સુરત: ખોવાયેલી કે ચોરાયેલી વસ્તુ પાછી મળવાની કોઈ આશા હોતી નથી, પરંતુ જ્યારે તે વસ્તુ મળે ત્યારે આનંદ અનુભવાય છે. વળી, ચોરાયેલી વસ્તુ મળે ત્યારે તેની કિંમત દસ ગણી થઈ જાય તો ખુશીનો પાર રહેતો નથી. આવી જ ઘટના સુરતની મહિલા સાથે બની. મહિલાનો ચોરાયેલો 12 હજારનો સોનાનો અછોડો 18 વર્ષે પાછો પોલીસે શોધી આપ્યો છે. હાલમાં તે અછોડાની કિંમત 1.20 લાખ થઈ ગઈ છે.
સુરતના ચોક બજાર વિસ્તારમાં પોલીસની સરાહનિય કામગીરી સામે આવી છે. ફરિયાદીનો અછોડો 2006માં પૂર આવ્યું તે દરમિયાન ચોરાયો હતો. જો કે 18 વર્ષ પછી પાછો મળેલો 12 હજારનો અછોડો રૂપિયા 1.20લાખનો થઈ ગયો છે. વર્ષ 2024માં ફરિયાદીને તેમનો અછોડો પરત મળ્યો છે. પોલીસે કોર્ટનો ઓનલાઈન ઓર્ડર કઢાવી મુદ્દામાલ પરત આપ્યો હતો.
2006માં સુરતમાં પાણી શહેરમાં ઘુસ્યા બાદ જ્યારે મહિલા માર્કેટ ગઈ ત્યારે અછોડો તૂટ્યો હતો. જેથી મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી. ઘણા ધક્કા કોર્ટમાં પણ ખાધા પરંતુ કંઈ થયું નહોતું.
પોલીસે સામે ચાલીને મહિલાનો સંપર્ક કર્યો હતો. કોર્ટનો ઓનલાઈન ઓર્ડર કઢાવીને મહિલાને મુદ્દામાલ પરત કર્યો હતો. જેથી તેણીએ આ સોનાના અછોડાનો ઉપયોગ પોતાની દીકરીના લગ્નમાં કરશે તેમ કહી આભાર માન્યો હતો.
મહિલાને જ્યારે અછોડો પરત સોંપાયો ત્યારે તેણીએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું, મેં તો આશા છોડી દીધી હતી. દીકરીના નસીબમાં હશે તો મળશે એમ માની લીધું હતું. અને જુઓ 18 વર્ષે દીકરી પહેરવા લાયક થઈ ત્યારે જ અછોડો મળ્યો છે. હું ખુબ ખુશ છું.