતું કે, ગુનાખોરીના માર્ગ પર કઈ હાંસલ થતું નથી. ગુનાખોરી કર્યા બાદ પરિવારથી દૂર રહેવું પડે છે. જેના કારણે પરિવારના સભ્યો પણ દુઃખી થાય છે. ભૂતકાળમાં કરેલી ભૂલનો પસ્તાવો છે. જે ભૂલને ધીરે ધીરે સુધારવાનો પ્રયત્ન કરી રહ્યો છું. 35 જેટલા મોબાઈલ અને ચેન સ્નેચિંગ ગુનામાં પોલીસના હાથે ઝડપાયા બાદ કરેલી ભૂલનો મોટો પસ્તાવો થયો છે. પરંતુ હવે ધીરે ધીરે સાચા માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરી રહ્યો છું.
વધુમાં જણાવ્યું હતું કે, 35 પૈકીના મોટાભાગના ગુનામાં પોલીસની મદદથી સમાધાનનો માર્ગ મળ્યો છે. જ્યારે અન્ય ગુના હાલ સમાધાન તરફ છે. અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મિત્રોની સંગતથી પણ હાલ દૂર છું. ગુનાખોરીનો માર્ગ છોડી સાચો માર્ગ અપનાવ્યા બાદ આજે ડીજેના ધંધા સાથે સંકળાયેલો છે. જ્યાં ગુનાખોરી કર્યા બાદ જેલ અને પસ્તાવા સિવાય કઈ હાંસલ થતું નથી. જેથી ગુનાખોરીનો માર્ગ અયોગ્ય છે. આ સિવાય અન્ય આરોપીઓએ પણ પોતે કરેલા ગુનાનો પસ્તાવો વ્યક્ત કર્યો હતો. જ્યાં કેટલાક આરોપીઓએ હવે ગુનાખોરી છોડી સુધરવાનો પણ સંકલ્પ નિર્ધાર કર્યો હતો.