માંડવી: માંડવી-કીમ રોડ પર આવેલા ઉશ્કેર-રામકુંડ ગામે રાત્રિના 3 વાગ્યાના સમયે બુકાનીધારીએ શર્મા પરિવારને બંધક બનાવી 2 કિલો સોનું, રોકડ રૂ.1,80,000, મોબાઈલ ફોન નંગ-2 મળી રૂ.1,03,00862ની મત્તા ચોરી કરી ત્રણ લુંટારુ ફરાર થઈ ગયા હતા. આ ચકચારી ઘટનાની જાણ થતાં સુરત એલ.સી.બી. પીઆઈ ભાવિક ઈસરાણીની સાથે પોલીસની ચાર ટીમ અને માંડવી પીઆઈ હેમંત પટેલ તથા પોલીસની ટીમ કામે લાગી હતી. અને પાંચ કલાકમાં સર્ચ ઓપરેશન બાદ ત્રણ લુંટારુમાંથી બેને દબોચી લઈ તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો. જ્યારે એક આરોપીની શોધખોળ હાથ ધરાઈ હતી.
- ગામના 1500 જેટલા લોકો લુંટારુઓને પકડવા માટે આખું ગામ ખૂંદી વળ્યા, બે આરોપીને દબોચી પોલીસને સોંપ્યા, એક ફરાર
- લુંટારુઓ પાસેથી સોનાના દાગીના આશરે 169.5 તોલા, ચાંદીના દાગીના 3 કિલો, નાકની નથણી, રોકડા, બે મોબાઇલ કબજે
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાના ડિસ્ટ્રિક્ટ જજ પ્રવીણચંદ્ર શર્માના ભાઈ અને સુરતના માંડવીના ઉશ્કેર-રામકુંડ ગામના મસ્જિદ ફળિયામાં રહેતા સુનીલકુમાર હરીશચંદ્ર શર્મા 50 વીઘાં ખેતી સાથે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. તેમના ઘરે મોડી રાતે 3 વાગ્યાના સુમારે ત્રણ અજાણ્યા લુંટારુઓ સુનીલ શર્માના ઘરના પાછળના ભાગેથી ઘૂસી કિચનની લોખંડની જાળીનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા. બાદ સુનીલભાઈને જોતાં જ તેઓ કંઈ સમજે એ પહેલાં તો હાથ-પગ બાંધી બંધક બનાવી લુંટારુઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વધુમાં સુનીલભાઈના ગળાના ભાગે કોયતા જેવું તીક્ષ્ણ હથિયાર રાખી, પત્ની પ્રેમલતાબેન પાસેથી કબાટની ચાવી લઇ કબાટમાંથી સોનાના દાગીના આશરે 169.5 તોલા અંદાજિત કિંમત રૂ.97,92,862 તથા ચાંદીના દાગીના 3 કિલો કિંમત રૂ.1,98,000, એક નાકની નથણી ઓરિજનલ ડાયમંડની કિંમત રૂ.1 લાખ તથા રોકડા રૂ.1.80,000, મોબાઇલ ફોન નંગ-2 કિંમત રૂ.30 હજાર મળી કુલ મુદ્દામાલ રૂ.1,03,00862ની લૂંટ કરી ત્રણ લુંટારુ વહેલી સવારે 5 વાગે ભાગી છૂટ્યા હતા.
લુંટારુઓનો શોધવા 1500 લોકો ગામ ખુંદી વળ્યા
ઘટના બાદ હતપ્રભ બનેલા સુનીલભાઈએ બૂમાબૂમ કરી મૂકી હતી. આથી સ્થાનિક 1500 જેટલા માણસો એકત્ર થઈ જતાં ગામ લુંટારુઓનું પગેરું મેળવવા લાકડાના દંડા વડે ગામ ખૂંદી વળ્યા હતા. આ બનાવની જાણ થતાં જ સુરત એલસીબી પોલીસ અને માંડવી પોલીસની ટીમ ડોગ સ્ક્વોડ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. આ બનાવમાં પોલીસે 5 કલાકના સર્ચ ઓપરેશન બાદ બે લુંટારુ વિજય તુલસીરામ ચૌહાણ (રહે., થાણે, મહારાષ્ટ્ર) અને રોહિતદાસ સહદેવ ગોલે (રહે., સતાર-મહારાષ્ટ્ર)ની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી તમામ મુદ્દામાલ રિકવર કરી કાર્યવાહી કરી હતી. જો કે, હજી એક આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.
માંડવી પોલીસ અને એલસીબીની સરાહનીય કામગીરી
ઉશ્કેર-રામકુંડ ગામના સુનીલ શર્મા આર્થિક રીતે સધ્ધર છે. જેમના ઘરમાં ત્રાટકેલા લુંટારુઓએ પહેલાંથી રેકી કરી ઘટનાને અંજામ આપ્યો હોવાની આશંકા નકારી શકાતી નથી. આ બનાવમાં આખા જિલ્લાભરની પોલીસ દોડી આવી હતી. જેમાં લુંટારુઓને પકડવા સુરત એલસીબી, માંડવી પીઆઈ હેમંત પટેલ સહિતનો સ્ટાફ, એસ.પી. હિતેશ જોયસર સહિતની ટીમ કામે લાગી હતી. આ બનાવમાં એસ.પી.એ લૂંટને અંજામ આપનારા ત્રણ પૈકી બે આરોપીની ધરપકડ કરતા એલ.સી.બી.ના પીઆઈ ભાવિક ઈસરાણી, માંડવી પીઆઈ હેમંત પટેલ તથા પોલીસ ટીમને અભિનંદન આપ્યાં હતાં.
લોકોએ સરસ્વતી સ્કૂલના ધાબા પરથી એકને પકડ્યો
લૂંટની ઘટના બનતા જ ગ્રામજનો પણ ચોરોને પકડવા ફિલ્ડિંગમાં ગોઠવાઈ ગયા હતા. ચોરો બહાર નહીં જાય એ માટે ગાડીઓ પણ અન્ય રસ્તા ઉપર દોડાવી હતી. લોકોએ ગામને કોર્ડન કરી લીધું હતું. અને ચોર…ચોર…ની બૂમો પાડી મોબાઇલની રિંગ શરૂ કરી દીધી હતી. દરમિયાન એક ચોર નજીકમાં આવેલી સરસ્વતી સ્કૂલના ધાબા પર સંતાયો હોવાની જાણ થતાં ગ્રામજનો એ દિશામાં ધસી ગયા હતા. બાદ તેને દબોચી લઈ અન્ય સાગરીતની પૂછપરછ શરૂ કરી દીધી હતી. એ જ અરસામાં અન્ય એક આરોપી ખેતરમાંથી મળી આવ્યો હતો. આ બનાવમાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસે માંડ માંડ આરોપીઓને છોડાવ્યા હતા.
ચોરી કરવા આવેલા લોકોએ ત્રણ કલાક સુધી પરિવારના મોભીને બંધક બનાવ્યો
લુંટારુઓએ હથિયાર સાથે ભયનો માહોલ ઊભો કરતાં પરિવાર વિવશ બની ગયો હતો. અને સુનીલભાઈએ લુંટારુઓને આજીજી કરી હતી કે. તમારે જે જોઈતું હોય એ લઈ લો. પરંતુ મારા પરિવારને કંઈ કરશો નહીં. આ ઘટનાક્રમ ત્રણ કલાક સુધી ચાલ્યો હતો. લુંટારુઓએ ઘરની ચારે દિશામાં માલમત્તાની શોધખોળ કરી હતી. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.