ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 1.25 લાખ ક્યૂસેક પાણી છોડવાનું નક્કી કરાયું છે. ફ્લડ સેલ સુરત દ્વારા બપોરે બે કલાકે 75 હજાર ક્યૂસેક પાણી છોડવાનું નક્કી કરાયું હતું પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો હોવાને કારણે હવે એક લાખ 25 હજાર ક્યૂસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવશે. જેને લઈને ડિઝાસ્ટર વિભાગ દ્વારા સુરત મહાનગર પાલિકા તેમજ કલેક્ટર કાર્યાલયને સુરતના નિચાણવાળા વિસ્તારો પર સતત મોનિટરિંગ રાખવાની સૂચના અપાઈ છે.
દર વર્ષની જેમ ઓગસ્ટે મહિનો આવતા જ સુરતીઓના જીવ અધ્ધર થાય છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાને કારણે નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. હાલ ઉકાઈ ડેમનું લેવલ 335 ફૂટ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. તેને જોતા તંત્ર દ્વારા ઉકાઈ ડેમમાંથી તબક્કાવાર 1 લાખ 25 હજાર ક્યૂસેક પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે.
ઉકાઈ ડેમમાંથી પાણી છોડાવાનું હોઈ ડિઝાસ્ટર વિભાગ દ્વારા સુરત મહાનગર પાલિકા, સુરત સિટી, માંડવી, કામરેજ, બારડોલી અને ઓલપાડના નાયબ કલેક્ટર તેમજ તાલુકા વિકાસ અધિકારીઓને નીચાણવાળા વિસ્તારોનું સતત મોનિટરિંગ કરવા માટેની સૂચના અપાઈ છે. તેમજ સાવચેતીના તમામ જરૂરી પગલા લેવા જણાવાયું છે. જણાવી દઈએ કે ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે આ નિર્ણય લેવાયો છે.