SURAT

દીકરાને સ્કૂલ મુકવા જતી કાપોદ્રાની પરિણીતાને યુવક ફસાવી, ઓયો હોટલમાં લઈ ગયો અને પછી..

સુરત: કાપોદ્રા ખાતે રહેતી પરિણીતા તેના દીકરાને સ્કૂલે લેવા મૂકવા માટે જતી હતી તે દરમિયાન એક અજાણ્યા યુવકના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે મિત્રતા થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવક પરણીતાને અવારનવાર ઓયો હોટલમાં લઈ ગયો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધી બિભસ્ત ફોટાઓ પાડ્યા હતા.

  • કાપોદ્રામાં પરિણીતા પર બળાત્કાર ગુજારી નરાધમે 1.70 લાખ પડાવનારની ધરપકડ
  • પરિણીતા દીકરાને સ્કૂલે મુકવા જતા યુવકના સંપર્કમાં આવી હતી
  • બિભત્સ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હેરાન કરતો હતો

બાદમાં યુવકે આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી મહિલા પાસેથી સોનાના દાગીના અને રોકડા રૂપિયા 70 હજાર પડાવ્યા હતા. મહિલાએ આ અંગે ગયા મહિને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગઈકાલે આરોપીની ધરપકડ કરી છે.

કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રા વિસ્તારમાં રહેતી પરિણીતા દરરોજ પોતાના દીકરાને મૂકવા માટે સ્કૂલ પર જતી હતી. દરમિયાન રવિ વસોયા નામનો યુવક સ્કૂલની આજુબાજુમાં આંટા મારતો હોવાથી તેના સંપર્કમાં આવ્યો હતો. બંને વચ્ચે વાતચીત થયા બાદ મોબાઈલ નંબરની આપ લે થઈ હતી. ત્યારબાદ બંને એકબીજા સાથે વાતચીત કરતા પ્રેમ સંબંધ બંધાયો હતો.

યુવકે તેને બાપાસીતારામ ચોક પાસે આવેલી ઓયો હોટલમાં લઈ ગયો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધી ફોટાઓ પાડી લીધા હતા. બાદમાં આ બિભસ્ત ફોટાઓને આધારે પરિણીતાને બ્લેકમેઈલ કરી એક વર્ષ સુધી અવારનવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.

એટલું જ નહીં પરંતુ આ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી તેની પાસેથી સોનાની બુટ્ટી, સોનાની કડી મળી એક લાખના દાગીના અને ટુકડે ટુકડે 70 હજાર રોકડા મળી 1.70 લાખની મત્તા પડાવી હતી. આખરે મહિલાએ કાપોદ્રા પોલીસ મથકમાં બળાત્કાર, એટ્રોસિટી અને દાગીના તથા રોકડા રૂપિયા પચાવી પાડવાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

પોલીસે આરોપીના ચોકકસ રહેણાંક સરનામાની હકીકત મેળવી દુષ્કર્મ આરોપી રવિ ભરતભાઇ વસોયા (ઉં.વ.23, રહે. મા ભવાની વીલા સમાડા ગામ સરથાણા તથા મૂળસાવર કુંડલા, જિ. અમરેલી) ને પકડી પાડ્યો છે. આરોપી બાંધકામ સાઈટ ઉપર સુપરવાઈઝરની નોકરી કરે છે.

Most Popular

To Top