સુરત : સુરત (Surat) શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના (VNSGU) સાહિત્ય વિભાગમાં કારકુન તરીકે ફરજ બજાવતી પરણિતાએ પતિની દવા (Medicine) ઓન લાઇન (Online) મંગાવતા એક લાખ રૂપિયા ગુમાવવા પડયા હતા.
- દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કારકુન તરીકે ફરજ બજાવતી પરણિતાએ પતિને હ્રદયની બિમારી હોવાને કારણે તેઓ માટે ઓન લાઇન દવાઓ મંગાવી હતી
- ગુગલ પરથી મેળવેલા ઈ કોમ એક્સપ્રેસનો નંબર મળ્યાં બાદ કોલ કરતાં ક્વિક સપોર્ટ નામની એપ ડાઉનલોડ કરવા કહ્યું અને પાંચ રૂપિયાનું પેમેન્ટ કરતાં જ ખાતમાંથી 1 લાખ ઉપડી ગયા
પતિને હ્રદયની બિમારી હોવાને કારણે તેઓ માટે ઓન લાઇન દવાઓ મંગાવી હતી. દવાનું કુરિયર નહીં આવતા ગુગલ પરથી ઇ કોમ એક્સપ્રેસ કુરિયરનો નંબર મેળવીને કોલ કર્યો હતો. સામેવાળાએ ફોરમબેન રવિકુમાર ચાંપાનેરિયા (ઉ. વર્ષ 32)ને મોબાઇલ ફોન પર ક્વિક સપોર્ટ નામની એપ ડાઉન લોડ કરવા જણાવ્યું હતું.
મેડીસીનની ડીલીવરી માટે તમામ પેમેન્ટ તમારે ઓન લાઇન આપવું પડશે તેમ ઠગબાજે જણાવ્યું હતું. ત્યારબાદ પોતાની ઓળખ ઇ કોમ એકસપ્રેસના કર્મચારી તરીકે આપીને ફોરમબેન પાસે પહેલા પાંચ રૂપિયા મંગાવ્યા હતા. ત્યારબાદ આ ઠગે હવે તમારું મેડીસીનનું પેકેટ આવી જશે તેમ જણાવીને ફોન કાપી નાંખ્યો હતો. ત્યારબાદ પણ દવા નહીં આવતા ફોરમબેને ચેક કરતા ઠગે તેનો ફોન કાપી નાંખ્યો હતો. ત્યારબાદ ફોરમબેનના પીપલ્સ બેંક અને યુનિયન બેંકના એકાઉન્ટમાંથી એક લાખ જેટલી રકમ આ ઠગે બારોબાર ઉસેટી લીધી હતી.
જાન્યુઆરી મહિનામાં આ છેતરપિંડીની ઘટનાની ફરિયાદ હાલમાં અડાજણ પોલીસ મથકે દાખલ કરી છે. તેમાં ફોરમબેનના પતિનું અવસાન થતા આ ફરિયાદ મોડી અપાઈ હોવાની વિગત જાણવા મળી છે.