ભારતમાં આજે ચેપના ૧૪૧૯૯ નવા કેસોની સાથે કોવિડ-૧૯ના કેસોએ ૧.૧૦ કરોડની સપાટી વટાવી હતી જ્યારે સક્રિય કેસોની સંખ્યા સતત પાંચમા દિવસે વધી હતી અને ૧૭ દિવસના ગાળા પછી તે ૧.પ લાખને પાર ગયા હતા એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા જણાવતા હતા. મહારાષ્ટ્ર સરકારના મંત્રી છગન ભુજબળને પણ કોરોના થયો છે એવી જાણકારી ખુદ તેમણે આપી હતી.
દેશમાં કોરોનાવાયરસના કેસોની કુલ સંખ્યા ૧૧૦૦પ૮પ૦ થઇ છે. ૮૩ નવા મૃત્યુઓ સાથે કુલ મૃત્યુઆંક વધીને ૧પ૬૩૮પ થયો છે એમ આજે સવારે ૮ વાગ્યાના આંકડા જણાવતા હતા. ભારતમાં સક્રિય કેસો વધીને ૧૫૦૦પપ થયા છે જે કુલ કેસોના ૧.૩૬ ટકા છે એમ આંકડા જણાવે છે.
આ પહેલા દેશમાં સક્રિય કેસો પ ફેબ્રુઆરીએ દોઢ લાખની ઉપર હતા જ્યારે તેઓ ૧૫૧૪૬૦ હતા. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સક્રિય કેસોની સંખ્યામાં ઉછાળો મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, પંજાબ અને મધ્ય પ્રદેશમાં દૈનિક ચેપના કેસોની સંખ્યામાં વધારાને કારણે આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં કોવિડ-૧૯ના કેસોએ એક કરોડની સપાટી ૧૯ ડિસેમ્બરના રોજ વટાવી હતી.
દરમ્યાન, કોરોનાવાયરસના ચેપના વધતા કેસોની સંખ્યાને ધ્યાનમાં રાખીને કર્ણાટક સરકારે કેરળથી આવતા મુસાફરો પર ફરીથી કડક નિયંત્રણો લાદ્યા છે આને કારણે દક્ષિણ કન્નડાના મેંગલુરુ તથા અન્ય ભાગોમાં કેરળથી તબીબી જરૂરિયાતો અને અભ્યાસ સહિત વિવિધ હેતુસર આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
કર્ણાટકના સત્તાવાળાઓએ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત ઘણા રસ્તાઓ સીલ કરી દેતા આજે સવારથી જ કેરળ અને કર્ણાટકની સરહદના વિસ્તારોમાં વાહનોની લાંબી લાઇનો જોવા મળી રહી હતી. બીજી બાજુ કેરળના મુખ્યમંત્રી પી. વિજયને કહ્યું હતું કે કર્ણાટક સરકારનું આ પગલું કેન્દ્રની માર્ગદર્શિકાની વિરુદ્ધ છે અને તે બાબતે કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવામાં આવશે.
દિલ્હીમાં મેટ્રો મર્યાદિત ક્ષમતા સાથે ચાલશે. નાગપુરમાં શૈક્ષણિક સંસ્થાઓ 7 માર્ચ સુધી બંધ રહેશે. મહારાષ્ટ્રના બુલઢાણામાં નિયંત્રણો વધારી દેવાયા છે. અહીં આવશ્યક સામાન ખરીદવા સવારે 8થી બપોરે 3 સુધી જ લોકો બહાર નીકળી શક્શે. અમરાવતી, અકોલામાં પણ આવશ્યક સિવાયની દુકાનો બંધ રહેશે.